Aapnu Gujarat
બ્લોગ

ભારતીય ટીમ વિદેશી ધરતી પર સતત નિષ્ફળ કેમ થાય છે…!!?

ઘરઆંગણે રમાતી કરોડો રૂપિયાના ઈનામોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હીરો બનેલા ભારતીય ક્રિકેટ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં સાવ પાણીમાં બેસી ગયા છે. ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટમાંથી પ્રથમ બે ટેસ્ટમાં કારમો પરાજ્ય જોવો પડ્યો છે, થેન્ક્‌સ ટુ આઈપીએલ. ભારતમાં જેટલું રાજકારણ ભારતીય ક્રિકેટમાં છે તેટલું તો આખા દેશમાં ક્યાંય પણ નથી. જે રીતે કુંબલેના સ્થાને રવિ શાસ્ત્રીને કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારથી લઈને ટીમની પસંદગી સુધી સતત રાજકારણ ફેલાયેલું છે. કેટલાક ક્રિકેટરો પોતાના ખાસ ખેલાડીને લેવા માટે લોબિંગ કરતા હોય છે અને તેનું પરિણામ ભારતીય ક્રિકેટે જોવું પડ્યું છે. આઈપીએલમાં રમી રમીને ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ ભૂલી ગયા છે તેનો તાજો દાખલો ઈંગ્લેન્ડમાં લોર્ડસ પર રમાયેલી બીજી ટેસ્ટમાં જોવા મળ્યો છે. ભારતીય ટીમ માત્ર ૮૨ ઓવરમાં કુલ ૨૩૭ રનમાં બે વખત ઓલ આઉટ થઈ ગઈ હતી. દર ચોથી ઓવરમાં ભારતની એક વિકેટ પડી છે અને નવાઈની વાત એ છે કે રાહુલ, મુરલી, પુજારા, કોહલી, રહાણે, હાર્દિક જેવા ખેલાડીઓની સરખામણીમાં બંને દાવમાં સર્વોચ્ચ રન આર. અશ્વીને બનાવ્યા છે. ખૂબ જ શરમજનક રીતે ભારતીય ટીમની હાર થઈ છે. પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હોવા છતાં મેચ ચોથા દિવસે જ પૂરી થઈ ગઈ એ કેટલું શરમજનક કહેવાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને માત્ર પૈસામાં જ રસ છે. આથી જ ભારતીય ખેલાડીઓને વિદેશની સ્પર્ધાઓમાં રમવા દેવાની છૂટ આપવામાં આવતી નથી. જો તમે કોઈ પણ દેશની કાઉન્ટીમાં રમવા માગતા હો તો તમને બીસીસીઆઈની પરવાનગી જોઈએ અને ઈંગ્લિશ કાઉન્ટીને બાદ કરતાં બીસીસીઆઈ કોઈપણ સ્પર્ધા માટે ખેલાડીઓને પરવાનગી આપતી નથી. સામા પક્ષે ક્રિકેટ રમતા વિશ્ર્‌વના તમામ દેશના (પાકિસ્તાનને બાદ કરતાં) ખેલાડીઓ ભારતમાં રમાતી આઈપીએલમાં રમીને ભારતીય પીચ, મેદાન, તાપમાન અને ભારતીય બોલરો સામે પોતાની રમત સુધારી રહ્યા છે. આવા ખેલાડીઓ ભારત સામે ભારતમાં જ સારો દેખાવ કરવામાં સફળ રહ્યાંના અનેક દાખલાઓ છે અને અનેક ખેલાડીઓએ ભારતમાં સારા દેખાવ બદલ આઈપીએલમાં રમવા મળતી મેચોના અનુભવને આગળ કર્યો છે. સામા પક્ષે ભારતીય ખેલાડીઓને વિદેશમાં ઓછી મેચો રમવા મળતી હોઈ તેઓ વિદેશમાં નિષ્ફળ જાય છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ જેવા દેશના પ્રવાસમાં વર્ષોથી ભારતીય ટીમ હારતી આવી છે. એકાદ બે ઉદાહરણને બાદ કરતા સતત ભારતે પરાજ્ય વહોરવો પડ્યો છે. આ બધાનું કારણ છે આઈપીએલ અને અંદરોઅંદર રમાતું રાજકારણ.
ક્રિકેટ બોર્ડમાં જે રીતે સામસામે લોબી છે એ જ રીતે ભારતીય ખેલાડીઓની, કોમેન્ટેટરોની, પસંદગીકારોની પણ એક અલગ લોબી છે. તમે જોશો તો એકાદ બે સિરીઝ પછી જે તે ખેલાડીને જે કારણસર પડતો મૂકવામાં આવ્યો હશે તે વગર કારણે પાછો ટીમમાં આવી ગયો હશે. ભૂતકાળમાં ગાવસકર, કપીલદેવ, અઝહર, ગાંગુલી, ધોની અને હવે કોહલીની સાથે જેમને ઘરોબો હોય તેવા ખેલાડીઓને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. માત્ર રાહુલ દ્રવિડ અને સચીન તેંડુલકલર તેમ જ અનિલ કુંબલે જ્યારે કેપ્ટન હતા ત્યારે કોઈ ખેલાડીને આવી ખાસ ટ્રીટમેન્ટ મળી હોય તેવું યાદ નથી. ઈવન વિનોદ કાંબલીએ તો સચીન પર આરોપ લગાવ્યો હતો કે સચીને તેને કોઈ મદદ ન કરી નહીં તો તે વધુ સમય રમી શક્યો હોત. જો ભારતીય ટીમને વિદેશમાં પણ સતત જીતતી જોવી હોય, ખેલાડીઓને એકલદોકલ નહીં, પરંતુ પૂરી ટીમનું પ્રદર્શન સારું થાય તેવું બીસીસીઆઈ ઈચ્છતી હોય તો તેણે આ અંગે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. આઈપીએલની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટને તેમ જ વિદેશની સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ પણ રમી શકે તેવી બાબતને પ્રાધાન્ય આપવું જરૂરી છે અન્યથા વિદેશમાં ભારત સતત હારતું જ રહેશે.(જી.એન.એસ)

Related posts

नये भारत की पहली उडान आओ- तुम्हें चांद पर ले जाये…दो महिला शक्ति को सलाम..!

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

તમારા પાર્ટનર સાથે ક્યારેય ઝઘડો થાય તો આ વાત સામે ના કહેશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1