Aapnu Gujarat
ગુજરાત

સ્વતંત્રતા પર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કંડારી ખાતે કરાવ્યુ ધ્વજવંદન

 નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સ્વતંત્રતા માટેના સંઘર્ષો, બલિદાનો અને સર્વસ્વ સમર્પણની યશગાથાઓ અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓ તેમજ અંગ્રેજ શાસનની બેરહેમીની કથાઓથી નવી પેઢીને વાકેફ કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે નવી પેઢી આ બધી બાબતોથી જેટલી વધુ જાણકાર બનશે એટલા પ્રમાણમાં તેમનામાં દેશપ્રેમની અભિવૃધ્ધિ થશે. તેમણે જણાવ્યુ હતું કે અખંડ ભારતના ઘડવૈયા સરદાર સાહેબની માફક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્ર સેવક તરીકે દેશનું કુશળ નેતૃત્વ કરતાં દેશને સલામત અને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે અને વિશ્વમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. તો ગુજરાત સરકાર પણ સહુને સાથે રાખીને સહુના ક્લ્યાણ અને રાજ્યના શ્રેષ્ઠ વિકાસના માર્ગે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૭૨માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે સ્વતંત્રતાની લડતમાં ક્રાંતિકારી ચળવળ ધ્વારા યોગદાન આપનારા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે, માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર ખાતે જિલ્લાક્ક્ષાના સમારોહમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને સલામી આપી હતી. તેમણે પ્રાસંગિક પરેડનું નિરીક્ષણ કર્યુ હતું તથા પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ અને અભયમ સેવાઓ, રેવન્યુ, શિક્ષણ વિભાગના કર્મયોગીઓનું સન્માન કર્યુ હતું. અંજલી ફાઉન્ડેશનના મૂકબધીર દિવ્યાંગોને સંકેતોની ભાષામાં રાષ્ટ્રગીતનું ગાન કરતાં નિહાળી નાયબ મુખ્યમંત્રીશ્રી ભાવવિભોર બની ગયા હતા. તેમણે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખના વિશેષ અનુદાનનો ચેક અર્પણ કર્યો હતો, તે પછી તેમણે કરજણ ખાતે આરોગ્ય વિભાગ ધ્વારા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં યોજવામાં આવેલી રક્તદાન શિબિરની મુલાકાત લઇને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા, આ શિબિરમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતે પણ રક્તદાન કર્યુ હતું. બીઆરજીગ્રુપની શાળાઓએ સાંસ્કૃતિક ગરબાની રમઝટ જમાવીને રાજ્ય સરકારની નવરાત્રી વેકેશનની ઘોષણાને વધાવી હતી. મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું અને યજમાન માનવ કેન્દ્ર જ્ઞાન મંદિરની વ્યવસ્થાઓને બિરદાવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ સર્વ સમાજના અધિકારોની રક્ષા થાય અને હિત જળવાયએ રીતે વિવિધ ક્ષેત્રોમાં કરેલી વિકાસ કામગીરીની વિગતવાર માહિતી આપતાં જણાવ્યુ હતું કે માર્ગ અકસ્માત પ્રસંગે ઇજાગ્રસ્તોની પ્રથમ ૪૮ કલાકની સારવાર માટે મહત્તમ રૂ. ૫૦ હજાર સુધીનો ખર્ચ દવાખાનાઓને ભરપાઇ કરી આપવાની ગોલ્ડન અવર યોજનાનો સાત હજાર જેટલાં ઇજાગ્રસ્તોએ લાભ લીધો છે અને લોકોની જીવન રક્ષા કરી છે. વરસાદ ખેંચવાને પગલે કૃષિવીજ પુરવઠો આઠને બદલે ૧૦ કલાક આપવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. સન ૧૯૯૮ થી કૃષિ વીજ દરમાં કોઇ વધારો કર્યો નથી અને રૂ. ૫૦૦૦ કરોડનો બોજ વેઠીને રાહતદરે ખેતી માટે વીજળી આપવામાં આવી રહી છે. તેમણે ખેતીમાં વીજળી મેળવવા રાજ્ય સરકારે શરૂ કરેલી સૂર્ય શક્તિ વીજ યોજનાની જાણકારી આપવાની સાથે વડોદરા જિલ્લાના ખેડૂતોને આ યોજના તેમજ અન્ય સોલાર યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યા હતો અને સહુને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્યશ્રી સતીષ પટેલ(નિશાળીયા), જિલ્લા તાલુકા પંચાયત અને પક્ષના પદાધિકારીઓ, કરજણ તાલુકાના આગેવાનો, બીઆરજીગ્રુપ સુકાની શ્રી બકુલેશભાઇ ગુપ્તા, લતાબહેન ગુપ્તા, રાધિકા નાયર, માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડાશ્રી તરૂણકુમાર દુગ્ગલ, પ્રશાસનીક અને પોલીસ ઉચ્ચાધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પાવીજેતપુર તાલુકાના નાનીરાસલીના યુવાને પોતાનો જન્મદિવસ ૭૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરીને ઉજવ્યો.

editor

ચેક રિટર્ન થતા સસરાએ નોંધાવી ફરિયાદ, જમાઇને જેલ

aapnugujarat

જવાહર ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1