Aapnu Gujarat
ગુજરાત

પાર્કિંગ પ્રશ્ને પોલીસ અને નાગરિકો વચ્ચે મારામારી

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ સામે અસરકારક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેને લઇ શહેરમાં કયાંક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા છે. આવા જ એક કિસ્સામાં શહેરના પંચવટી ચાર રસ્તા પાસે નો પાર્કિંગ ઝોનમા કાર ટો કરાતા વાહનમાલિકોએ ટ્રાફિક પોલીસ પર હુમલો કરતાં મામલો બીચકયો હતો. પોલીસ અને નાગરિકો સામસામે આવી ગયા હતા, જેને લઇ વાતાવરણ ગરમાયું હતુ, લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. જો કે, બાદમાં પોલીસે વધારાનો સ્ટાફ અને પોલીસ વાન બોલાવી પોલીસ પર હુમલો કરવાના પ્રકરણમાં બે મહિલા સહિત છ લોકોની અટકાયત કરી હતી. આજે ટ્રાફિક પોલીસે આડેધડ પાર્ક થતાં વાહનો સામે પંચવટીના થર્ડ આઇ કોમ્પ્લેક્સ ખાતે ડ્રાઇવ ચલાવી હતી. પોલીસે નો ર્પાકિંગ ઝોનમાં પડેલા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન વાહનોના માલિકો આવી જતાં તેમણે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોકે વાત અહીંથી ન અટકતાં બંને પક્ષે ઝપાઝપી અને મારામારી થઈ હતી. આ કેસમાં પોલીસે ચાર પુરુષ અને બે મહિલાની અટકાયત કરી હતી. પોલીસે નાગરિકોને ધક્કા મારતાં લોકો વિફર્યા હતા. પોલીસ અને નાગરિકો વચ્ચેની ઝપાઝપીમાં એક-બે શખ્સના શર્ટ અને કપડાં ફાટી ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે વધારાનો સ્ટાફ અને પોલીસ વાન બોલાવી તમામ છ જણાંને અટકાયત કરી તેઓને વાનમાં બેસાડી એલિસબ્રીજ પોલીસ મથક લઇ જવાયા હતા. જયાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોમ્પ્લેક્સ બહાર વાહનો પાર્ક કરનારા લોકોએ દલીલ કરી હતી કે, કોમ્પ્લેક્સમાં વાહનો પાર્ક કરવા માટે ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણે તેઓ બહાર વાહનો પાર્ક કરી રહ્યા છે, જેના કારણે આજે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આમ, પાર્કિંગના મામલે ચાલી રહેલી ઝુંબેશની બીજીબાજુ નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે. આજના બનાવને લઇ એલિસબ્રીજ પોલીસે જરૂરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

aapnugujarat

રિવરફ્રન્ટથી ઉડનાર સી પ્લેન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

aapnugujarat

ગોધરાકાંડ મૃતકોના પરિજનોને ૨૬૦ કરોડની સહાય મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1