Aapnu Gujarat
બ્લોગ

હાર્દિક હવે પહેલા જેવો જાયન્ટ કિલર રહ્યો નથી

પાસ કન્વીનર હાર્દિક પટેલે પોતાની અમાનત માગણીને લઇને આદરેલાં અનશનનો બિનશરતી ત્યાગ કરતાં પારણાં કરી લીધાં છે. હાર્દિકે પાણી ભલે શરદ યાદવના હાથે પીધું પણ અનશનનું પારણું ખોડલધામના નરેશ પટેલના હાથે કરી પાટીદાર સંસ્થાઓને મનાવી લીધી છે.બપોરે સવાત્રણે હાર્દિકે લીંબુ શરબત અને નાળિયેર પાણી પીને ઉપવાસનો અંત આણ્યો છે.હાર્દિકને પારણાં કરાવવાના સમયે ઉપવાસી છાવણીમાં તમામ સંસ્થાના આગેવાનોએ હાર્દિકની બાજુમાં ઉપવાસમંચ પર સ્થાન લીધું હતું. જેમાં સીકે પટેલ જેમને હાર્દિકે ભાજપના એજન્ટ કહ્યાં હતાં તેઓ પણ બાજુમાં બેઠાં હતાં અને બીજી તરફ નરેશ પટેલ હાજર હતાં. તેમ જ જેમના હાથે હાર્દિકે પહેલીવાર પાણી પીધું હતું તેવા સ્વામીનારાયણ સંસ્થાના એસપી સ્વામી પણ આવી પહોંચ્યાં હતાં.ઉપવાસના પારણાં કરાવતાં પહેલાં પાસના મનોજ પનારાએ ઉપસ્થિતો સંબોધન કર્યું હતું. પાટીદાર અગ્રણીઓએ પણ મંચ પરથી વિવિધ નિવેદનો કર્યાં હતાં. હાર્દિકના ઉપવાસ પૂરા થતાં જ હવે હાર્દિક દ્વારા અલ્પેશ કથીરીયાની જેલમુક્તિનો મુદ્દો આગળ કરવામાં આવ્યો છે.૧૯ દિવસથી ઉપવાસ પર બેઠેલ હાર્દિક પારણાં કરશે તે આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. પાસના કન્વીનર મનોજ પનારાએ આજે એક પત્રકાર પરિષદ કરીને હાર્દિકના ઉપવાસ છોડવા અંગે માહિતી આપી હતી. આજે બપોરે ત્રણ વાગે સમાજના વડીલો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, કાર્યકરોના કહેવાથી આજે પારણાં થશે.પ્રેસ કોન્ફરન્સમાં પાસ નેતા મનોજ પનારાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકાર હિટલરશાહી અને તાનાશાહી સરકાર છે. ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન વ્યક્તિત્વોએ અનેકવાર આંદોલનો કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ જે જનજાગૃતિ ઉભી થઇ છે જે ચાર કરોડ ખેડૂતો જાગૃત થયા છે એના કારણે આજે સરકારે માંગણી સ્વિકારી નથી. આગામી દિવસોમાં હાર્દિક પટેલના ઉપવાસના કારણે માનવી પડશે. લોકો પ્રશ્નો પૂછતા થઇ ગયા કે પાટીદારોને અનામત ક્યારે આવશે.આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા મનોજ પનારાએ જણાવ્યું કે અલ્પેશ કથેરિયાને જેલમુક્ત નહી કરવામાં આવે તો સૂરતથી આવતીકાલે મોરબીથી ટંકારા સુધી યાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત, પાલનપુર, ઉત્તર ગુજરાતથી યાત્રા કાઢવામાં આવશે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઇ જશે ત્યાર બાદ તે દરેક કાર્યક્રમમાં હાજર રહેશે.હાર્દિક પારણાં કરવાના સમાચારને લઈને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે મોડો મોડો પણ હાર્દિકનો નિર્ણય સારો છે. આ પહેલાં પણ પાટીદાર અગ્રણીઓ અને નરેશ પટેલ અને સરકાર તરફથી તેને પારણાં કરી લેવા વિનંતી કરવામાં આવી હતી. જોકે આજે તે બિનશરતી પારણાં કરી રહ્યો છે તે સારી વાત છે.