Aapnu Gujarat
બ્લોગ

શિક્ષણ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન અનિવાર્ય

દિવંગત દાર્શનિક અને શિક્ષક એવા પુર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં દર વર્ષે આમ તો આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ.આ વર્ષે પણ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર અપાયા હતા પણ પહેલી વખત યોજનામાં પુર્ણ રીતે પરિવર્તન કરીને શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા માટે સક્ષમ કરાયા હતા.પુરસ્કાર માટે ૬૬૦૦થી વધારે શિક્ષકોએ અરજી કરી હતી જેમાંથી ૪૫ શિક્ષકોની પસંદગી કરાઇ હતી.૨૦૧૭ – ૧૮નાં આંકડા અનુસાર દેશમાં ૧,૨૪,૭૫૫ શિક્ષકો છે.હાલમાં દેશમાં ૯૦૩ યુનિવર્સિટી અને અન્ય શિક્ષણ સંસ્થાનો છે.દેશમાં હાલમાં પોતાની રીતે સંચાલન કરનાર ૧૦૦૧૧ સંસ્થાન અને ૩૭૯૭૭ સંબંધિત કોલેજ અને પીજી સેન્ટર અને ૧૫૫૦ ઘટક સંસ્થાન છે.જો કે એક સવાલ એ ઉઠે છે કે આ તમામ સંસ્થાનો દ્વારા જે શિક્ષણ અપાય છે તે શું ગુણવત્તાયુક્ત હોય છે.
માનવસંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ૨૦૧૪માં ચુંટણી ઘોષણાપત્રમાં જે વાયદા કર્યા હતા તેને પુર્ણ કરવા માટે કેટલાક ઉપાયો કર્યા હતા પણ તેને અમલી બનાવવાનું કાર્ય બહુ મુશ્કેલ હતું.તેમને રોહિત વેમુલા અને કન્હૈયા કુમાર જેવા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.તેમણે અન્ય ઘણાં મુદ્દાઓનાં સમાધાન માટે કામગિરી કરવાનો આરંભ કર્યો હતો.સરકારે કેટલાક પગલા ભર્યા છે તે યોગ્ય દિશાના છે પણ તેને સંપુર્ણ રીતે અમલી કરવાની જરૂર છે.તેમણે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે અને કેટલીક યોજનાઓની રૂપરેખા રજુ કરી છે જે અનુસાર સરકાર દેશમાં ૨૦ વિશ્વસ્તરીય યુનિ.ઓ સ્થાપિત કરશે, શિક્ષણ સંસ્થાનોની રેન્કિંગ કરાશે, ગુણવત્તાપુર્ણ શિક્ષણ અપાશે, આઇઆઇએમ જેવી સંસ્થાઓને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાશે,ટોચની શાળાઓને ગ્રેડ માટે સ્વાયત્તતા અપાશે, સીબીએસઇની દસમા ધોરણની પરીક્ષામાં સુધારણા કરાશે અને ઓનલાઇન એકેડેમિક ભંડોળની સ્થાપના કરાશે.
સરકારે ૭ નવી આઇઆઇએમ, ૬ આઇઆઇટી અને બે આઇઆઇએસઇઆર્સની શરૂઆત કરી છે.શિક્ષણમાં સુધારણા માટે સરકારે બીએડનાં બે વર્ષના સિલેબસને સમાપ્ત કરીને તેના સ્થાને એક ચારવર્ષીય કાર્યક્રમ લાગુ કરવાનો વિચાર કરી રહી છે.સ્વયં યોજના અંતર્ગત માસિવ ઓપન ઓનલાઇન કોર્સનો આરંભ કરાયો છે અને ઓનલાઇન ડિગ્રીઓને સ્વીકૃત્તિ અપાઇ છે.નવી શિક્ષણનીતિ ઘડવાનું કામ ચાલી રહ્યું છે જેને ૨૦૧૯ પહેલા અંતિમ સ્વરૂપ અપાશે.યુજીસી, એઆઇસીટીઇ તથા એનસીઇટી જેવી એજન્સીઓને નાબૂદ કરીને નવી ઉચ્ચ શિક્ષણ નિયામક પરિષદની રચના કરવાનો વિચાર પ્રક્રિયામાં છે.
