Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અટલજીની અસ્થિઓ ગંગા નદીમાં લીન

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને આજે હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ પહેલા સવારે દિલ્હીથી અસ્થિ કળશ પહોંચ્યા બાદ ભલ્લા કોલેજ ગ્રાઉન્ડથી હરકીપોડી સુધી બે કિલોમીટરની લાંબી યાત્રા કાઢવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉત્તરસપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમસિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અસ્થિકળશ યાત્રામાં ભાજપના કાર્યકરો સહિત હજારો લોકો જોડાયા હતા.
હરકીપોડી પર મંચ તૈયાર કરવાની કામગીરી પહેલાથી જ હાથ ધરવામાં આવી હતી. અસ્થિ વિસર્જન બાદ જુદી જુદી પ્રક્રિયા પણ યોજવામાં આવી હતી. દિલ્હી સ્થિત સ્મૃતિ સ્થળથી અસ્થિઓ લઇ લેવામાં આવી હતી જેને ત્રણ જુદા જુદા કળશમાં મુકવામાં આવી હતી. વાજપેયીની અસ્થિઓને દેશભરમાં આશરે ૧૦૦ નદીઓમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. વાજપેયી યાદમાં આવતીકાલે સોમવારના દિવસે ડી જાધવ સ્ટેડિયમમાં સર્વપક્ષીય પ્રાર્થના સભા યોજવામાં આવશે. સાથે સાથે તમામ રાજ્યોના પાટનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવશે. આ પહેલા અસ્થિકળશ શાંતાકુંજમાં સ્થાપક પંડિત રામશર્મા આચાર્ય અને માતા ભગવતીદેવી શર્માની સમાધિ સ્થળ પર મુકવામાં આવી હતી. મધ્યપ્રદેશે હવે ત્રણ પુરસ્કાર અટલ બિહારી વાજપેયીના નામ ઉપર આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર વાજપેયીના સન્માનમાં સ્મારક બનાવશે. રાજ્યમાં ચાર સ્મારક આગરા, કાનપુર, બલરામપુર અને લખનૌમાં બનાવવામાં આવશે. બલરામપુર સંસદીય ક્ષેત્રમાંથી વાજપેયી પ્રથમ વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા અને લખનૌમાં તેમની કર્મભૂમિ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ૧૬મી ઓગસ્ટના દિવસે સાંજે પાંચ વાગે એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. તેમના ૧૭મી ઓગસ્ટના દિવસે સાંજે સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

Related posts

भगोड़े माल्या की समीक्षा याचिका पर सुप्रीम कोर्ट में फैसला सुरक्षित

editor

લોકસભા ચૂંટણી : અંતિમ ચરણ માટે પ્રચાર પડઘમ શાંત

aapnugujarat

આઇટી રિટર્ન ફાઇલિંગમાં આધારને ફરજિયાત કરવું યોગ્ય, ઍક્ટમાં ભેદભાવ નથી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1