ભાજપ પ્રમુખ અમિત શાહે આજે દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં સમસ્યા કોઈ વ્યાપક અને સમગ્ર રાજ્યમાં નથી પરંતુ ખીણમાં ત્રણ ચાર જિલ્લાઓમાં સમસ્યા રહેલી છે. શાહે ખાતરી આપતા કહ્યું હતું કે આ સમસ્યાને ઉકેલવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે. એક ટીવી ચેનલ પર સત્તામાં ત્રણ વર્ષ મોદી સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે રાઉન્ડ ટેબલને સંબોધતા શાહે કહ્યું હતું કે ભાજપ સરકાર કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસ કરી રહી છે. છેલ્લા ઘણા સપ્તાહોથી કાશ્મીર ખીણમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ રહેલી છે. શાહે દાવા સાથે કહ્યું હતું કે કાશ્મીરમાં સમસ્યા ત્રણ ચાર જિલ્લાઓની છે. જેમાં બે દક્ષિણ કાશ્મીરના જિલ્લા અને શ્રીનગરનો સમાવેશ થાય છે. અહીં સરકાર વિરોધી દેખાવો મોટાપાયે જોવા મળી રહ્યા છે. કોલેજ અને સ્કુલ જતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનના કારણે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના કેટલાક ભાગોમાં સ્થિતિ વણસી ગઈ છે. અમિત શાહે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો કોઈ છ મહિનાનો મુદ્દો નથી પરંતુ દશકો જૂનો મામલો છે. સમસ્યાને ઉકેલવા માટે કોઈ કામ ન કરવાનો અગાઉની કોંગ્રેસ સરકાર પર અમિત શાહે આક્ષેપ કર્યો હતો. શાહે મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ યોજનાઓનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. જેમાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, જનધન બેંક ખાતા ખોલવા, નોટબંધી, કાળા નાણાને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની વાત કરી હતી. શાહે કહ્યું હતું કે મોદી સરકારના ગાળામાં વિરોધીઓ પણ સરકારમાં રહેલા પ્રધાનો પર ભ્રષ્ટાચાર માટે આક્ષેપ કરી શકે તેમ નથી. અગાઉની સરકારો વેળા પોલિસી પેરાલિસીસની સ્થિતિ હતી. જેના કારણે કોઈ નિર્ણય થઈ રહ્યા ન હતા. મોદી સરકારના ગાળામાં આર્થિક ગતિ ઝડપી બની છે. ભ્રષ્ટાચાર ઉપર બ્રેક મુકવામાં દરેક પગલાં લેવાઈ રહ્યા છે. અમિત શાહે કહ્યું હતુ ંકે મોદી સરકારના શાસનમાં પાકિસ્તાનને અંકુશરેખા પર દુઃસાહસ બદલ જડબાતોડ જવાબ અપાઈ રહ્યા છે. અગાઉની સરકારો વેળા આ પ્રકારની હિંમત કોઈ સરકારે કરી ન હતી. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. બીજી બાજુ વિદેશી મોરચા ઉપર ભારતીય લોકોનો ગર્વ વધ્યો છે. મોદી સરકારના શાસન હેઠળ દેશની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધી રહી છે.
વિશ્વના દેશો એક શક્તિશાળી દેશ તરીકે ભારતની નોંધ લઈ રહ્યા છે. અમિત શાહે ભાજપ સરકારની સિદ્ધિઓની વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધીઓને દબાવી દેવાના કોઈ પ્રયાસ થઈ રહ્યા નથી. ભાજપના પ્રમુખ તરીકે તેમની જવાબદારી પાર્ટીને વધુ વિસ્તૃત કરવાનો છે. શાહે દાવા સાથે કહ્યું હતું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી તેની નીતિઓ અને વિકાસની કામગીરીના કારણે જ્યાં પણ ચુંટણી યોજાઈ છે ત્યાં વધુ સારી સફળતા મળી છે. આના માટે નરેન્દ્ર મોદીની અભૂતપૂર્વ લોકપ્રિયતા જવાબદાર છે. શાહે અવો દાવો પણ કર્યો હતો કે મોદી સ્વતંત્ર ભારતના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે.