શુક્રવારે વિષ્ણુપ્રયાગ નજીક હાથીપહાડમાંથી ભુસ્ખલન થવાનાં કારણે ૨૫ મીટર જેટલો રસ્તો બંધ થઇ ગયો હતો. હાથી પહાડમાંથી સવારથી જ પથ્થરો પડવાનાં ચાલુ થઇ જવાનાં કારણે તંત્રએ બંન્ને તરફનો વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. રસ્તો બંધ થવાનાં કારણે બદ્રીનાથ ધામમાં લગભગ ૧૫ હજાર યાત્રીઓ ફસાયેલા છે. જ્યારે બદરીનાથ ધામ જનારા યાત્રીઓ પણ અલગ અલગ સ્થળો પર રોકી દેવાયા છે. જેની સંખ્યા ૧૦ હજારની આસપાસની છે.હાઇવે શનિવાર સુધીમાં ખુલવાની તંત્રને આશા છે. ચમોલી જિલ્લામાં ગત્ત એક પખવાડીયાથી બપોર બાદ વરસાદ પડી રહ્યો છે. હવે આ વરસાદ ધીરે ધીરે મુશ્કેલી પેદા કરી રહ્યો છે. હવે હાથીપહાડ જોડ તંત્ર માટે માથાનો દુખાવો બન્યો છે. શુક્રવારે બપોર બાદ પથ્થર હાઇવે પર પડવાનું ચાલુ થયું હતું. ત્યાર બાદ તંત્રએ ૨.૩૦ વાગ્યે યાત્રી વાહનોને અટકાવી દીધા હતા.જો કે બપોરે સાડા ત્રણ વાગ્યે એક મોટી શિલા હાઇવે પર પડવાનાં કારણે હાઇવે સંપુર્ણ બંધ થઇ ગયો હતો. બદરીનાથમાં રહેલા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે સ્થળો પર રોકવામાં આવ્યા છે. હાથીપહાડથી બદરીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને તંત્રએ ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રહેવાની વ્યવસ્થા કરી છે .