Aapnu Gujarat
બ્લોગ

પર્રિકરે રાજીનામું આપી નૈતિકતા સાબિત કરવી જોઈએ

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર ફરી ચર્ચામાં છે. પર્રિકર લાંબા સમયથી બીમાર છે છતાં ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કરે છે. પર્રિકરને છેલ્લા સ્ટેજનું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાટિક કેન્સર થયું છે ને લાંબા સમયથી સારવાર ચાલી રહી છે. પર્રિકર સારવાર માટે ત્રણ મહિના અમેરિકા ગયા હતા ને તબિયત થોડી સુધરી એટલે પાછા આવી ગયેલા. હમણાં ગણેશ ચતુર્થી ઉત્સવમાં ભાગ લેવા વતન પારા ગામ ગયા ત્યાં તબિયતે ઊથલો માર્યો તેમાં પહેલા ગોવાની હોસ્પિટલમાં દાખલ કરાયા ને પછી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સસ (એઈમ્સ)માં દાખલ કરાયા.
પર્રિકરની માંદગીના કારણે ગોવામાં રાજકીય ધમાધમી શરૂ થઈ છે. પર્રિકરે પોતાને છૂટા કરવા વિનંતી કરેલી પણ ભાજપે ચોખ્ખી ના પાડી છે. બીજી બાજુ પર્રિકરની માંદગીના કારણે ગોવાના કૉંગ્રેસીઓના મોંમાંથી લાળ ટપકવા માંડી છે. તેમણે પહેલાં પર્રિકરે રાજીનામું ધરી દેવું જોઈએ એવું કોરસ શરૂ કર્યું ને સોમવારે તો રાજ્યપાલને મળીને ભાજપ લઘુમતીમાં છે તેથી કૉંગ્રેસને સરકાર રચવા નોતરું મળવું જોઈએ એવો દાવો પણ કરી નાખ્યો.
ભાજપ આ દબાણને વશ થાય ને પર્રિકરને રવાના કરે એ વાતમાં માલ નથી. ભાજપ પર્રિકરને છોડવા નથી માગતો તેનું કારણ ગોવા ખોવાનો ડર છે. ગોવામાં એક સમયે ભાજપના ચણા પણ નહોતા આવતા. પર્રિકરે મહેનત કરીને તેને સત્તા લગી પહોંચાડ્યો. ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચેલી ને પર્રિકર મુખ્યમંત્રી બનેલા. જો કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તે પછી પર્રિકરને કેન્દ્રમાં લઈ ગયેલા ને સંરક્ષણ મંત્રી જેવું મોભાદાર પદ આપેલું. પર્રિકરે સંરક્ષણ મંત્રી બનતાંવેંત બહુ થૂંક ઉડાડેલાં. સંરક્ષણ મંત્રી તરીકે એ કશું ઉકાળી શક્યા નહોતા એ અલગ વાત છે. પાકિસ્તાન આપણા સૈનિકોનાં માથાં વાઢી ગયું એવી શરમજનક ઘટનાઓ તેમના સમયમાં બનેલી. આતંકવાદ પણ બેફામ બનેલો ને પર્રિકર મોં વકાસીને જોઈ રહેવા સિવાય કશું કરી શકતા નહોતા.
પર્રિકર સંરક્ષણ મંત્રી હતા એ ગાળામાં જ એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૭માં ગોવા વિધાનસભાની ચૂંટણી આવી ને ભાજપ માટે બાવાનાં બેઉ બગડ્યા જેવો ઘાટ થયેલો. પર્રિકર સંરક્ષણ મંત્રી તરીકે ચાલ્યા નહીં ને બીજી બાજુ તેમની જગાએ ગાદી પર બેઠેલા લક્ષ્મીકાન્ત પારસેકરે ભાજપનું ધનોતપનોત કાઢી નાખ્યું તેમાં ગોવા વિધાનસભાની ગયા વરસના ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ધબોનારાયણ થઈ ગયેલો. આ ચૂંટણીમાં ૪૦ બેઠકોમાંથી ભાજપને ગણીને ૧૩ ને કૉંગ્રેસને ૧૭ બેઠકો મળેલી. સૌથી મોટા પક્ષ તરીકે કૉંગ્રેસને સરકાર રચવા નિમંત્રણ મળવું જોઈતું હતું પણ રાજ્યપાલ મૃદુલા સિંહા ભાજપ ભણી ઢળ્યાં તેમાં કૉંગ્રેસ મોં વકાસીને જોતો રહી ગયેલો. ભાજપને પણ રાંડ્યા પછી ડહાપણ આવ્યું ને પારસેકરનું ગોવાને સંભાળવાનું ગજું નથી એવી ખબર પડી એટલે પર્રિકરને રાજીનામું અપાવીને ગોવા મોકલ્યા ને તાજપોશી કરાવી.
