Aapnu Gujarat
ગુજરાત

હવે ૩૬૫ દિવસ પહેલા ગમે ત્યારે લાઇસન્સ રિન્યુ કરાશે

અમદાવાદ આરટીઓ સહિત રાજયની જુદી જુદી આરટીઓ કચેરીઓમાં લાઇસન્સના રિન્યુઅલમાં એક મહિના પહેલાં જ તારીખ મળતી હતી, તેના કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હતા અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, તેથી આરટીઓ સત્તાવાળાઓએ સોફ્ટવેર અપગ્રેડેશન કરી લાયસન્સની મુદત પૂરી થતી હોય તો તેના રિન્યુઅલ માટે હવે મુદત પૂરી થતાં પહેલા ૩૬૫ દિવસમાં એટલે કે, એક વર્ષમાં ગમે ત્યારે નાગરિકો એપોઇન્ટમેન્ટ લઇ શકે તેવી વ્યવસ્થા અમલી બનાવી છે. આરટીઓ સત્તાવાળાઓના આ નિર્ણયના કારણે નાગરિકોને હવે લાઇસન્સ રિન્યુઅલમાં ભારે સુગમતા રહેશે. અમદાવાદ સહિત રાજયની ૩૦ આરટીઓમાં હવે ૩૬૫ દિવસ પહેલાં લાઇસન્સ રિન્યુ થઇ શકશે. અમદાવાદ સહિતની આરટીઓ કચેરીઓમાં અત્યારસુધી લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયા એવી હતી કે, જો તમારા લાઇસન્સની મુદત પૂરી થતી હોય તો, તમારે છેલ્લી તારીખના એક મહિના પહેલાથી એપોઇન્ટમેન્ટ લઇ લેવાની રહેતી હતી. જો કે, નાગરિકો છેલ્લી ઘડીયે જાગે તો, તેઓને એક મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળતી હતી અને તેના કારણે તેમના લાઇસન્સની મુદત પૂરી થઇ જતી હતી. તેના કારણે તેઓને મુદત વીતી ગઇ હોઇ પેનલ્ટી સાથે લાઇસન્સ રિન્યુઅલ કરાવવાની ફરજ પડતી હતી. સમયમર્યાદામાં લાઇસન્સ રિન્યુઅલ ફી રૂ.૪૦૦ છે, જયારે મુદત પૂરી થયા બાદ રિન્યુઅલ ફી રૂ.૧૫૦૦ વસૂલાય છે. આમ, નાગરિકોને મોટાભાગના કિસ્સામાં પેનલ્ટી સાથે જ રૂ.૧૫૦૦ ભરીને જ લાઇસન્સ રિન્યુ કરાવવાની સ્થિતિ આવતી હતી. જો નાગરિકો ત્રણ મહિના કે છ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલની પ્રોસીજર કરે તો કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એકસેપ્ટ જ કરતું ન હતું. આ અંગે વ્યાપક ફરિયાદો અને નાગરિકોમાં રોષ પણ ઉઠવા પામ્યો હતો. આરટીઓ સત્તાવાળાઓને પણ આ મામલે અવારનવાર રજૂઆતો થઇ હતી. આખરે આરટીઓ સત્તાવાળાઓએ વ્યવહારિક અભિગમ અપનાવી હાઇટેક સારથી સોફ્ટવેર અપગ્રેડ કર્યું છે. જેના પરિણામે, હવે જો કોઇના લાઇસન્સની મુદત પૂરી થતી હોય તો તેના છ મહિના પહેલાં તેઓ એપોઇન્ટમેન્ટ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પહેલા મુદતના એક મહિના પહેલાં જ એપોઇન્ટમેન્ટ મળી શકતી હતી, પરંતુ હવે નાગરિકોને યાદ આવે કે તેમના લાઇસન્સની મુદત પૂરી થાય છે તો તે છ મહિના પહેલેથી એપોઇન્ટમેન્ટ માટે એપ્લાય કરી શકે છે અને તેથી તેમને લાઇસન્સની મુદત પૂરી થાય તે પહેલાંની નિયત સમયમર્યાદામાં એપોઇન્ટમેન્ટ પણ મળી જાય, જેથી તેમને પેનલ્ટીની દંડનીય કાર્યવાહી અને બિનજરૂરી હાલાકીમાંથી મુકિત મળશે. ઉપરાંત, વિદેશ કે બહારગામ જતા નાગરિકો પણ હવે તેમની અનુકૂળતા મુજબ, ૩૬૫ દિવસમાં ગમે ત્યારે લાયસન્સ રિન્યુ કરાવી શકશે. આરટીઓના નવા નિર્ણયને આવકારતાં અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું કે, નાગરિકોની ખાસ કરીને સિનિયર સીટીઝનની ઘણા લાંબા સમયથી ઉઠી રહેલી માંગણીને સત્તાવાળાઓએ ધ્યાને લઇ તેનું નિરાકરણ લાવ્યા છે, તે સરાહનીય છે. આરટીઓ કચેરીમાં નાગરિકોને પડતી અન્ય તકલીફો અને સમસ્યાઓ પરત્વે પણ સત્તાધીશોએ આવો હકારાત્મક અભિગમ દાખવવો જોઇએ.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

વડાપ્રધાન મોદી ૧૯-૨૦ ઓક્ટોબરે ગુજરાત આવશે

aapnugujarat

શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્રમાં જઈ કર્યું વ્યવસ્થાનું નિરીક્ષણ, વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1