Aapnu Gujarat
ગુજરાત

મોદીનું વડાપ્રધાન બનવું મુશ્કેલ…!?

૧૭મી લોકસભાની આગામી ચૂંટણીઓ ક્યારે યોજાશે એની જોરદાર અટકળો વચ્ચે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનીને ભાજપને ૨૦૧૪ની જેમ ૫૪૩માંથી ઐતિહાસિક એવી ૨૮૨ બેઠકો જીતાડી શકશે કે કેમ તેના રાજકીય સમીકરણો રાજકીય પંડિતો દ્વારા રાજકીય શતરંજની બાજી બીછાવીને કરવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪ સુધીનું ભારત અને ૨૦૧૪થી ૨૦૧૮ સુધીના મોદીના ભારતની વચ્ચે જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. એ વખતના એમણે આપેલા ચૂંટણી વચનો ચાર વર્ષ પછી તેમની જ સામે વિવિધ માધ્યમો દ્વારા મોં ફાડીને આવીને ઉભા છે અને જાણે કે પૂછી રહ્યાં છે કે રોજગારી, રામ મંદિર, કાશ્મીર માટેની કલમ ૩૭૦, સમાન નાગરિક ધારો, આતંકવાદ, નક્સલવાદ, કાશ્મીરમાં શાંતિ અને મહિલા સુરક્ષાના આપેલા વચનો કેટલા પૂરા થયા એમ જાણે કે પૂછી રહ્યાં છે. જોકે તેના જવાબો વડાપ્રધાન મોદી આપે તે પહેલા ચાર વર્ષમાં ભાજપ અને એમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે વચન મુજબ નહીં કરેલા આ કામો અને નહીં કરવા જોઈતા હતા એવા કામો જેમ કે નોટબંધી, જીએસટી, મંદી, શિવસેના જેવા સાથી પક્ષોની નારાજગી, તામિલનાડુમાં નવી પ્રાદેશિક નેતાગિરી, કાશ્મીરમાં ભંગાણ, બિહારમાં બિહારીબાબુ નીતિશકુમારનું સખળ ડખળ આ તમામ બાબતો જોતા અને સૌથી મોટું પરિબળ કે જેઓ ગઈ વખતે એક બીજાની સામે લડ્યાં તેઓ આ વખતે એક થઈને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવા રાજકીય શસ્ત્રો સજાવી રહ્યાં છે ત્યારે જે દેશવ્યાપી રાજકીય ચિત્ર બની રહ્યું છે તે દર્શાવે છે કે જો અત્યારે ચૂંટણી થાય તો મોદીને ૫૪૩માંથી ૨૮૨ તો નહીં જ પરંતુ ૧૭૫થી ૨૧૦ જેટલી બેઠકો મળી શકે. અલબત્ત, કોંગ્રેસે હરખાવા જેવું નથી કેમ કે તેના માટે સત્તા હજુ દૂર હોવાનું ચિત્ર પણ બની રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ ફરી દિલ્હીની ગાદી સર કરવા માટે પોતાના સ્વભાવની વિરૂદ્ધ જઈને રાજકીય તડજોડની નીતિ અપનાવવી પડે. ચાર વર્ષ દરમ્યાન તેમનું શાસન, તેમનો સ્વભાવ, રાજકીય દુશ્મનાવટ વગેરેને જોતા તેમના નેતૃત્વ હેઠળ સરકારમાં જોડાવા માટે કેટલા પક્ષો તૈયાર થશે એ પણ એક સવાલ છે.
૨૦૧૪માં વડાપ્રધાન મોદીના વચનો પણ સામાન્યમાં સામાન્ય મતદાતાએ ૧૫ લાખની આશાએ તો ઠીક પરંતુ આ સરકાર કંઇક કરશે, કમ સે કમ મોંઘવારી તો ઘટાડશે, પેટ્રોલ-ડિઝલ સસ્તા કરશે અને વાસ્તવમાં તેમના માટે અચ્છે દિન લાવશે પરંતુ ૨૦૧૪ પછી જેમ જેમ સરકારની કામગીરી શરૂ થતી ગઈ તેમ તેમ તેમની નિષ્ફળતાઓ બહાર આવતી ગઈ છે. પાકિસ્તાન સાથે લવ લેટર લખવાનું બંધ થવું જોઇએ એમ કહેનાર મોદીએ સાડી અને શાલનો વહેવાર તથા નવાઝ શરીફને ત્યાં કાબુલથી અચાનક પહોંચી જવું, ત્યાર બાદ પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો જે આતંકી હુમલા કાશ્મીરમાં હજુ પણ ચાલી રહ્યાં છે. રોજે રોજ સૈનિકો શહીદ થઈ રહ્યાં છે.