પર્રિકર ગોવાના રાજકારણના ખેલંદા છે તેથી તેમણે ભાજપ ઈચ્છતું હતું એવો ખેલ પાડી દીધો. કૉંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવેલાં તેથી સુપ્રીમ કોર્ટે ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરને બે દિવસમાં વિશ્ર્‌વાસનો મત લેવા ફરમાન કરેલું. પર્રિકરને તેની સામે વાંધો નહોતો કેમ કે તેમણે પહેલાંથી બધી ગોઠવણ કરી જ રાખેલી. પર્રિકરે કૉંગ્રેસના દિગ્ગજ નેતાને ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રતાપસિંહ રાણેના દીકરા વિશ્ર્‌વજીત રાણેને ખેરવી નાખ્યો ને કૉંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું. એ સિવાય બાકી રહેલા છૂટપૂટિયા ધારાસભ્યોને પણ પર્રિકર ખેંચી લાવ્યા. તેના કારણે રાણે સિવાયના બાકીના કૉંગ્રેસી ધારાસભ્યોએ પર્રિકરની વિરુદ્ધમાં મત આપ્યો પણ બીજા બધા ધારાસભ્યો પર્રિકરને પડખે રહ્યા તેમાં પર્રિકર ૨૧ વિરુદ્ધ ૧૬ મતે જીતી ગયેલો. પર્રિકરે ગોવા ફોરવર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમાતાંક પાર્ટી અને બે અપક્ષ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને બહુમતી સાબિત કરેલી.
વિશ્ર્‌વજીત રાણે વોકઆઉટ કરી ગયેલા ને તેમણે મતદાનમાં ભાગ નહોતો લીધો. મતદાનના બે કલાક પછી તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ને કૉંગ્રેસને રામ રામ કરવાની જાહેરાત કરી નાખી. રાણેએ સવારે ધારાસભ્યપદના શપથ લીધેલા ને બપોરે તો રાજીનામું ધરીને ફરી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી નાખી હતી. પર્રિકરે તેમને લીલાતોરણે પોંખીને ભાજપમાં લીધા ને રાણે પાછા જીતી પણ ગયા તેમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ. પર્રિકરની સરકાર આજેય લઘુમતીમાં છે પણ પર્રિકર ઠંડે કલેજે ખેલ ચલાવે છે ને છેલ્લાં દોઢ વરસથી ગોવામાં ગાદી પર બેસીને લીલાલહેર કરે છે. પર્રિકર પોતાની તબિયત ના સાચવી શક્યા તેમાં મોટા ભાગનો સમય નિષ્ક્રિય જ રહ્યા છે એ છતાં તેમની સામે બગાવતનો એક સૂર ભાજપમાંથી નથી ઊઠ્યો. તેનું કારણ પર્રિકરનો ભાજપ પર પ્રભાવ છે.
હવે અત્યારે પર્રિકરને ભાજપ હટાવે તો લોચો થઈ જાય એમ છે. પર્રિકરને હટાવે તો કોને મૂકવા એ સવાલ છે. પર્રિકર સામે કોઈને વાંધો નથી પણ નવા માણસ સામે ભાજપમાં જ વાંધા હોય તો નવા ડખા ઊભા થઈ જાય. લોકસભાની ચૂંટણી માથે છે ને ભાજપે સવા ચાર વરસમાં ધોળકું ધોળ્યું છે એ જોતાં તેને ફીણ પડવાનું છે એ નક્કી છે. ભાજપના નેતાઓને આ વાતની ખબર જ છે એટલે તેમના માટે એક-એક બેઠક મહત્ત્વની છે. ગોવામાંથી લોકસભાની બે બેઠકો છે ને છેલ્લી ચૂંટણીમાં બંને બેઠકો ભાજપે કબજે કરેલી. હવે સત્તાપરિવર્તન કરવા જતાં ભાજપમાં જ ડખા થાય તો ગોવામાં ભાજપે બંને બેઠકોથી હાથ ધોવા પડે. ભાજપ એવું ઈચ્છતો નથી એટલે સખળડખળ તો સખળડખળ, તેણે લોકસભાની ચૂંટણી લગી પર્રિકરને ચલાવવાનું નક્કી કરી નાખ્યું છે.
ભાજપ ખોટું કરી રહ્યો છે એ દેખીતું છે કેમ કે પર્રિકરની તબિયત એવી નથી કે એ કારભાર સરખી રીતે સંભાળી શકે. પર્રિકરે પોતે એ વાત કબૂલી છે ને પોતાને છૂટા કરવા વિનંતી કરી છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે તેમને છૂટા કરતો નથી પણ આવું કંઈ પહેલી વાર નથી થતો. પર્રિકર હજુ સાવ પથારીવશ નથી થયા ને હરીફરી શકે છે. બાકી આ દેશમાં સાવ પથારીવશ થઈ ગયેલા હોય એવા મુખ્યમંત્રી વરસો લગી ગાદી પર ચીટકી રહ્યા હોય એવું બન્યું જ છે.
તાજો જ દાખલો બે વરસ પહેલાં ગુજરી ગયેલાં જયલલિતાનો છે. જયલલિતા ગુજરી ગયાં એ પહેલાં સળંગ અઢી મહિના હોસ્પિટલમાં હતાં ને બહાર શું ચાલે છે તેની તેમને ખબર જ નહોતી. એ લાંબા સમયથી ખાટલાવશ જ હતાં. વચ્ચે થોડાક દિવસ એ હોસ્પિટલમાંથી બહાર આવેલાં પણ પાછી તબિયત કથળી એટલે તેમને હોસ્પિટલમાં ભરતી કરવાં પડેલાં. અંતિમ તબક્કામાં ૨૨ સપ્ટેમ્બરથી બીમાર હતાં ને અઢી મહિના હોસ્પિટલમાં રહ્યા પછી ૬ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ગુજરી ગયાં. જયલલિતાની બીમારી ચર્ચાસ્પદ બનેલી ને તમિલનાડુ સરકાર જયા મેડમની બીમારીની વાતો છૂપાવે છે તેવા આક્ષેપો પણ ભરપૂર થયેલા. એ કશું કામ કરી શકે તેમ નહોતાં પણ સરકારી ખર્ચે તેમનો ઈલાજ કરાવી શકાય એટલે તેમને ગાદી પર બેસાડી રખાયેલાં.
જયલલિતાના રાજકીય ગુરૂ ને અંગત જીવનના પ્રેમી એમ.જી. રામચંદ્રન તો બધાંને ટપી ગયેલા ને સાવ પતી ગયેલા હોવા છતાં તેમને ત્રણ વરસ ગાદી પર ચાલુ રખાયેલા. એમ.જી.આર.ની કિડની નિષ્ફળ ગઈ છે તેવી ખબર ઓક્ટોબર ૧૯૮૪માં પડી પછી એ ખાટલાભેગા જ થઈ ગયેલા. તેમને ડાયાબિટીસ તો હતો જ ને બાકી હતું તે હાર્ટએટેક આવ્યો. થોડા દિવસ પછી સ્ટ્રોકનો જોરદાર હુમલો આવ્યો ને લકવો થઈ ગયો. તેમને તાબડતોબ અમેરિકા લઈ જવાયેલા ને સારવાર શરૂ કરાઈ. તેમની ત્યાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ ને બીજી સારવાર ચાલુ રખાઈ.
દરમિયાનમાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી. ૧૯૮૪ની એ ચૂંટણી ઈન્દિરા ગાંધીની હત્યાના મોજા પર લડાયેલી ને એઆઈએડીએમકેનું કૉંગ્રેસ સાથે જોડાણ હતું એટલે તેમની ગેરહાજરીમાં પણ પાર્ટી જીતી ગઈ. રામચંદ્રન સાવ પતી ગયેલા હતા છતાં વ્હિલચેરમાં તેમને લવાયા ને તેમની મુખ્યમંત્રીપદે શપથવિધિ કરાયેલી. રામચંદ્રન એ પછી ૨ વર્ષ ને ૧૦ મહિના જીવ્યા પણ તેમાંથી મોટા ભાગનો સમય એ અમેરિકાની હોસ્પિટલોમાં જ રહેલા ને સરકારી ખર્ચે સારવાર કરાવતા રહ્યા.
પર્રિકરની હાલત સાવ એવી નથી. તેમનું કેન્સર બહુ આગળ વધી ગયું છે એવું કહેવાય છે પણ અત્યારે મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ગયું છે એ જોતાં પર્રિકર પાછા બેઠા થઈ જાય એવું પણ બને. તેમને અમેરિકા લઈ જવાના છે એ જોતાં તેમની તબિયત સુધરે એવી આશા છે જ. એ પાછા બેઠા થાય એવી આશા રાખીએ પણ એ દરમિયાન ભાજપે વચગાળાની વ્યવસ્થા કરવી જોઈએ. ગોવાનાં લોકો તરફ પર્રિકરની ફરજ છે ને એ ફરજ એ બજાવી ના શકતા હોય તો તેમને ગાદી પર રહેવાનો હક નથી જ. ભાજપ ના કહેતો હોય તો પણ પર્રિકરે રાજીનામું આપવું જોઈએ ને નૈતિકતા સાબિત કરવી જોઈએ.(જી.એન.એસ)

Related posts

EVENING TWEET

aapnugujarat

રસ્તા પર કચરો ખાતી ગાયોનો ઉપાય ક્યારે..??

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1