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના પહેલા દિવસથી જ હાર્દિક પટેલને કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. હાર્દિક પટેલના ૧૯ દિવસના ઉપવાસ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ, પાટીદાર સમાજના આગેવાનો સહિત અન્ય કેટલીક પાર્ટીના નેતાઓ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત,તો ભાજપના શત્રુઘ્ન સિંહા અને યશવંતસિંહા સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓએ હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. તો આ સિવાય હાર્દિક પટેલે જ્યારે જળત્યાગ કર્યો ત્યારે પી.પી. સ્વામીએ હાર્દિક પટેલને જળગ્રહણ કરાવ્યું હતું. જ્યારે ફરીવાર જળત્યાગ કર્યો ત્યારે શરદ યાદવે જળગ્રહણ કરાવ્યું હતું.હાર્દિક પટેલના ૧૯ દિવસના ઉપવાસ ડ્રામાના અંતે પણ કાંઈ આવું જ થયું હોય તેવો અહેસાસ થઈ જાય છે. આમ સરકારને હવે ખબર પડી ગઈ છે કે, આ ’તલ’માં તેલ નથી.ગુજરાતના પાટીદાર યુવાનોને સરકારી નોકરીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ મળે તેમજ રાજ્યના ખેડૂતોનું બધું જ દેવું માફ કરી દેવાય તેવી માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧૯ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ ૧૯ દિવસ દરમિયાન હાર્દિકે ક્યારેક પાણીનો ત્યાગ કર્યો તો પાછું પાણીના પારણા કર્યા, પાછો જળત્યાગ કર્યો અને ફરી પાણીના પારણા કર્યા અને આખરે બુધવારે બપોરે ઉપવાસના પારણા કરી દેવાનો નિર્ણય પોતે ટ્‌વીટ કરીને જાહેર કર્યો.(૩ સંસ્થાના પ્રમુખે પારણાં કરાવ્યા બાદ હાર્દિકે કહ્યું, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું)હાર્દિકનો આ ઉપવાસ ડ્રામા ૧૯ દિવસ ચાલ્યો અને તે દરમિયાન હાર્દિકના મોરચે જે ડ્રામેબાજી થઈ તે સહુએ જોઈ. પરંતુ અન્ય બે મોરચે એટલે કે પાટીદાર સમાજ અને સરકારના સ્તરે જે ગજબની કૂનેહ દાખવવામાં આવી તે કાબિલે તારિફ રહી. આ આંદોલન પ્રકરણ બાદ હાર્દિકનું શું થશે તે તો હવે સમય જ દેખાડશે, પરંતુ સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું અને બીજા પક્ષે સરકારને પણ હવે હાર્દિકની બીક દૂર થઈ ગઈ છે તે નક્કી છે.હાર્દિકે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું તે પહેલાં તેણે પાસના નેતાઓ અને આ ઉપવાસ કેટલા દિવસ સુધી ચાલી શકે અને તેનાથી તેના આરોગ્ય પર શી અસર થઈ શકે તે બાબતે પોતાના તબીબ કાર્યકરો સાથે પણ ગહન ચર્ચા કરી હતી. શરૂઆતમાં હાર્દિકને જે સપોર્ટ મળ્યો અને સામે પક્ષે સરકારે કોઈ મચક ન આપી તો તેના પગલે તેણે પાણીનો પણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ બે દિવસમાં જ ગઢડાના એસપી સ્વામીએ આવી, સમજાવીને હાર્દિકને પાણીના પારણા કરાવ્યા. વળી પાછું દસ દિવસ બાદ હાર્દિકે પાણીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું પરંતુ તે વખતે જનતાદળના નેતા શરદ યાદવના હસ્તે પાણીના પારણા કર્યા. જો કે, ૧૯ દિવસ સુધી પોતાના ઉપવાસને કારણે પણ ગુજરાતની સરકારના પેટનું પાણીય હલી રહ્યું નથી તેવો હાર્દિકને અહેસાસ થયો હોઈ શકે છે. અલબત્ત, ઉપવાસના પારણા કરવા માટે હાર્દિકે સમાજના આગેવાનોએ પોતાના આરોગ્ય અંગે જતાવેલી ચિંતાનું કારણ ધર્યું છે, તો આ ચિંતા તો ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પણ જોવા મળી હતી અને પાટીદાર સમાજની તમામ છ અગ્રણી સંસ્થાઓએ હાર્દિકને આરોગ્યનું કારણ ધરીને ઉપવાસના પારણા કરી લેવા સમજાવ્યો હતો. આમછતાં હાર્દિક તે સમયે ટસનો મસ નહોતો થયો. તો પછી હવે આમ એકાએક આરોગ્ય કથળવાનું કારણ આપીને ઉપવાસના પારણા કરી લીધા તે કળી ન શકાય તેવી બાબત છે. જો આ જ કારણ હતું તો હાર્દિકે અઠવાડિયામાં જ શા કારણે સમાજના આગેવાનોની વાત સાંભળી નહીં અને તે સમયે જ કેમ પારણા ન કરી લીધા તે બાબત સમજાય તેવી નથી.