Aapnu Gujarat
બ્લોગ

ભાજપની રણનીતિ આગળ શું વિપક્ષ વિજય મેળવી શકશે ખરા…!!?

આવતે વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓ દિવસે દિવસે ઢૂંકડી આવતી જાય છે ત્યારે શાસક અને વિરોધ પક્ષો ચૂંટણી લડવા માટેનાં શસ્ત્રોની ધાર કાઢવા માંડ્યા છે.
દર વખતે બાલિશ દેખાવ કરી રહેલા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ અત્યારે ઝાઝું કંઈ ઉકાળી શકતી નથી. કૉંગ્રેસના ધૂરંધર મનાતા વરિષ્ઠ નેતાઓ પણ ચૂપચાપ બેસીને તમાશો જોઈ રહ્યા હોય એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ કૉંગ્રેસીઓ કમસે કમ પોતાની સીટ જળવાઈ રહે એટલી કોશિશ કરીને પણ પોતે પક્ષમાં સક્રિય હોવાનો ઢોંગ કરશે. બાકી મનમાં તેઓ જાણે જ છે કે ચૂંટણી જીતી શકાય એવી કોઈ સંભાવના નથી.
બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક દિવસે વધુને વધુ સંગીન સ્થિતિ સર્જી રહી છે. મોદી અને અમિત શાહના વ્યૂહોની સામે વિરોધ પક્ષોએ ટકવું મુશ્કેલ છે.
બહુજન સમાજવાદી પક્ષનાં વડા માયાવતી (બસપા) અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ- આ બન્ને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ પાસેથી વિધાનસભાની વધુ સીટોની માગણી કરી રહ્યાં છે. આ માટે તેમણે કૉંગ્રેસ સાથે રીતસર સોદાબાજી આદરી દીધી છે. તેમણે કૉંગ્રેસ પ્રમુખ રાહુલબાબાને આ સંદર્ભમાં પોતાના ખાસ માણસો મારફત વાત પહોંચાડી દીધી છે.
માયાવતીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે કૉંગ્રેસને ગળે ન ઊતરે એવી એવી શરતો મૂકી છે. માયાવતી ઉત્તર પ્રદેશને છોડીને બીજાં રાજ્યોમાં ‘સમજૂતી’ માટે ૪૦ સીટ માગે છે અને વિધાનસભાની ચૂંટણીમાં ‘સમજૂતી’ માટેની અલગ અલગ શરતો મૂકી છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે માયાવતી કૉંગ્રેસ પાસેથી ૩૦ સીટ અને સમાજવાદી પાર્ટી ૧૫ સીટ માગે છે. કૉંગ્રેસ આ બન્ને માટે ૨૫થી વધુ સીટ ફાળવવા તૈયાર નથી. સમાજવાદી પાર્ટીને છત્તીસગઢમાં પણ કેટલીક સીટ ખપે છે. માયાવતીએ ત્યાં અજિત સિંહ સાથે સમજૂતી કરવા વાતચીત પણ ચલાવી છે, પરંતુ કોંગ્રેસ વધુ સીટ આપે તો તેની સાથે સમજૂતી કરશે. હરિયાણામાં ચૌટાલાની પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું છે.
આમ, માયાવતી સૌથી વધુ મોટી સોદાબાજી કરીને પોતાની માયાજાળ બિછાવી રહ્યાં છે. માયાવતીને એવું લાગે છે આ રીતે વધુ ને વધુ સીટો પર લડીને, વધુને વધુ બેઠકો પર વિજય મેળવીને તેઓ ૨૦૧૯ની ચૂંટણીઓ પછી સોદાબાજીનો મોટો ખેલ કરી શકશે. લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ વિરોધ પક્ષો અને એમાંય માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી કૉંગ્રેસ સાથે સીટો માટે મારામારી કરી રહી છે ત્યારે આ સંઘ કાશીએ પહોંચશે ખરો? દરેક વિરોધ પક્ષ એકજૂટ થઈને એનડીએ સામે મોરચો ખોલી શકશે આ મોટો પ્રશ્ન છે.
સીટો છોડવાની વાત આવે એ ટાણે જે તે પક્ષના કાર્યકરો નારાજ થઈ જાય. અંદરોઅંદર વિખવાદ વધી જાય. આવી પરિસ્થિતિ સીટો જતી કરનાર પાર્ટી વધુ નબળી હોવાની છાપ ઊપસે.
બીજી બાજુ બિહારમાં આવતા વર્ષની લોકસભાની ચૂંટણીઓ માટે એનડીએના ઘટક પક્ષોએ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઘડી કાઢી છે. ભાજપ લોકસભાની ૪૦માંથી ૨૦ સીટ રાખશે અને બાકીની ૨૦ સીટો એના ભાગીદાર પક્ષો- જેડીયુ, એલજેપી તથા આરએલએસપી વગેરે વચ્ચે ફાળવશે. આમ જેડી-યુના નીતીશ કુમાર અને મોદી- શાહની જોડી વચ્ચે અત્યારથી જ ગોઠવણ થઈ ગઈ છે.
ગઈ લોકસભાની ચૂંટણીઓમાં ભાજપએ બિહારમાં ૩૦ સીટો પર લડીને ૨૨ સીટ જીતી હતી. તેના જોડીદાર પક્ષો લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ છ બેઠકો અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ ત્રણ બેઠક મેળવી હતી. નીતીશકુમારના જનતા દળ- યુનાઈટેડે ૨૦૧૪ની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરીને, એકલે હાથે લડીને માત્ર બે જ સીટ જીતી હતી, એ વાત કોઈ ભૂલ્યું નહીં હોય.વિરોધ પક્ષો મજબૂત મોરચો રચવાનાં સપના જોઈ રહ્યા છે. ત્યારે ભાજપ તેના વ્યૂહો ગોઠવીને પોતાનો ગઢ મજબૂત બનાવી રહ્યું હોવાનું ચિત્ર અત્યારે તો સ્પષ્ટ બન્યું છે.

Related posts

ખાદ્યાન્નના અભાવે ૧૨ કરોડ લોકો ભૂખમરાનો શિકાર

aapnugujarat

“પાડોશી ૩૨ જીબીનું મેમરી કાર્ડ ગળી ગયો ત્યારથી એની સ્વીચ દિવસરાત ગમે ત્યારે ઓન થઈ જાય છે.એકધારા પ્રેમગીતો ગાયા કરવામાં એક અઠવાડિયામાં બે ડઝન વખત તો માર ખાધો.”

editor

બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી મોદી સરકારે કડક સંદેશ આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1