જીએસટી વ્યવસ્થા હેઠળ ૩૫૦ સીસી એન્જિન ક્ષમતાથી વધારેની ક્ષમતાની બાઈક, ખાનગી જેટ વિમાનો, મોંઘી લક્ઝુરીયસ બોટની ખરીદી ઉપર ૩૧ ટકાના દરે જીએસટી લાગુ કરવામાં આવશે. પાન, મસાલા, ગુટખા પર જીએસટીના ટોચના દરથી ઉપર ૨૦૪ ટકા પેટા ટેક્સ લાગુ કરવામાં આવશે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવી રહી છે. જીએસટી પરિષદની બે દિવસીય બેઠકમાં આજે આ મુજબના નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ તમામ પ્રકારની કાર, બસ, ટ્રક, મોપેડ અને બાઈકોની સાથે સાથે વ્યક્તિગત ઉપયોગના વિમાન, લકઝરી બોટ પર સૌથી ઉંચા દર ૨૮ ટકાના દરે જીએસટી લાગુ થશે. આ ઉપરાંત તમામ પ્રકારની કાર, એસયુવી અને ૩૫૦ સીસીવાળી બાઈકો પર વધારાના પેટા કરવેરા લાગુ થશે. ખાનગી વિમાનો, લક્ઝુરીયસ બોટ અને વધુ ક્ષમતાવાળી બાઈકો પર ૨૮ ટકાથી ઉપર ત્રણ ટકા પેટા કર લાગુ કરવામાં આવશે. આ રીતે તેના ઉપર કુલ ૩૧ ટકાના દરે જીએસટી લાગુ થશે. આવી જ રીતે ચાર મીટરથી ઓછી લાંબી અને ૧૨૦૦ સીસીના પેટ્રોલ એન્જિનવાળી કાર પર ૨૮ ટકાથી ઉપર એક ટકા પેટા કરવેરા લાગુ થશે. ૧૫૦૦ સીસીથી ઓછી ક્ષમતાવાળી નાની ડિઝલ કારો ઉપર જીએસટીના ટોચના દરથી ઉપર ત્રણ ટકા પેટા કરવેરા લાગુ થશે. આવી જ રીતે મધ્યમ કદની કાર, એસયુવી, લકઝરી કાર પર ૨૮ ટકાથી ઉપર ૧૫ ટકાના દરે પેટા કરવેરા લાગુ થશે. બસ અને આવી ગાડીઓ જેમાં ૧૦થી વધારે લોકો બેસી શકે છે તે વાહનો ઉપર આજ દરથી ઉપર પેટા કરવેરા લાગુ થશે. ૧૫૦૦ સીસીના એન્જિનની ક્ષમતાથી વધારાની હાઈબ્રીડ કાર ઉપર પણ ટોચના જીએસટી દરથી ઉપર ૧૫ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરવામાં આવશે. એરેટીડ ડ્રિન્ક્સ અને લીંબુપાણી પર ટોચના દરથી ઉપર ૧૨ ટકાના દરે પેટા કરવેરા લાગુ થશે. પાન મસાલા, ગુટખા પર જીએસટીના ટોચના દરથી ઉપર ૨૦૪ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે લકઝરી ચીજવસ્તુઓ પર ૨૮ ટકાના ટોચના દરથી ઉપર પેટા કરવેરા લાગુ કરવા પર સહમતી થઈ ગઈ છે. તમાકુ પેદાશો પર ૭૧ ટકાથી ૨૦૪ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે ફિલ્ટર અને ફિલ્ટર વગરની સિગારેટ જેની લંબાઈ ૬૫ મીલીમીટરથી વધુ રહેશે નહીં તેના પાંચ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે તેનાથી ઉપર પ્રતિ ૧૦૦૦ સિગારેટ પર ૧૫૯૧ લેવામાં આવશે. ફિલ્ટર વગરની ૬૫ મીલીમીટરથી વધારીને પરંતુ ૭૦ મીલીમીટરથી ઓછી લંબાઈ ધરાવનાર સિગારેટ પર ટોચના દરથી ઉપર પાંચ ટકા જમા ૨૮૭૬ રૂપિયા પેટાકરવેરા લાગુ કરાશે. બ્રાન્ડેડ ગુટખા પર ૭૨ ટકા પેટાકરવેરા લાગુ થશે. પાઈપ અને સિગારેટમાં ભરવામાં આવનાર તમાકુ મિશ્રણ પર ૨૯૯ ટકાના દરે પેટા કરવેરા લાગુ કરાશે. આવી જ રીતે કોલસા, લિગ્નાઈટ પર સ્વચ્છ ઉર્જા પેટા કરવેરા લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.
આગળની પોસ્ટ