ઉમિયા માતા સંસ્થાન (ઊંઝા), ખોડલધામ(કાગવડ), સરદારધામ (અમદાવાદ),વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), સમસ્ત પાટીદાર સમાજ (સુરત) અને ઉમિયા માતા સંસ્થાન (સુરત) એમ પાટીદાર સમાજની છ અગ્રણી સંસ્થાઓને ધરાવતી પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટિ (પીઓસી)ના પ્રતિનિધિઓ અત્યારસુધી વારાફરતી હાર્દિકના ઉપવાસના સ્થળ એટલે કે છત્રપતિ નિવાસે જઈને તેને ઉપવાસના પારણા કરી લેવા સમજાવતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે પણ આ છ સંસ્થાના અગ્રણીઓને સરકાર પર દબાણ લાવવા કે હાર્દિક વતી લડત ચલાવવાનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે પણ આ મામલે સલામત અંતર રાખ્યું હતું. પરંતુ દેખીતી વાત એ હતી કે, પાટીદાર સમુદાયના એક પણ અગ્રણીએ ખુલ્લામાં હાર્દિકની પાટીદાર સમાજને અનામત મળે તે મામલે સમર્થન આપ્યું નહોતું. બધાએ માત્ર ખેડૂતોને દેવા માફી મળે તેની જ વાત કરી હતી. બીજીતરફ સમાજના આ અગ્રણીઓએ એકેય પાટીદાર ધારાસભ્યને સરકાર પર અનામત કે ખેડૂત દેવા માફી મામલે ભીંસમાં લેવા દબાણ તો બહુ દૂરની વાત રહી પરંતુ આગ્રહ સુદ્ધાં ન કર્યો. આમ, સમાજના અગ્રણીઓ કઈ દિશામાં હતા અને હવે કઈ દિશામાં જવાના છે તે તો પહેલાથી જ નક્કી હતું.રાજ્ય સરકારનું વલણ પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું અને દેખીતી વાત એ છે કે ૧૯ દિવસ દરમિયાન હાર્દિક (પાણી પીવા-ત્યાગવા) અને પાટીદાર સમાજના અગ્રણીઓના વલણમાં ફેરફાર જોવા મળ્યો પરંતુ સરકારના વલણમાં કોઈ ફરક પડ્યો નહોતો. રાજ્ય સરકાર વતી હાર્દિકના ઉપવાસ આંદોલનના બીજા જ દિવસે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે, હાર્દિકને જે કરવું હોય તે કરી લે પરંતુ રાજ્ય સરકાર આ મામલે કોઈ સમાધાન કે વાટાઘાટો કરવાની નથી. હાર્દિકના ૨૦૧૫ના જીએમડીસી ગ્રાઉન્ડના આંદોલન વખતે રાજ્ય સરકાર રીતસરની હલબલી ગઈ હતી. પરંતુ ક્રમશઃ હાર્દિકથી પાટીદાર સમાજને અળગો કરવામાં સરકારને વ્યૂહાત્મક સફળતાઓ મળી અને આજે એ સ્થિતિ છે કે કોઈ પણ પાટીદાર સંગઠન અનામતના મામલે સરકારની વિરુદ્ધ કોઈ પણ ખુલ્લું કે ટીકાત્મક નિવેદન કરવા તૈયાર નથી. આમ સમાજ તો હાર્દિકથી દૂર થઈ જ ગયો છે તે વિશ્વાસ કેળવી લીધા બાદ સરકારે આ આંદોલનને મચક સુદ્ધાં આપી નહોતી અને કોંગ્રેસના આ મામલે હસ્તક્ષેપને પૂરેપૂરો થવા દીધો. કોંગ્રેસના નેતાઓ પહેલા દિવસથી જ હાર્દિકના તંબુમાં બેરોકટોક જઈ શકતા હતા અને પાટીદારોને રસ્તામાં રોકવામાં આવતા હતા. પરંતુ હાર્દિક હવે પહેલા જેવો જાયન્ટ કિલર નથી રહ્યો અને તેણે પોતાની પાસે સમાજના આક્રોશરૂપી જે લાકડી હતી તે આ વખતે સરકારને મારી દેવાની ભૂલ કરી અને આ ફટકો ખાધા બાદ સરકારને પણ ખ્યાલ આવી ગયો છે કે આ તો ખાલી લાકડી છે જેના વાગવાથી કશું નુકસાન નથી થવાનું.