Aapnu Gujarat
બ્લોગ

એનડીએ સરકારના નેતૃત્વમાં પ્રગતિના સોપાન સર કરી રહેલું ગ્રામીણ ભારત

ગ્રામીણ વિકાસ મંત્રાલય ગામડાઓના વિકાસમાં અને તેમના કલ્યાણ માટેની પ્રવૃત્તિમાં મધ્યસ્થ સંસ્થા તરીકેની ભૂમિકા ભજવતી હોવાથી સમગ્ર દેશના સર્વગ્રાહી વિકાસ માટેના વ્યૂહ તૈયાર કરવામાં પણ તે મહત્વની ભૂમિકા જ ભજવે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયનું વિઝન અને મિશન ટકી શકે તેવું જ છે. તેના માધ્યમથી ગરીબી નાબૂદ કરવા માટે અને રોજગારીની તકમાં વધારો કરવા માટે બહુપાંખિયો વ્યૂહ અપનાવીને ભારતના સર્વજનોને વિકાસનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય આમ જનતાને સામાજિક સલામતી પૂરી પાડવા ઉપરાંત વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધા પણ ઊભી કરી આપે છે. એનડીએ સરકાર દ્વારા લેવામાં આવતા આ પગલાંઓને પરિણામે ગ્રામીણ ભારતમાં વસતા લોકોનું જીવનધોરણ ઉપર જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમ જ શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં જોવા મળતી અસમતુલા પણ દૂર થશે. તેની સાથોસાથ જ સમાજના સૌથી વધુ વંચિત લોકો સુધી વિકાસના લાભ પહોંચાડવાનો ઇરાદો પણ છે.
ગ્રામીણ વિકાસનો મતલબ એ છે કે ગામડાના લોકોની આર્થિક સદ્ધરતામાં વધારો કરવો અને તેની સાથે સાથે જ બહુ જ મોટા પાયા પર સામાજિક પરિવર્તન પણ લાવવું. ગ્રામીણ વિકાસના કાર્યક્રમોમાં વધુને વધુ લોકો ભાગ લેતા થયા છે. ગ્રામીણ વિકાસના આયોજનની કામગીરીને વિકેન્દ્રીત કરી દેવામાં આવી છે. જમીન અંગેના સુધારાઓ વધુ સારી રીતે અમલી બનાવવામાં આવી રહ્યા છે. તદુપરાંત ગ્રામીણ વિસ્તારની જનતાને વધુ આસાનીથી ધિરાણ મળી રહે તેવા પગલાં લેવામાં આવ્યા છે. તેથી તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે.આરંભમાં વિકાસ માટે મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સંદેશ વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતીતિ થઈ હતી કે વિકાસની ગતિને જો વેગ આપવો હોય તો સરકારના પ્રયાસો ઉપરાંત છેવાડાના લોકો સહિતના તમામ પ્રજાજનોની તેમાં સીધી કે આડકતરી સક્રિયતા હોવી જરૂરી છે. આ હકીકત સમજાઈ જતા સરકારે આ બાબત પર ભાર મૂકવાનું ચાલુ કરી દીધું છે.એનડીએ સરકાર ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે તે હકીકતનો ખ્યાલ બજેટ આવે ત્યારે વધુ આવે છે. કેન્દ્રના નાણાંમંત્રી અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં ગ્રામીણ કૃષિ અને તેને સંલગ્ન સેક્ટર્સના વિકાસ માટે રૂા ૧,૮૭,૨૨૩ કરોડની ફાળવણી કરી હતી. આ ફાળવણી ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષમાં કરવામાં આવેલી ફાળવણી કરતા ૨૪ ટકા વધારે હતી. એક પછી એક દુષ્કાળ પડ્યા હોવાથી ગ્રામીણ વિસ્તારની પ્રજાની હતાશામાં વધારો થયો હોવાથી આ પગલાં લેવા જરૂરી હોવાનું પણ નિષ્ણાતોનું માનવું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકાર લોકોનો વિકાસ થાય અને તેમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનો વિકાસ થાય તે માટે તેમના માટેના કાર્યક્રમો અને નીતિઓને નવી ઊંચાઈ સુધી લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે. દરેક પ્રજાજનનો સર્વગ્રાહી વિકાસ અને ગ્રામીણ વિકાસ સાધવો એ તેમની નેમ છે. સમાજમાં મોટો બદલાવ લાવવા માટે જ સરકાર આ મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
