Aapnu Gujarat
ગુજરાત

૨૫ હજારથી વધુ રીક્ષા માટે પાર્કિગ સ્ટેન્ડ બનશે

શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે રાજય સરકાર, અમ્યુકો તંત્ર, પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગને ઉદ્દેશીને તમામ પગલાંઓના અસરકારક અમલ અને સતત મોનીટરીંગ સહિત મહત્વના નિર્દેશો જારી કર્યા હતા અને શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણ, ગેરકાયદે પાર્કિંગ, દબાણો, ટ્રાફિકની સમસ્યા વિરૂધ્ધની અસરકારક ઝુંબેશ સતત ચાલુ રાખવા કડક તાકીદ કરી હતી. બીજીબાજુ, આજે રાજય સરકાર અને અમ્યુકો તંત્ર તરફથી જવાબ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર સરકાર અને અમ્યુકો તંત્ર તેમ જ પોલીસ-ટ્રાફિક વિભાગ શહેરમાં ટ્રાફિક નિયમન, પાર્કિંગ અને ગેરકાયદે દબાણો મામલે અસરકારક પગલા લેવા કટિબધ્ધ છે. આ મામલે તંત્રના અધિકારીઓની સંયુકત બેઠક પણ મળી હતી અને ઉપરોકત સમસ્યાઓના નિવારણના ભાગરૂપે કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. જે મુજબ, શહેરમાં આશરે ૨૫ હજારથી વધુ ઓટોરીક્ષાઓ માટે પાર્કિંગ સ્ટેન્ડ અને પિક અપ પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય દોઢ લાખ રીક્ષાચાલકોને કાયદેસર બેઝ અને ખાસ યુનિફોર્મ આપવામાં આવશે. એટલું જ નહી, તંત્ર દ્વારા રીક્ષાચાલકોને પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટેની ખાસ તાલીમ આપવામાં આવશે. તેમની સાથે સાથે શહેરની એએમટીએસ અને બીઆરટીએસ બસોના ડ્રાઇવરોને પણ આ અંગેની ખાસ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. શહેરમાં વિવિધ માર્ગો અને રૂટ પર ૧૦૦થી વધુ મીની બસો પણ દોડાવવામાં આવશે અને શહેરીજનોને વધારાની અને હાથવગી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. એટલું જ નહી, શહેરમાં વધારાના પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ અને ૫૩થી વધુ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવશે, જેના કારણે પાર્કિંગની સમસ્યા થોડી હલ થઇ શકશે. સરકાર, અમ્યુકો અને પોલીસ તંત્ર તરફથી આજે હાઇકોર્ટને ઉપરોકત સમસ્યાઓ અને તેના નિવારણ માટે લેવાયેલા પગલાં અને ભાવિ આયોજનો વિશે માહિતી અને વિગતો રજૂ કરતું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે સરકાર અને અમ્યુકો તંત્રને અસરકારક કાર્યવાહી કરવા અને રખડતા ઢોર પકડવા જતી અમ્યુકોની ટીમ પર હુમલો કરનારા તત્વો વિરૂધ્ધ કડક હાથે પગલા લેવાનો મહત્વનો નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે અમ્યુકો તંત્ર, પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાલ શહેરમાં ચાલી રહેલી ઝુંબેશ પરત્વે સંતોષ વ્યકત કર્યો હતો અને સાથે સાથે મીડિયાની જાગૃતિભરી ભૂમિકાની સરાહના પણ કરી હતી. દરમ્યાન લો ગાર્ડન વિસ્તારના લારીગલ્લાવાળા અને પાથરણાવાળા તરફથી પણ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી પોતાની વ્યથા કોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી અને સ્ટ્રીટ વેન્ડર એકટની અમલવારીની માંગણી કરાઇ હતી. જેને પગલે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે. દરમ્યાન હાઇકોર્ટે સરકાર અને અમ્યુકો તંત્ર સહિતના સત્તાવાળાઓને સૂચન કર્યું હતું કે, ઉપરોકત ભાવિ આયોજન અને પગલા અંગે ચોક્કસ ટાઇમલાઇન આપો અને નિયત સમયમર્યાદામાં તેની શરૂઆત કરો. એટલું જ નહી, જરૂર પડયે પોલીસ કંટ્રોલ રૂમ, રેડિયો પ્રોગ્રામની મદદ લો, ગુગલ મેપની મદદ લો, જેમાં લોકો જાણી શકે કે, નજીકમાં કયુ પાર્કિંગ ઉપલબ્ધ છે. ૧૦૯૫ નંબરની ટ્રાફિક હેલ્પલાઇનનો પૂરતો પ્રચાર પ્રસાર કરો. સાથે સાથે તમારી તમામ કાર્યવાહી અને પગલાં લેવાયા તેનું સતત મોનીટરીંગ કરો કે જેથી અસરકારક પરિણામ મળી રહે.

Related posts

અચ્છે દિનના બદલે હવે ચોકીદાર ચોર છે ના નારા લાગે છે : ધરમપુરમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંક્યું

aapnugujarat

कच्छ से पाक का आईएसआई एजेंट गिरफ्तार

editor

હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1