હાર્દિક પટેલે બરાબર ૧૯ દિવસ પહેલા ત્રણ મુદ્દાને લઈ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જેમાં પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરીયાની જેલ મુક્તિ હતી. પણ ૧૯ દિવસ દરમિયાન ભાજપે હાર્દિક પટેલની માગણીના મુદ્દે કોઈ વાત કરવાની તૈયારી બતાડી નહીં. બીજી તરફ હાર્દિકના ભરોસે ગાંધીનગર સર કરવા નિકળેલા કોંગ્રેસના નેતાઓને પણ અંદાજ આવી ગયો કે બાજી હાથમાંથી નિકળી રહી છે. જેના કારણે તેમણે પણ હાર્દિકના જીવની દુહાઈ આપી હાર્દિકે પારણા કરી લેવા જોઈએ તેવો રાગ આલાપવાની શરૂઆત કરી હતી.ત્રણ વર્ષ પહેલા ૨૦૧૫માં હાર્દિક પટેલની તાકાત અને સ્થિતિ જુદી હતી. ત્યારે હાર્દિકે જો ભાજપ સરકાર સાથે વાટાઘાટો કરી પાટીદાર અને ખેડૂતો માટે કંઈ માંગ્યુ હોત તો સંભવ છે કે થોડી ઘણી માગણીઓ સ્વીકાર્ય થઇ હોત. પરંતુ ત્યાર બાદ હાર્દિક પટેલ પોતાની ભુલમાં ફસાતો ગયો અને ૨૦૧૭માં હાર્દિકે કોંગ્રેસને સાથ આપી ભાજપ સામે ખુલ્લો મોર્ચો ખોલ્યો હતો. હાર્દિક કોંગ્રેસની હોડીમાં બેઠા પછી પણ ૨૦૧૭ની ચૂંટણીમાં ધાર્યુ નુકશાન પણ કરી શક્યો નહીં જેના કારણે ભાજપ સરકારે હાર્દિકની કોઈ પણ માગણીઓ અંગે વાત કરવાના દરવાજા બંધ કરી દીધા હતા.હાર્દિકે ઉપવાસનું શસ્ત્ર ઉગામી ભાજપ સરકારના લમણે બંદુક મુકવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિકને અપેક્ષા હતી કે તેને ૨૦૧૫ જેવુ સમર્થન મળશે પણ અપેક્ષા કરતા વિપરીત સ્થિતિ નિર્માણ થઈ. જો કે હાર્દિકનો આરોપ હતો કે તેને મળવા આવતા સમર્થકોને પોલીસ રોકી રહી છે તેના કારણે સંખ્યા ઓછી છે. પણ વાસ્તવિકતા તો એવી હતી કે હાર્દિકના ૧૯ દિવસના ઉપવાસમાં રોજ પાંચસો લોકો પણ હાર્દિકને મળવા આવી રહ્યા ન હતા.
હાર્દિક અને પાસના નેતાઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે ઉપવાસ વધુ ચાલે તો પણ ભાજપ સરકાર વાત કરવાની નથી અને ક્રમશઃ હાર્દિકને મળવા આવનારની સંખ્યા પણ નહીવત થઈ જશે.હાર્દિકની ઉપવાસ છાવણીમાં ક્યારેક માંડ દસ માણસો પણ નજરે પડતા ન્હોતા. કોઈ રાષ્ટ્રીય નેતા અથવા બીજા રાજ્યના નેતાઓ જ્યારે હાર્દિકની ખબર પુછવા માટે આવવાના હોય ત્યારે પાસના કાર્યકરો ફોન કરી થોડી ઘણી ભીડ પણ મહેમાનોને દેખાય તે માટે દોડાદોડી કરતા હતા. આ સ્થિતિમાં ઉપવાસનો અંત લાવવો જરૂરી હતો. જ્યારે પાટીદાર નેતાઓમાં પણ ભાજપ સરકારમાં પોતાનું વર્ચસ્વ બતાડવા માટે હોડ લાગી હતી. પાટીદાર નેતાઓ પાટીદાર સમાજની એક પણ માગણી સરકારે સ્વીકારી નહીં છતાં હાર્દિકે સમાધાન કરી લેવુ જોઈ તેવુ ગાણુ ગાવા લાગ્યા હતા. આમ હાર્દિક પણ ઈચ્છતો હતો કે ઉપવાસનો અંત આવે. આ સ્થિતિમાં હાર્દિકને ઉપવાસની સ્થિતિથી દોડવુ હતું અને ઢાળ મળ્યો તેના જેવી થઈ છે.

Related posts

ગુજરાત ચૂંટણી : હાર્દિક, અલ્પેશ , જિગ્નેશની ત્રિપુટી ફ્લોપ પુરવાર થશે

aapnugujarat

ઠંડા પાણીએ નહાવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે

aapnugujarat

તમારા પાર્ટનર સાથે ક્યારેય ઝઘડો થાય તો આ વાત સામે ના કહેશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1