મનરેગાને નામે ઓળખાતી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ આ પ્રકારનો જ એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશના ગ્રામીણ વિસ્તારના દરેક ઘરમાં વસતા લોકોને રોજગારી પૂરી પાડીને તેમની સલામતીને વધારવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દરેક ઘરની પુખ્ત વ્યક્તિને ઓછામાં ઓછા ૧૦૦ દિવસની રોજગારી દર વર્ષે પૂરી પાડવામાં આવી રહી છે અને તેની સાથે વેતન પણ આપવામાં આવી રહ્યું છે. ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષ દરમિયાન અભૂતપૂર્વ ગવર્નન્સને પરિણામે મનરેગાના અમલીકરણમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું છે. આ વર્ષે આ યોજનામાં જળના સંરક્ષણની બાબત પર સતત ભાર મૂકવામાં આવ્યો હતો. આ યોજનામાં ૮૨ ટકા (૯.૧ કરોડ)થી વધુ વર્કરો સક્રિય હતા. નરેગા સોફ્ટમાં તેમના આધાર કાર્ડ પણ રજિસ્ટર થયેલા હતા. તેમાંથી ૪.૬ કરોડ વર્કરોને આધાર સંલગ્ન પેમેન્ટ બ્રિજના માધ્યમથી સંકળાયેલા હતા. તેમને ૯૬ ટકા વેતન બેન્કો અને પોસ્ટ ઓફિસમાંના એકાઉન્ટ્‌સમાં કરવામાં આવ્યા હતા. ૮૯ લાખથી વધુ ભૌગોલિક અસ્ક્યામતોને ગુગલથી સાંકળી લેવામાં આવેલી છે. મનરેગામાં ભાગ લેવા માટે આવેલા ૯૩ લાખ વર્કરોના જોબકાર્ડ અત્યાર સુધીમાં યોગ્ય વેરિફિકેશન-ચકાસણી કરીને ડીલીટ પણ કરવામાં આવ્યા છે. ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં જળસંચય માટેના કામો કરવામાં આવ્યા છે.
આ માટે કેટલાક વિસ્તારોનું વોટર પ્રુફિંગ પણ કરવામાં આવ્યું છે. સુચારુ વહીવટ કરીને ચલાવવામાં આવતી યોજના મનરેગા સાથે સંકળાયેલા ગરીબ વિસ્તારના કામદારો માટે સલામત રોજગારી પણ ઉપલબ્ધ કરાવી શકાઈ છે. તેમ જ કોઈ માગે તો તેવી વ્યક્તિને ત્યારે ને ત્યારે જ રોજગારી પૂરી પણ પાડવામાં આવી છે.શ્રમિકો માટેના બજેટની ફાળવણી કરવા માટેની મંજૂરી આપતા પૂર્વે વંચિત રહી જતા રાજ્યોની સ્થિતિને પહેલીવાર ધ્યાનમાં લેવામાં આવી હતી.
૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષના એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં દુષ્કાળનો પ્રભાવ વધી જતો હોવાથી કામ મેળવવા માટેની માગમાં અભૂતપૂર્વ ઊછાળો આવી જતો હોવાનું જોવા મળે છે. ત્યારબાદ ૭૫ ટકા જિલ્લાઓમાં સારો વરસાદ પડી જતા કર્ણાટકના બાકીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જ રોજગારી માટેની માગ ઊભી રહી હતી. ડિસેમ્બર મહિના પછી દર વર્ષે બને છે તે જ રીતે કામ મેળવવા માટેની ડિમાન્ડમાં ફરી ઊછાળો આવે છે.
