Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મેઘમહેર : વેજલપુર ધોવાયું

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ અમદાવાદમાં પણ આખરે આજે ભારે વરસાદ થયો હતો અને કલાકોના ગાળામાં જ અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ પડ્યું હતું. સાંજે કલાકોના ગાળામાં જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ ગઈ હતી. નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નવા પશ્ચિમ ઝોનમાં આવેલા વેજલપુરમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે બોડકદેવમાં બે ઇંચથી વધુ વરસાદ થતાં તમામ જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો મણિનગરમાં બે ઇંચથી વધુ અને વટવામાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો. ઉત્તર ઝોનમાં મેમ્કોમાં અડધા ઇંચથી વધુ વરસાદ થયો હતો. દુધેશ્વરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જો કે, સૌથી કફોડી હાલત વેજલપુરમાં થઇ હતી. આજના વરસાદ સાથે જ અમદાવાદમાં સિઝનનો વરસાદ છ ઇંચ થઇ ગયો છે. હજુ સુધી ચાર ઇંચ જેટલો વરસાદ થયેલો હતો. લગભગ એક મહિના જેટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેખરાજા મોડે મોડે પણ અમદાવાદ શહેર પર આજે જાણે મહેરબાન થયા હતા. આજે અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડતાં અમદાવાદીઓ વરસાદી માહોલને લઇ ખુશખુશાલ બન્યા હતા. લાંબા સમય બાદ ચોમાસાનો ખરો વરસાદ હોય એ રીતે મેઘરાજા મહેરબાન થતાં શહેરીજનોએ બાફ અને ઉકળાટના વાતાવરણમાં રાહત મેળવી હતી અને વરસાદી ઠંડકનો આખરે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે ધોધમાર તોફાની વરસાદને લઇ આજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂર્વના વિસ્તારમાં ફરી એકવાર સોસાયટીઓ-દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો, શહેરના માર્ગો પર ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મણિનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવા પશ્ચિમ ઝોનમાં દોઢથી બે ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં આજના ધોધમાર વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ખુલ્લી પાડી દીધી હતી. અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડયા હતા અને થોડીવાર માટે વરસાદે વિરામ લીધો હતો અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જોરદાર ઠંડો પવન ફુંકાવાની સાથે અને વીજળીના જોરદાર કડાકા અને ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. અમદાવાદમાં લગભગ એક મહિના બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને ધોધમાર વરસાદના વધામણાં કર્યા હતા. સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદમાં માત્ર એક જ કલાકમાં એકથી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસતાં શહેરના એસ.જી.હાઇવે, વેજલપુર, જોધપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તો પહેલા જ વરસાદે ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓ અને દુકાનોમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. પૂર્વના વિસ્તારમાં પહેલા જ અને આટલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી. વરસાદી પાણી ભરાઇ જવાના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જમાલપુર પગથિયા પાસે બિલ્ડીંગ ધરાશયી થતાં બે લોકોને ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તો, શહેરમાં વૃક્ષો ધરાશયી થવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઓ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય ચે કે, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવ છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાત પર મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘમહેર જારી રહેશે. દરમ્યાન હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે. આવતીકાલે તા.૨૦ જુલાઈના રોજ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવમાં વરસાદ પડી શકે છે.

Related posts

ધ્રાંગધ્રા સીટી પોલીસ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ.

editor

SC rejects Asaram Bapu’s bail plea for Sexual assault case in Gujarat

aapnugujarat

અંબાજી ખાતે માં અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

editor

Leave a Comment

UA-96247877-1