પીડીપી સરકાર સાથે ભંગાણ પડ્યાં બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ જશે એવી એક હવા ફેલાવવામાં આવી પરંતુ પરિસ્થિતિ એવી જ છે.
૨૦૧૪ બાદ જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ તેમાં ભાજપને સારી એવી સફળતા મળી છે. આજની તારીખમાં ૨૦થી ૨૧ રાજ્યોમાં ભાજપ અને ભાજપ સહયોગી પક્ષોની સરકાર છે.
પૂર્વોત્તરના છ – સાત રાજ્યોમાં ભાજપે ડંકો વગાડ્યો છે તો વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપને જાણે કે હાંફતા હાંફતા ૯૯ બેઠકો મળી અને કેસરિયાની ઈજજત સચવાઈ ગઇ.
ગુજરાતની ધરતી પરથી જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નૈતિક અને રાજકીય મનોબળ મળ્યું. મંદિર મુલાકાત ગુજરાતથી શરૂ થઈ, કર્ણાટકમાં પણ તેનું પુનરાવર્તન થયું, કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની જે લાઈન અપનાવી તેનાથી તેને રાજકીય લાભ મળ્યો તો બીજી તરફ તિન તલાક, હલાલા અને મુસ્લિમોના અન્ય પ્રશ્નોને લઇને ભાજપે સરકાર દ્વારા જે પગલાં ભર્યાં છે તેનાથી મુસ્લિમ તૃષ્ટિકરણ કરવામાં આવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. પોતાની આ છાપને દૂર કરવા રામ મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવે છે. રામ મંદિરના મામલે જ વીએચપીમાંથી તોગડિયાની હકાલપટ્ટી થઈ અને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સામે ભાજપે તોગડિયા જેવા અનેક અગ્રણીઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
આમ ઉપરોક્ત, રાજકીય વિશ્લેષણ જોતાં ભાજપને ૧૭૫ થી ૨૧૦ બેઠકો મળી શકે. કોંગ્રેસને ગઈ વખતે ૪૪ મળી હતી જે આ વખતે વધીને ૭૫થી ૧૧૦ બેઠકો મળી શકે. જોકે સપા, બસપા, એનસીપી સહિત કેટલા સાથીપક્ષો તેની સાથે જોડાશે એના પર આધાર છે.
એનસીપી, શિવસેના, બીજેડી એઆઈએડીએમકે, ડીએમકે, સામ્યવાદીઓ, આપ, લોજપા, વાયએસઆર, અકાલીદળ, આરજેડી, ઝારખંડ મુક્તિ મોરચા, પીડીપી, ટીએમસી વગેરે આ ચૂંટણીમાં અંદાજે ૧૦૦ બેઠકો લઇ જાય તેમ છે. સંયુક્ત મોરચાને ૧૯૩થી ૨૦૦ બેઠકો મળી શકે.
પૂર્વોત્તરમાં મણિપુરની બે, મેઘાલય એક, મિઝોરમમાં એક, ત્રિપુરાની બે, અરૂણાચલમાં બે મળીને આ રાજ્યોમાં ભાજપને તમામ બેઠકો મળવાની પુરેપુરી શક્યતા છે કેમ કે પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે. તેમ છતાં જ્યાં ગઠબંધન છે ત્યાં જો એ પક્ષ ઉમેદવાર ઉભા રાખે તો ભાજપની બેઠકો ઘટી શકે.

Related posts

ગુજરાતમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી

editor

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

editor

ડીસામાં પ્લાસ્ટિક મુક્ત ભારત – ઈકો ફ્રેન્ડલી. ગરબા શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા અને અર્બુદા વિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1