આ વિસ્તારોમાં મનરેગાની યોજના હેઠળ ૨૩૦ કરોડ માનવ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી હતી. અગાઉના વર્ષોની તુલનાએ ઘણી વધુ રોજગારી પૂરી પાડવામાં આવેલી હતી. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ મળીને કુલ રૂા. ૫૮,૦૫૬ કરોડનો ખર્ચ કર્યો હતો આ જ સુધીમાં મનરેગા હેઠળ રોજગારી પૂરી પાડવામાં આટલા મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવામાં આવેલી નથી. તેમાંય ખાસ કરીને કુલ રોજગારીમાંથી ૫૬ ટકા રોજગારી મહિલાઓને પૂરી પાડવામાં સફળતા મળી હતી.મનરેગાના માધ્યમથી માત્ર રોજગારીની તક નિર્માણ કરવાથીય સરકાર એક ડગલું આગળ ગઈ છે. મનરેગા સાથે રૂરલ કનેક્ટિવીટી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) હેઠળ વિક્રમ સર્જક ૪૭,૩૫૦ કિલોમીટર લાંબા રસ્તાઓ બાંધવામાં આવ્યા હતા. છેલ્લા સાત વર્ષની સરખામણી કરવામાં આવે તો એક જ વર્ષમાં પીએમજીએસવાય હેઠળ રસ્તાઓ બાંધવાનો આ સૌથી મોટો વિક્રમ છે. ૨૦૧૧થી ૨૦૧૪ના સમયગાળામાં રોજના સરેરાશ ૭૩ કિલોમીટર રસ્તાઓ બાંધવામાં આવતા હતા. ૨૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષમાં આ સરેરાશ વધીને ૧૦૦ કિલોમીટરની થઈ હતી અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં રોજના રસ્તા બાંધવાની સરેરાશ વધીને ૧૩૦ કિલોમીટરની થઈ ગઈ હતી. છેલ્લા સાત વર્ષની તુલનામાં રસ્તાઓ બાંધવાની બાબતમાં આ સરેરાશ ઘણી ઊંચી છે.ગ્રામીણ વિસ્તારોમાં બાંધવામાં આવતા રસ્તાઓને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં વધારો ન થાય અને પ્રદુષણમાં ઘટાડો થાય તેવા દ્રષ્ટિકોણથી કામ કરવા માટેના દિવસોમાં વધારો કરવામાં આવ્યો હતો અને ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યમથી આક્રમક રીતે ગ્રીન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ રસ્તાઓ બનાવવા માટે બિનપરંપરાગત પ્લાસ્ટિકના નકામી થઈ ગયેલી વસ્તુઓ, કો્‌ડ મિક્સ, જિઓ ટેક્સટાઈલ, ફ્લાય એશ, આયર્ન અને કોપર સ્લેગ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૨૦૧૬-૧૭ની સાલમાં ૪,૧૧૩.૧૩ કિલોમીટર રસ્તાઓનું બાંધકામ ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.
૨૦૧૪-૧૬ના વર્ષ દરમિયાન ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ૨૬૩૪.૦૨ કિલોમીટર રસ્તાઓ બાંધવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૦૦થી ૨૦૧૪ના ગાળામાં સરેરાશ ૮૦૬.૯૩ કિલોમીટર રસ્તાઓ ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યા હતા.આ જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબોના ઘર માટેની જરૂરિયાતને પણ ધ્યાનમાં લઈને તેનો ઉકેલ પણ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ પણ ચાલુ કરી છે. નવેમ્બર ૨૦૧૬થી ચાલુ કરવામાં આવેલી આ યોજના હેઠળ ઘરનું ઘર બનાવવાની ગ્રામીણ જનતાની આશાઓને પરિપૂર્ણ કરવા માટે નવો જ રૂરલ હાઉસિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. આ ઘર બનાવવા માટેનો ખર્ચ વધી ન જાય તે માટે તેમને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ મટિરિયલ – સામગ્રીઓનો ઉપયોગ કરીને સ્થાનિક ડિઝાઈનના ઘર તૈયાર કરવાની છૂટ આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવનારા ઘરમાં રસોડું, જાજરૂ, રાંધણગેસનું જોડાણ વીજળીના પુરવઠાનું જોડાણ અને પાણીના પુરવઠાનું જોડાણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છનાર પોતાની ઇચ્છા મુજબ ઘર બાંધવાનું આયોજન કરી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં સારી ક્વોલિટીના ઘર બંધાય તે માટે કાર્યકુશળ માનવબળ મળી રહે તે