Aapnu Gujarat
બ્લોગ

અટલ બિહારી વાજપેયી : જન્મથી લઈને પરમાણુ પરીક્ષણ, કારિગલ વૉર સુધી

ટૂટે હુએ સપને કી સુને કૌન સિસકી
અંતર કો ચીર વ્યથા પલકોં પર ઠીઠકી
હાર નહીં માનુંગા
રાર નહીં ઠાનૂંગા
કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હું
ગીત નયા ગાતા હું….
આ કવિતા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની છે જે નાદુરસ્ત તબિયતના કારણે એઈમ્સમાં સારવાર હેઠળ છે. આખો દેશ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે. જાણકારી મુજબ અટલજી હજુ થોડા દિવસ એઈમ્સમાં રહેશે કારણકે ઈન્ફેક્શન હજુ પણ યથાવત છે. જો કે, જણાવવામાં આવી રહ્યુ છે કે રાતે અને સવારે પણ યુરિન પાસ થયુ છે પરંતુ તે હાલમાં પણ આઈસીયુમાં છે. અટલજી આજે ભલે રાજનીતિના મુખ્ય રંગમંચ પર ન હોય પરંતુ મુખ્ય ધારાના કોઈ પણ નેતાથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાજપેયીજીનું છે. વાજપેયીજી આજે પણ ભારતીય રાજનીતિના સૌથી મજબૂત હસ્તાક્ષર છે. તેમનો અવાજ ધીમો પડી ગયો છે પરંતુ ભાજપ જ નહિ દેશ માટે પણ તે એક મોટા સિમ્બોલ છે. તો આવો, તમને અટલજીના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જણાવીએ. આ પહેલા વનઈન્ડિયા વાજપેયીજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
અટલજીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શિંકે કા બાડા મોહલ્લામાં થયો હતો. તેમના પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી અધ્યાપનનું કાર્ય કરતા હતા અને માતા કૃષ્ણા દેવી ઘરેલુ મહિલા હતી. અટલજી પોતાના માતાપિતાની સાતમી સંતાન હતા. તેમનાથી મોટા ત્રણ ભાઈ અને ત્રણ બહેનો હતી. અટલજીના મોટા ભાઈઓને અવધ બિહારી વાજપેયી, સદા બિહારી વાજપેયી અને પ્રેમ બિહારી વાજપેયી નામથી ઓળખવામાં આવે છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા. તેમની પ્રારંભિક શિક્ષા વડનગરના ગોરખી વિદ્યાલયમાં થઈ. અહીંથી તેમણે આઠમાં સુધીનું શિક્ષણ મેળવ્યુ. જ્યારે તે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વાર ભાષણ આપ્યુ હતુ. પરંતુ વડનગરમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ન હોવાના કારણે તેમને ગ્વાલિયર જવુ પડ્યુ.
ગ્વાલિયરમાં વિક્ટોરિયા કોલેજિયટ સ્કૂલમાં તેમણે પ્રવેશ લીધો જ્યાંથી તેમણે ઈન્ટરમીડિએટ સુધીનો અભ્યાસ કર્યો. આ વિદ્યાલયમાં તેમણે ચર્ચા-વિચારણા સ્પર્ધાઓમાં ભાગ લીધો અને પ્રથમ પુરસ્કાર પણ જીત્યા. તેમણે વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતક સ્તરનું શિક્ષણ મેળવ્યુ. કોલેજ જીવનમાં જ તેમણે રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ હતુ. આરંભમાં તે છાત્ર સંગઠન સાથે જોડાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ કાર્યકર્તા નારાયણ રાવ તરટેથી તેઓ ખૂબ પ્રભાવિત હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખા પ્રભારી તરીકે કાર્ય કર્યુ. કોલેજ જીવનમાં તેમણે કવિતાઓ લખવી શરૂ કરી દીધી હતી. તેઓ ૧૯૪૩ માં કોલેજ યુનિયનના સચિવ બન્યા અને ૧૯૪૪ મા ઉપાધ્યક્ષ પણ બન્યા.
