Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમ.આર.શાહે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધાં

ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ અને બાહોશ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે આજે બિહારની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિધિવત્‌ શપથ ગ્રહણ કર્યા હતા. પટણાના રાજભવન ખાતે દરબાર હોલમાં આજે સવારે ૧૧-૦૦ વાગ્યે ખુદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, કાયદાપ્રધાન નરેન્દ્ર નારણ યાદવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારંભમાં ગુજરાતના લોકોની અદ્‌ભુત લોકચાહના મેળવનારા અને ગુજરાતના ન્યાયતંત્રના ગૌરવસમા એવા આ વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ.આર.શાહને રાજયપાલ સત્યપાલ મલિકે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહના પરિવારજનો, મિત્રવર્તુળ, પટણા હાઇકોર્ટના તમામ ન્યાયમૂર્તિઓ, ગુજરાત હાઇકોર્ટ અને ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા. આજના શપથવિધિ સમારોહની સૌથી નોંધનીય વાત એ હતી કે, આજથી દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે ત્યારે આજના શુભદિને શ્રી એમ.આર.શાહે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેના વિધિવત્‌ શપથ ગ્રહણ કર્યા છે અને આવતીકાલે શ્રાવણમાસનો પ્રથમ સોમવાર છે તે પવિત્ર દિને આવતીકાલથી જ શ્રી એમ.આર.શાહ પટણા હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકેનો તેમનો નવો પદભાર વિધિવત્‌ રીતે સંભાળી લેશે. પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ માત્ર ગુજરાત અને બિહાર જ નહી પરંતુ દેશભરના ન્યાયતંત્રમાંથી આ બાહોશ અને કર્તવ્યનિષ્ઠ ન્યાયમૂર્તિને શુભેચ્છા અને અભિનંદનના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય..અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સરકારી સીસ્ટમ હોય કે અમ્યુકો તંત્રની વ્યવસ્થા તેને સુધારવામાં અને નાગરિકોની જાહેર સુખાકારી- આરોગ્યવિષયક સેવા માટે જસ્ટિસ એમ.આર.શાહના આ ચુકાદાઓ ઘણા જ ઉપયોગી અને આશીર્વાદસમાન બની રહ્યા છે. તાજેતરમાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ જસ્ટિસ એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ શહેર રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા છે. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્‌ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે. તેમની અસાધારણ કામગીરીને ધ્યાનમાં લઇને જ સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેઓને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પસંદ કરાયા છે.

Related posts

પ્રશાંત કિશોર જેડીયુમાં સામેલ

aapnugujarat

એસસી-એસટી માટે અનામત દૂર કરવાની કોઇ યોજના નથી : ઓરિસ્સામાં અમિત શાહે પ્રચારનું રણશિંગુ ફુંક્યું

aapnugujarat

ચેનલની પસંદગી માટે ટ્રાઇ દ્વારા મહેતલ અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1