Aapnu Gujarat
ગુજરાત

ઇશરત કેસમાં વણઝારા અને અમીનની અરજી ફગાવાઇ

ઇશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીનની આ કેસમાંથી તેઓને બિનતહોમત છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજી આજે અત્રેની સીબીઆઇ વિશેષ અદાલતે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સીબીઆઇ કોર્ટે બંને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે ઠરાવ્યું કે, બંને અરજદાર આરોપીઓએ અગાઉના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી પી.પી.પાંડેની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરાઇ તેનો આધાર રાખ્યો છે પરંતુ તેઓની આ માંગણી અસ્થાને છે. કારણ કે, પી.પી.પાંડેનો કેસમાં ભૂમિકા સાબિત થાય તેવા પુરાવા ન હતા, જયારે પ્રસ્તુત કેસમાં વણઝારા અને અમીન બંને સામે પ્રથમદર્શનીય પુરાવા ઉપલબ્ધ છે. આ સંજોગોમાં તેમને કેસમાંથી બિનતહોમત છોડી શકાય નહી. અલબત્ત કોર્ટે આ બંને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી માટે સરકારની જરૂરી મંજૂરી કેમ મેળવાઇ નથી તે મુદ્દે એક મહિનામાં ખુલાસો કરવા જણાવ્યું છે. સાથે સાથે સીબીઆઇને હવે પણ આરોપી સામે જરૂરી મંજૂરી મેળવવા અને જો મેળવી હોય તો કોર્ટ સમક્ષ રજૂ કરવા પરવાનગી આપી હતી. સીબીઆઇ કોર્ટમાંથી રાહત નહી મળતાં હવે આ બંને અધિકારીઓ દ્વારા ચુકાદાના અભ્યાસ બાદ આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવે તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. ડી.જી.વણઝારા અને એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ કરતાં સીબીઆઇ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકરે જણાવ્યું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્વના એવા આ નકલી એન્કાઉન્ટર કેસમાં કુલ ૧૧ કરતાં વધુ સાહેદોએ વણઝારા અને અમીન વિરૂધ્ધ સીધો પુરાવો આપ્યો છે, જેમાં કલમ-૧૬૪ હેઠળના નિવેદન અને જુબાનીઓનો પણ સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરૂધ્ધના પુરાવામાં એ સ્પષ્ટ થાય છે કે, પોલીસે ઇશરત સહિતના ચારેય જણાંને તા.૧૪ જૂન,૨૦૦૪ પહેલાં જ ગેરકાયદે રીતે અટકાયતમાં રાખ્યા હતા અને તા.૧૫મીએ પાકિસ્તાનથી મુખ્યમંત્રી મોદી સહિતના મહાનુભાવોને ઉડાવી દેવાના કાવતરા સાથે ફિદાઇનો આવ્યા છે તેવી ખોટી ફરિયાદ ઉભી કરી પ્લાન મુજબ, કોતરપુર વોટર વર્કસ પાસે ચારેય જણાંને નકલી એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આમ, બંને આરોપીઓ વિરૂધ્ધ કેસમાં પ્રથમદર્શનીય અને સીધા પુરાવા હોઇ તેઓને ડિસ્ચાર્જ કરી શકાય નહી. સ્પેશ્યલ પીપી આર.સી.કોડેકરની દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ કોર્ટે વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજી આકરા વલણ સાતે ફગાવી દીધી હતી. ઇશરત જહાંની માતા શમીમા કૌસરે ડી.જી.વણઝારા અને એન.કે. અમીનની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, બંને સેવાનિવૃત પોલીસ અધિકારીઓ વણઝારા અને અમીન વિરૂધ્ધ આ કેસમાં પૂરતા અને પ્રથમદર્શનીય પુરાવાઓ છે. રેકોર્ડમાં દાખલ પુરાવાઓ અનુસાર બંને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ વખતે ઘટનાસ્થળ પર જ હાજર હતા અને કોલ રેકોર્ડ અનુસાર બંને ઘટનામાં અન્ય આરોપીઓની સાથે સતત સંપર્કમાં હતા. આ અગાઉ ઇશરત જહાં કેસમાં ગુજરાત પોલીસના પૂર્વ પ્રભારી મહાનિર્દેશક પી. પી. પાંડેને સીબીઆઇ કોર્ટે સાક્ષીઓના અભાવે ફેબ્રુઆરીમાં આરોપમુક્ત(ડિસ્ચાર્જ)જાહેર કર્યા હતા. જેનો આધાર લઇ ડી.જી. વણઝારાએ પેરીટીના ગ્રાઉન્ડ પર પોતાને આરોપમુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો. વણઝારાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપત્ર કાલ્પનિક છે અને સાક્ષીઓના નિવેદનો ઘણાં જ સંદિગ્ધ છે. તેમની વિરૂધ્ધમાં પૂરતા પુરાવા પ્રસ્થાપિત થતા નથી. એન.કે.અમીને પણ કંઇક આ જ પ્રકારની દલીલો દ્વારા પોતાનો બચાવ રજૂ કરી કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા માંગણી કરી હતી. જો કે, કોર્ટે તેમની દલીલો ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૫ જૂન, ૨૦૦૪નાં રોજ શહેરના કોતરપુર વોટરવર્કસ પાસે ૧૯ વર્ષની ઇશરત જહાં સહિત જાવેદ શેખ, અમઝદ અલી રાણા અને જીશાન એમ કુલ ચાર જણાંને ક્રાઇમબ્રાંચના અધિકારીઓ દ્વારા નકલી એન્કાઉન્ટમાં ઠાર મરાયા હતા. હાઇકોર્ટે રચેલી સીટના રિપોર્ટમાં આ વાત સાબિત થઇ હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

उत्तरी गुजरात, सौराष्ट्र -कच्छ क्षेत्र में भारी वर्षा की संभावना

aapnugujarat

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

ખાનગી કાર-બસના ભાડામાં ૩૦ ટકા સુધી થયેલો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1