ગ્વાલિયરની સ્નાતક ઉપાધિ મેળવ્યા બાદ તે કાનપુર જતા રહ્યા. અહીં તેમણે ડીએવી મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો. તેમણે કલામાં સ્નાતકોત્તર ઉપાધિ પ્રથમ શ્રેણીમાં મેળવી. ત્યારબાદ તે પીએચડી કરવા માટે લખનઉ જતા રહ્યા. અભ્યાસની સાથે સાથે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યો પણ કરવા લાગ્યા. પરંતુ તેઓ પીએચડી કરવામાં સફળતા ન મેળવી શક્યા કારણકે પત્રકારત્વ સાથે જોડાવાના કારણે તેમને અભ્યાસ માટે સમય નહોતો મળી શકતો. તે સમયે રાષ્ટ્રધર્મ નામનું સમાચારપત્ર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંપાદનમાં લખનઉથી છપાતુ હતુ. ત્યારે અટલજી તેના સહસંપાદક તરીકે કામ કરવા લાગ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આ સમાચાર પત્રના સંપાદકીય જાતે લખતા હતા અને બાકીનું કામ અટલજી અને તેમના સહાયકો કરતા હતા. રાષ્ટ્રધર્મ સમાચારપત્રનો પ્રસાર બહુ વધી જતા તેના માટે પોતાની જ પ્રેસની વ્યવસ્થા કરવામાં આવી જેનું નામ ભારત પ્રેસ રાખવામાં આવ્યુ હતુ.
વાજપેયીજીની રાજકીય સફરની શરૂઆત એક સ્વતંત્રતા સેનાની રુપે થઈ. ૧૯૪૨ માં ‘ભારત છોડો આંદોલન’ માં ભાગ લેવાને કારણે અન્ય નેતાઓ સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તેમની મુલાકાત શ્યામા પ્રસાદ મુખર્જી સાથે થઈ જે ભારતીય જનસંઘ એટલે કે બીજેએસના નેતા હતા. તેમના રાજકીય એજન્ડામાં વાજપેયીજીએ સહયોગ કર્યો. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શ્યામાપ્રસાદ મુખર્જીનું મૃત્યુ થઈ ગયુ. ત્યારબાદ બીજેએસની કમાન વાજપેયીજીએ સંભાળી અને આ સંગઠનના વિચારો અને એજન્ડાને આગળ વધાર્યા.
વર્ષ ૧૯૫૭ માં પહેલી વાર તેઓ બલરામપુર સીટ પરથી સંસદ સભ્ય ચૂંટાયા. નાની ઉંમર હોવા છતાં વાજપેયીજીના વિસ્તૃત દ્રષ્ટિકોણ અને જાણકારીએ તેમને રાજકારણ જગતમાં સમ્માન અને સ્થાન મેળવવામાં મદદ કરી. ૧૯૭૭ માં જ્યારે મોરારજી દેસાઈની સરકાર બની ત્યારે વાજપેયીજીને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. બે વર્ષ બાદ તેમણે ચીન સાથેના સંબંધો પર ચર્ચા કરવા માટે ત્યાંની યાત્રા કરી. ભારત પાકિસ્તાનના ૧૯૭૧ ના યુદ્ધના કારણે પ્રભાવિત થયેલા ભારત-પાકિસ્તાનના વ્યાપારી સંબંધો સુધારવા માટે તેમણે પાકિસ્તાનની યાત્રા કરીને નવી પહેલ કરી. જ્યારે જનતા પક્ષે આરએસએસ પર હુમલો કર્યો ત્યારે તેમણે ૧૯૭૯ માં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. વર્ષ ૧૯૮૦ માં ભારતીય જનતા પક્ષનો પાયો નાખવાની પહેલ તેમણે તેમજ બીજેએસ અને આરએસએસમાંથી આવેલ લાલકૃષ્ણ અડવાણી અને ભૈરવસિંહ શેખાવત જેવા સાથીઓએ કરી. સ્થાપના બાદ પહેલા પાંચ વર્ષ વાજપેયીજી આ પક્ષના અધ્યક્ષ રહ્યા.
