Aapnu Gujarat
Uncategorized

તાલાળા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

તાલાળા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સાથે ખુલ્લી ઝીપમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. દેશની આઝાદીમાં પોતાના પ્રાણની આહુતી આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી કલેકટરશ્રીએ વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું કે, વિવિધતામાં એકતા ધરાવતા આપણાં દેશની સામાજીક સમરસ્તાનું જતન કરવાની આપણા સૈાની સહીયારી જવાબદારી છે.
દેશમાં વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત ગુજરાત રાજ્યએ દરેક ક્ષેત્રે પ્રગતિનાં સોપાન સર કર્યા છે. ગુડ ગવર્નસ સાથે વિકાસની હરળફાળ ભરી છે અને તેમાં ગીર-સોમનાથ જિલ્લાનું પણ મહત્વનું યોગદાન છે, તેમ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાનાં મહત્વનાં બે તાલુકા મથકને જોડતા વેરાવળ-તાલાળા રોડનું રૂા. ૨૧ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. તેમ જણાવી કલેકટરશ્રીએ કહ્યું કે, ઝમજીરનાં ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે અને વેરાવળ ખાતે નવા સર્કીટ હાઉસનું પણ નિર્માણ કરવામાં આવશે.


તેમણે જિલ્લામાં કાર્યરત આરોગ્ય, શિક્ષણ, માળખાગત અને કૃષિ વિકાસની કામગીરીની વિશેષ નોંધ લઇ જિલ્લાનાં વિકાસ અભિયાનમાં સૈાને સહયોગી થવા અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રીએ તાજેતરમાં ભારે વરસાદમાં જિલ્લા વહિવટી તંત્ર સાથે સહયોગી થનાર તમામ સંસ્થાઓની કામગીરીની નોંધ લઇ આફતને અવસરમાં પલટાવવાની આપણી ક્ષમતાનાં દર્શન થયા હોવાનું જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કરતા કહ્યું કે, ગંદકી નહિં કરી સ્વચ્છતા રાખવી, પાણીનો બચાવ, વિજળીનો બચાવ જેવા નાના-નાના કામો થકી પણ દેશને ઉપયોગી થઇ શકાય છે. તેમ જણાવી જિલ્લામાં તાજેતરમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ હાથ ધરેલ જળ અભિયાનની વિગતો આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓ સર્વશ્રી શ્રી નથુજી હમીરજી રાઠોડ, શ્રી નવીનચંદ્ર રામશંકર જોષી અને શ્રી પ્રતાપરાય છોટાલાલ પાઠકનું કલેકટરશ્રી ઉપરાંત પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર અને પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
તાલાળા, સુત્રાપાડા, ઘુંસીયા સહિતની વિવિધ શાળાનાં બાળકો દ્વારા દેશભક્તિસભર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત જનમેદનીએ મનભરીને માણ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ખેતીવાડી અને આરોગ્ય વિભાગ સહિત ૧૨ સ્ટોલોનો પણ લોકોએ લાભ લીધો હતો. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તાલાળાનાં વિવિધ શાળાનાં બાળકોની વિશાળ રેલી યોજવામાં આવી હતી.
ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં તાલાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, તાલાળા નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્ર હિરપરા, તાલાળા તાલુકા પંચાયત પ્રમુખ નીધીબેન સંતોકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી સંજય મોદી, પ્રોબેશનલ આઇ.એ.એસ. શ્રી દિનેશ ગૈારવ, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, ડાયાભાઇ જાલંધરા, શૈલેન્દ્રસિંહ રાઠોડ સહિત સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ તાલાળા તાલુકાનાં વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડને અર્પણ કર્યો હતો. આ તકે જિલ્લામાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર નાયબ મામલતદાર કિશન ગરસર, ક્લાર્ક જવલંત સિંધવ, પટ્ટાવાળા નરોત્તમ ચુડાસમા, ડ્રાઇવર જગદીશ ટીંબડીયા, નાયબ મામલતદાર સંદિપ આર. મહેતા, સીટી તલાટીશ્રી અનુભાઇ મેર, નાયબ મામલતદાર હેમાંગીબેન વંશ સહિતનાનું બહુમાન કરાયું હતું.
ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ જ્યોત્સનાબેન રાઠોડ અને પાઇલોટ જેસીંગ રાઠોડને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સ્વચ્છ વિદ્યાલય માટે જરગલી પ્રા.શાળા ગીરગઢડાને રૂા. ૧૫ હજાર, વાવરડા પ્રા.શાળા ઉનાને રૂા. ૧૨ હજાર, સુંદરપરા પ્રા.શાળાને રૂા. ૧૦ હજાર, કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય વેરાવળને રૂા. ૧૫ હજારનો ચેક અર્પણ કરાયો હતો. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા કિંજલ કરમટા (ચિત્ર સ્પર્ધા) દક્ષાબેન સોલંકી (વકતૃત્વ સ્પર્ધા) મોસમી ઝાલા (નિબંધ સ્પર્ધા) પ્રમાણપત્ર આપી અને શાળાકીય રમતક્ષેત્રે જિલ્લાનું પ્રતિનિધીત્વ કરનાર યોગેશ નાઘેરા (શાળાકીય સોફ્ટ બોલ) ચૈાહાણ રઉફ (શાળાકીય સોફ્ટ બોલ) અને ડોડીયા દેવાંગી (હેન્ડબોલ) નું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીને સફળ બનાવવાં પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદારશ્રી ધોળીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી, ચીફ ઓફીસર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.જે.એસ.વાળા અને દિપક નિમાવતે કર્યું હતું.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ધોરાજીના ભૂતવડમા ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માં રોષ

editor

રાજકોટમાં યુવતીની લાશ મળતાં સનસાટી

aapnugujarat

જામનગરમાં કોરોનાના કેસ વધ્યાં

editor

Leave a Comment

UA-96247877-1