હેતુથી કડિયાકામની તાલીમ આપવા માટેના તાલીમનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. કાચા છાપરાવાળા મકાનો અને શૂન્ય, એક કે બે રૂમ વાળા મકાનો ધરાવતા પણ ઘરવિહોણા ગણાતા માનવીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ યોજના હેઠળના લાભ આપવા માટે પસંદગીની પ્રક્રિયા આકરી રાખવામાં આવી છે. આ પસંદગી કરવા માટે સોશિયો ઇકોનોમિક સેન્સર ડેટા (એસઈસીસી)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એસઈસીસીના ડેટાને ગ્રામ સભા સમર્થન આપે છે. આ યોજનાનો લાભ કોઈ ખોટી વ્યક્તિ ન લઈ જાય તે માટે સ્પેસ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. ૨૦૧૪ની સાલમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે કરેલા પરફોર્મન્સ ઓડિટમાં ઇન્દિરા આવાસ યોજનામાં તો પાત્રતા ન ધરાવતી વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ જતી હોવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણમાં પાત્રતા ન ધરાવતી વ્યક્તિ તેનો લાભ ન લઈ જાય તેની પૂરતી તકેદારી લેવામાં આવી છે. ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષમાં આ યોજના હેઠળ ૪૪ લાખ ઘર બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ તમામ ઘર બાંધવાની કામગીરી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં પૂરી કરી દેવાનું સરકાર આયોજન કરી રહી છે. પીએમએવાય-જીમાં છથી બાર માસમાં ઘર પૂરું કરી દેવાના લક્ષ્યાંકને અનુસરવામાં આવી રહ્યું છે.ઇન્દિરા આવાસ યોજના હેઠળ એકથી ચાર વર્ષ સુધી અધૂરા રહેલા ૩૬ લાખ જેટલા ઘર બાંધવાની કામગીરી પૂરી કરી દેવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યો તરફથી આ સંદર્ભમાં આપવામાં આવેલા અહેવાલો મુજબ કુલ ૩૨.૧૪ લાખ ઘરનું કામકાજ ૨૦૧૬-૧૭ સુધીમાં પૂરું કરી દેવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, આસામ જેવા રાજ્યોએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના અમલીકરણમાં મોખરાની કામગીરી કરી છે. તેની સામે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ રાજસ્થાન અને મહારાષ્ટ્રની આવાસ તૈયાર કરી આપવાની કામગીરી ઘણી જ સરસ રહી છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ બંધાયા વિના જ પડી રહેલા ઘર બાંધીને કામ સંપૂર્ણ કરી દેવામાં આ તમામ રાજ્યોનું પરફોર્મન્સ સારુ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ ૨૦૧૭-૧૮ના અંત સુધીમાં ૫૧ લાખ ઘર બાંધવાની કામગીરી પૂર્ણ કરી દેવાની આશા રાખી રહ્યું છે.
૨૦૧૭-૧૮ના વર્ષમાં વધારાના ૩૩ લાખ ઘર બાંધવા માટેની મંજૂરી ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. તેથી ૨૦૧૮-૧૯ના વર્ષમાં પણ બીજા ૫૧ લાખ ઘર બાંધી દેવાનું આયોજન કરી લેવામાં આવ્યું છે. આમ ૨૦૧૬-૧૯ના સમયગાળામાં કુલ મળીને ૧.૩૫ કરોડ ઘર બાંધી દેવાનું આયોજન કરવામાં આવેલું છે. આ રીતે ૨૦૨૨ની સાલ સુધીમાં દેશની દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તે માટેનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવશે.