વર્ષ ૧૯૯૬ માં લોકસભા ચૂંટણી બાદ ભાજપને સત્તામાં આવવાનો મોકો મળ્યો અને અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. પરંતુ બહુમત સિધ્ધ ન થવાને કારણે સરકાર પડી ભાંગી અને વાજપેયીજીને પ્રધાનમંત્રી પદેથી માત્ર ૧૩ દિવસો બાદ જ રાજીનામુ આપવુ પડ્યુ. વર્ષ ૧૯૯૮ માં ભાજપ ફરીથી એક વાર વિવિધ પક્ષોના સહયોગવાળા ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે સરકાર બનાવવામાં સફળ રહી પરંતુ આ વખતે પણ માત્ર ૧૩ મહિના સુધી સત્તામાં રહી શકી કારણકે ઑલ ઈન્ડિયા દ્રવિડ મુન્નેત્ર કાજગમે પોતાનું સમર્થ સરકારમાંથી પાછુ ખેંચી લીધુ.
વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારે મે ૧૯૯૮ માં રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરાવ્યા. ૧૯૯૯ ની લોકસભા ચૂંટણી બાદ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ને સરકાર બનાવવામાં સફળતા મળી અને અટલ બિહારી વાજપેયી ફરીથી એક વાર પ્રધાનમંત્રી બન્યા. આ વખતે સરકારે પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને આમ કરનારી પહેલી બિન-કોંગ્રેસી સરકાર બની. સહયોગી પક્ષોના મજબૂત સમર્થનથી વાજપેયીજીએ આર્થિક સુધારા માટે ખાનગી ક્ષેત્રના પ્રોત્સાહન હેતુ ઘણી યોજનાઓ શરૂ કરી. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં રાજ્યોની દખલઅંદાજી સીમિત કરવાના પ્રયાસ કર્યા. વાજપેયીજીએ વિદેશી રોકાણની દિશામાં અને સૂચના ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપ્યુ. તેમની નવી નીતિઓ અને વિચારોના પરિણામ સ્વરૂપ ભારતીય અર્થવ્યવસ્થાએ ત્વરિત વિકાસ પ્રાપ્ત કર્યો. પાકિસ્તાન અને યુએસએ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપીને તેમની સરકારે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કર્યા. જો કે અટલ બિહારી વાજપેયીજીની વિદેશ નીતિઓ વધુ બદલાવ લાવી શકી નહિ તેમછતાં આ નીતિઓની ઘણી સરાહના કરવામાં આવી.
૧૯ ફેબ્રુઆરી ૧૯૯૯ ના રોજ સદા-એ-સરહદ નામથી દિલ્હીથી લાહોર સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી. આ સેવાનું ઉદઘાટન કરતા પ્રથમ યાત્રી રુપે વાજપેયીજીએ પાકિસ્તાનની યાત્રા કરીને નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને એકબીજા સાથેના સંબંધોમાં એક નવી શરૂઆત કરી હતી.
થોડા સમય બાદ પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફના વડપણ હેઠળ પાકિસ્તાની સેવા તેમજ ઉગ્રવાદીઓએ કારગિલ ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને પહાડી ચોટીઓ પર કબ્જો કરી લીધો. અટલ સરકારે પાકિસ્તાનની સીમાનું ઉલ્લંઘન કરીને આંતરરાષ્ટ્રીય સલાહનું સમ્માન કરીને ધૈર્યપૂર્વક પરંતુ ઠોસ કાર્યવાહી કરીને ભારતીય ક્ષેત્રને મુક્ત કરાવ્યુ. આ યુદ્ધમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે ભારતીય સેનાને જાનમાલનું ઘણુ નુકશાન થયુ અને પાકિસ્તાન સાથે શરૂ કરાયેલ સંબંધમાં સુધારો ફરીથી એક વાર શૂન્ય થઈ ગયો.

Related posts

કંદહાર કાંડ બાદ મસુદને જીવતો છોડવાની ભૂલ ભારે પડી ગઇ

aapnugujarat

કોંગ્રેસનાં દામન પર માત્ર મુસ્લિમોના જ નહીં, પણ હિન્દુઓ, શીખોના લોહીના ધબ્બા પણ લાગેલા છે

aapnugujarat

આઠવલેએ ભાજપ પર દબાણ ઉભુ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની વાત કરી..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1