હાલમાં આપણી શાળાઓ, હાઇસ્કુલો, કોલેજો અન યુનિવર્સિટીઓમાં જે શિક્ષણ અપાય છે તે તરફ ધ્યાન આપવાની જરૂરિયાત છે કારણકે આ શિક્ષણ સંસ્થાનોમાંથી દર વર્ષે હજ્જારો વિદ્યાર્થીઓ બહાર તો આવે છે પણ જ્યારે તે આ ડિગ્રીઓ લઇને માર્કેટમાં જાય છે ત્યારે તેમને વાસ્તવિકતાનો પરિચય થાય છે ક્યારેક તો લાગે છે કે આપણી શિક્ષણ સંસ્થાઓ હાલની પરિસ્થિતિને સમજ્યા વિના જ બેરોજગારોનો ફાલ ઉત્પન્ન કરતી રહે છે.તેવામાં ડિગ્રી લઇને બહાર આવેલા વિદ્યાર્થીઓમાં નિરાશાનો માહોલ બને છે અને તેમને કઇ દિશામાં જવું જોઇએ અને તેમણે જે શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે તેને કઇ રીતે અસરકારક રીતે પોતાના જીવનને યોગ્ય બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તે જ સમજાતું નથી.આ આખી પરિસ્થિતિને બદલવા માટે આપણી શૈક્ષણિક એજન્સીઓએ એવા વિષયો અને પાઠ્યક્રમો તૈયાર કરવા પડશે જેથી દર વર્ષે બેરોજગારોનો ફાલ કરનાર સંસ્થાઓ ન બની રહે.આપણી એકેડેમીઓમાં જે શિક્ષણ અપાય છે તે ગુણવત્તાસભર છે તે પણ એક સવાલ છે.
વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારત પાસે માર્કેટમાં લગભગ ૧.૧ અબજ યુવાનો હશે જે એશિયા પેસેફિકક્ષેત્રમાં સર્વોચ્ચ સંખ્યા છે.ભારતના યુવાનો યોગ્ય શિક્ષણ માંગે છે.જેની સામે એચઆરડી મંત્રાલયનો દાવો છે કે તેઓ એ દિશામાં કામગિરી કરી રહ્યાં છે.
એક તરફ વયસ્ક સાક્ષરતા દરમાં વધારો થઇ રહ્યો છે ત્યાં કોલેજથી સ્નાતક ભારતીયોની સંખ્યા માત્ર ૬ ટકા છે.બીજી તરફ કોલેજોમાં દાખલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૧૫,૬૦,૦૦૦ છે.અધવચ્ચે શિક્ષણ છોડનારાઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે.બીજી તરફ જે વિદ્યાર્થીઓ ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે તેમને નોકરીઓ મળતી નથી એ પણ એટલી જ નિરાશાજનક પરિસ્થિતિ છે.
એચઆરડી મંત્રાલયનાં પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટમાં ઘણાં નવા પગલાઓની જાહેરાત કરી હતી.સિસ્ટમને યોગ્ય કરવા માટે સરકારે શેક્ષણિક માળખામાં તથા ટેકનોલોજીમાં નવીનીકરણ માટે એક લાખ કરોડની જાહેરાત કરી હતી.ખાનગી કોલેજોને નિયંત્રિત કરવાની ખાસ જરૂરિયાત છે કારણકે આ કોલેજોમાં ક્યારેક તો મુળભૂત સુવિધાઓ પણ હોતી નથી અને તે પોતાનું સંચાલન કરતા હોય છે.જો કે આપણી યુનિવર્સિટીઓને સરકાર ભલે ભંડોળ આપતી હોય તેમને સહાયતા કરતી હોય પણ તેમનું શિક્ષણ કંગાળ હોય છે.સંશોધનની કામગિરી પણ એટલી ધીમી ગતિએ ચાલતી હોય છે જેને ઝડપી બનાવવાની દિશામાં કામગિરી જરૂરી છે.ભારતમાં દર હજારે ૭.૮ વૈજ્ઞાનિક હોય છે જ્યારે કેનેડામાં ૧૮૦.૭, દક્ષિણ કોરિયામાં ૫૩.૧ તથા અમેરિકામાં આ સંખ્યા ૨૨.૨ છે.તેવામાં જો ભારતે સુપરપાવર બનવું હોય તો તેની સ્થિતિમાં સુધારો અત્યંત જરૂરી છે.
ભાજપે અગાઉની ચુંટણીમાં વાયદો તો કર્યો હતો કે તે જીડીપીનાં ૬ ટકાનો ઉપયોગ શિક્ષણ પર કરશે પણ તે એક ચુનાવી જુમલો જ બની રહ્યો છે.આ ક્ષેત્રમાં અન્ય પણ કેટલાક સુધારા જરૂરી છે તેમાં સૌથી મહત્વની વાત શિક્ષકોની સંખ્યા છે ઘણી શાળા, હાઇસ્કુલ, કોલેજોમાં વિષય માટે પારંગત શિક્ષકો મળતા જ નથી ઘણી શાળાઓએ મુઠ્ઠીભર શિક્ષકોથી ચલાવવું પડતું હોય છે.
કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અદ્યાપકોની ૧૭૧૦૬ જગ્યાઓમાંથી ત્રીજા ભાગની જગાઓ ખાલી જ હતી.ત્રીજા ભાગની કોલેજોનું સંચાલન ખાનગી રીતે કરાય છે અને તે મોટાભાગે ગ્રામિણ વિસ્તારોમાં આવેલ છે.અહી સરકારી ખાનગી ભાગીદારીની જરૂરિયાત છે પણ તે માટે ગુણવત્તાની બલિ આપી શકાય નહી.
ભારતીય અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કેટલીક ખામીઓ તરફ ઇશારો કર્યો છે જે શિક્ષણ પ્રણાલિને મુશ્કેલીમાં નાંખી રહી છે અહી જનતાનાં નાણાંનો ઉપયોગ લોકોને પરેશાન કરવા માટે થઇ રહ્યો છે.પક્ષનાં લોકોને ચાંસેલરો અને પ્રસાશક તરીકે નિમણુંક કરવામાં આવી રહી છે.બૌદ્દિકતા વિરોધી કાર્યો માટે કયારેક તો ભંડોળનો ખર્ચ કરાય છે.આપણી શિક્ષણ પ્રણાલિ ખામીયુક્ત છે જેને સુધારવા માટે તાકિદે કામગિરી કરવાની જરૂરિયાત છે.હાલમાં જ ભારતની અર્થવ્યવસ્થા છઠ્ઠા સ્થાને પહોંચી છે અને આગામી સમયમાં એ ત્રીજા સ્થાને પહોંચશે તેવી આશા વ્યકત કરાઇ રહી છે પણ તે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કર્યા વિના સાકાર થાય તેમ છે તે સવાલ છે.
છેલ્લા એક દાયકામાં ટેકનોલોજીનો જે વિકાસ થયો છે તેણે દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે અને વિશ્વમાં આમુલ પરિવર્તન આવ્યા છે.ઇન્ફર્મેશન ટેકનોલોજીએ દુનિયાને બદલી નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ફરીથી આમુલ પરિવર્તન લાવનાર બની રહેશે જેની કોઇએ કલ્પના પણ કરી નથી.
તેવામાં એ સવાલ છે કે આપણી શાળા, કોલેજો આ અંગે સજાગ છે કે હજી પણ કુંભકર્ણની નિદ્રામાં છે…શું આપણાં નીતિ નિર્માતાઓ, રાજકારણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ એ કડવા સત્યથી વાકેફ છે કે વર્ષ ૨૦૩૦ સુધી આજકાલ જે મળી રહ્યાં છે તે રોજગાર ખત્મ થઇ જશે અને જે નવા રોજગાર મળશે તેની તૈયારી માટે જરૂરી શિક્ષણ, સિલેબસ, માધ્યમ, શિક્ષકો અને રીતરસમ આપણી પાસે નથી.
૨૦૩૦ સુધીમાં શિક્ષણ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન આવશે અને શિક્ષક તેમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાબિત થશે.હાલમાં આપણી પદ્ધતિમાં શિક્ષક માત્ર શાળા કોલેજોમાં આવીને પોતાનો સિલેબસ પુરો કરીને સંતોષ માને છે પણ આગામી સમયમાં શિક્ષક માત્ર વ્યાખ્યાતા નહી રહે પણ તે વિદ્યાર્થી માટે કોચ, મેન્ટર અને મિત્ર બનીને તેને ભવિષ્યનો માર્ગ બતાવનાર માર્ગ દર્શક બની રહેશે.
આઝાદી બાદ સમાજ જ્ઞાન, વિદ્યા, સમાનતા, ચરિત્ર નિર્માણ, ભાઇચારો, સદ્‌ભાવ અને સામાજિક પ્રતિબદ્ધતા જેવા મુલ્યોનું સતત ક્ષરણ થયું છે તેનું કારણ કદાચ એ પણ છે કે આપણે યોગ્ય શિક્ષકો પેદા કરી શક્યા નથી.