આ પ્રકારની અન્ય એક યોજના છે સાંસદ આદર્શ ગ્રામ યોજના આ યોજના તૈયાર કરવા પાછળનો મૂળબૂત ઉદ્દેશ ગ્રામીણ વિકાસ માટેના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિઝનને વાસ્તવિકતા બનાવવાનો છે. વર્તમાન સંજોગો પ્રમાણે આ વિઝનને વાસ્તવમાં ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ પાછળનો મૂળભૂત હેતુ તો આદર્શ ગામનું નિર્માણ કરવાનો છે. આદર્શ ગ્રામનું નિર્માણ કર્યા પછી આસપાસની ગ્રામ પંચાયતોને પણ તે પ્રકારનું ગામ ઊભું કરવાની પ્રેરણા મળે તેવી સ્થિતિ નિર્માણ કરવાનો છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં દરેક સાંસદને ત્રણ આદર્શ ગ્રામ નિર્માણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. આ ત્રણ પૈકીનું પહેલું આદર્શ ગ્રામ તેમણે ૨૦૧૬ના અંત સુધીમાં નિર્માણ કરવાનું છે. બાકીના બે આદર્શ ગામ તેમણે ૨૦૧૯ સુધીમાં તૈયાર કરવાના છે. ત્યારબાદના પાંચ વર્ષમાં, તેમણે ૨૦૨૪ સુધીમાં બીજા પાંચ આદર્શ ગામ તેમના મતવિસ્તારમાં બનાવવાના છે.
સપાટ ભૂમિ વાળા વિસ્તારમાં ગ્રામ પંચાયતને પાયાનું એકમ ગણવામાં આવશે. તેમાં સરેરાશ ૩૦૦૦થી ૫૦૦૦ની વસતિ હોય તેને એક યુનિટ ગણવામાં આવશે. જ્યારે પર્વતીય, આદિવાસી અને અન્ય દૂરસુદૂરના કે પછી આાસનીથી પહોંચી ન શકાય તેવા વિસ્તારમાં ૧૦૦૦થી ૩૦૦૦ની વસતીવાળા વિસ્તારને એક એકમ-યુનિટ ગણવામાં આવશે. સાંસદ સભ્યો પોતાની પસંદગીની ગ્રામ પંચાયતને આ માટે પસંદ કરી શકશે. આ ગ્રામ પંચાયતને તેમણે એક આદર્શ ગામ તરીકે વિકસાવી આપવાની રહેશે. આ યોજનામાં જે ગ્રામ પંચાયતનો પંસંદ કરવામાં આવશે તે ગ્રામ પંચાયતમાં તેમના પોતાના અથવા તો તેની પત્નીના પોતાના ગામનો સમાવેશ કરી શકાશે નહીં. આ યોજના હેઠળ દત્તક લેવામાં આવેલી ગ્રામ પંચાયતનો સર્વક્ષેત્રીય વિકાસ સાધવાની જવાબદારી સાંસદની રહેશે. સંસદ સભ્યોએ અત્યાર સુધીમાં ૮૯૭ ગ્રામ પંચાયતોને દત્તક લીધી છે. જુદા જુદા રાજ્યો અંદાજે ૩૧૯૨૬ પ્રોજેક્ટ્‌સના કામ પૂરા થઈ ચૂક્યા છે અથવા તો પછી કામ ચાલી રહ્યા છે. કુલ મળીને આ પ્રકારના ૪૦,૯૬૨ પ્રોજેક્ટ્‌સ છે. આ તમામ પ્રોજેક્ટ્‌સના અમલીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંખ્યાબંધ એસએજીવાય ગ્રામ પંચાયતમાં સર્વગ્રાહી વિકાસ કરવામાં આવ્યો છે. એસએજીવાય હેઠળ જે ગ્રામ પંચાયતોને વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી હતી તે ગ્રામ પંચાયતોના વિકાસની કામગીરી અત્યારે અસ્તિત્વ ધરાવતી યોજનાઓના કે પછી અત્યારે ચાલી રહેલા કાર્યક્રમોના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અલગથી ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. એસએજીવાય હેઠળ પસંદ કરવામાં આવેલી ગ્રામ પંચાયતોના વિકાસની કામગીરી અત્યારે અસ્તિત્વ ધરાવતી યોજનાઓના કે પછી અત્યારે ચાલી રહેલા કાર્યક્રમોના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અલગથી ભંડોળ ફાળવવામાં આવ્યું નથી.

Related posts

ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યો : રિસર્ચ

editor

પાકિસ્તાન – ચીન સહિતના દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

editor

પંજાબ નેશનલ બેંકે ભારતને આર્થિક મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે…

aapnugujarat

Leave a Comment

URL