પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમામી ગંગે કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરી હતી.આ વિષય પર પ્રસ્તુત પ્રેઝન્ટેશન દરમિયાન વિવિધ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રીને અત્યાર સુધી થયેલી કામગીરીની જાણકારી આપીને આ કાર્યક્રમમાં થયેલી પ્રગતિ વિશે વાકેફ કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નદી કિનારે સ્થિત શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે સૌથી વધુ ધ્યાન ગંગાના મુખ્ય પ્રવાહના કિનારે વસેલા મોટા શહેરો પર આપવામાં આવે છે, જેમાં હરિદ્વાર, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટણા, ભાગલપુર, હાવરા અને કોલકાતા સામેલ છે.અતિ પ્રદૂષિત ઉદ્યોગો પર નજર અને સઘન ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેનાથી ગંગા નદીની કેટલીક પેટાશાખાઓમાં પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ આકારણીના ભાગરૂપે “દ્રાવ્ય ઓક્સિજન” અને “જૈવરાસાયણિક ઓક્સિજનની માગ”નો અભ્યાસ કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીને ગંગા નદીના કિનારાઓ પર વસેલા ગામડાઓમાં ગ્રામીણ સાફસફાઈમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની પણ જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જનતામાં વધારે જાગૃતિ લાવવાની અને ગંગા નદીના સફાઈ કાર્યમાં સહભાગી થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ), નીતિ આયોગ, જળ સંસાધન મંત્રાલય, પેયજલ અને સાફસફાઈ મંત્રાલય, રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાન અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ટોચના અધિકારીઓ હાજર હતા.