આઝાદી બાદ પ્રારંભિક દાયકાઓમાં શિક્ષકોની કાર્યદશા અને વેતન ભથ્થા અન્ય વ્યવસાયોની તુલનાએ ઓછા હતા.ત્યારે આ દશાની સુધારણા માટે સતત આંદોલન કરાયા હતા.ત્યારે શિક્ષકોને સંસદ અને વિધાનસભામાં જવાની પણ છુટ અપાઇ હતી.જો કે તેના કારણે શિક્ષકોની આર્થિક સ્થિતિમાં તો સુધારો આવ્યો પણ શિક્ષણની ગુણવત્તામાં કોઇ સુધારો થયો ન હતો.છેલ્લા ત્રણ દાયકામાં અલગ અલગ પગાર પંચોની ભલામણોને અમલી બનાવાઇ હોવાને કારણે શિક્ષકોનો પગાર સતત વધતો ગયો છે.એક સમયે કોલેજમાં વ્યાખ્યાન આપવા માટે લેકચરરને મહિને હજાર રૂપિયા અપાતા હતા જે આજે ૪૫૦૦૦ની આસપાસ છે.જો કે આપણી શિક્ષણની ગુણવત્તામાં ઘટાડાનું કારણ શિક્ષકોની પ્રતિબદ્ધતામાં આવેલો ઘટાડો મુખ્ય કારણ છે.આપણે ત્યાં સતત કોલેજો અને અન્ય સંસ્થાનો બનતા રહે છે પણ તેની તુલનાએ શિક્ષકોની સંખ્યામાં એટલો વધારો થતો નથી.માનવ સંસાધન મંત્રાલયનાં ૨૦૧૩નાં અહેવાલ અનુસાર હાલમાં દેશમાં લગભગ બારલાખ શિક્ષકો કોલેજો અને યુનિવર્સિટીઓમાં કાર્યરત છે.એક સર્વે અનુસાર રાજયની યુનિવર્સિટીઓમાં ચાલીસ ટકા અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૩૫ ટકા શિક્ષકોની જગા ખાલી છે.શિક્ષણ સાથે સંકળાયેલી આપણી સમસ્યાઓ વિરાટ છે જેનો ઉકેલ સરકાર, શિક્ષક અને સમાજનાં સંયુકત અને લાંબાગાળાનાં પ્રયાસોથી આવી શકે તેમ છે.આજે જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેના બીજ ૬૦ અને ૭૦નાં દાયકામાં વવાયા હતા.ભારતીય સમાજને શિક્ષકોની ભૂમિકા અંગે નવેસરથી મુલ્યાંકન કરવાની જરૂરિયાત છે.શિક્ષકોએ પણ આત્મઆલોચના કરવાની જરૂરિયાત છે.તેમણે નવી શિક્ષણ પદ્ધતિઓ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ૨૧મી સદીનાં શિક્ષણશાસ્રથી પ્રશિક્ષિત થવાની જરૂરિયાત છે.આ કાર્ય કેટલું વિકટ છે તેનો અંદાજો એ વાતે લગાવી શકાય છે કે સાતમા અખિલ ભારતીય શિક્ષણ સર્વેક્ષણ અનુસાર વર્ષ ૨૦૦૨માં આપણી શાળાઓમાં લગભગ ૫૫.૩૦ લાખ શિક્ષકો કાર્યરત હતા તેમની કુલ સંખ્યા હાલમાં ૮૦ લાખ હોવી જોઇએ તેમાં ૧૨ લાખ કોલેજ અને યુનિવર્સિટીઓનાં શિક્ષકોની સંખ્યા જોડવામાં આવે તો કુલ સંખ્યા ૯૨ લાખ થઇ જશે.શું આપણે તેમને ભારતીય સમાજમાં એક સમ્માનજનક સ્થાન આપવાની સ્થિતિમાં છીએ ખરા..શું આપણે ૨૧મી સદીનાં જ્ઞાનોન્મુખ સમાજ માટે તેમને નવેસરથી પ્રશિક્ષિત કરી શકીશું ખરા તે સવાલ છે જેનો જવાબ તાકિદે ઉકેલવાની જરૂર છે આપણે જેટલું ધ્યાન ઔદ્યોગિક વિકાસ તરફ આપીએ છીએ તેટલું ધ્યાન શિક્ષણ તરફ આપતા નથી જ્યાં સુધી આ દિશામાં નક્કર કામ નહી થાય ત્યાં સુધી ભારત સુપરપાવર બની શકે તેમ નથી.

Related posts

MORNING TWEET

aapnugujarat

પાણી પૃથ્વી પરના જીવનને માટે આશીર્વાદરૂપ છે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1