Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત અડધુ પાણીમાં : રૂપાણી તંત્ર નિષ્ફળ સાબિત થયું

ગુજરાતમાં હજુ પંદર દાડા પહેલાં લગી પાણીનો કકળાટ હતો ને હવે અચાનક જ પાણીનું શું કરવું તેનો કકળાટ શરૂ થઈ ગયો છે. આમ તો હજુ અડધું ગુજરાત કોરૂંધાકોર છે ને ઉત્તર ગુજરાત તથા અમદાવાદમાં લોકો વરસાદની રાહ જોઈને બેઠાં છે પણ ઝરમરિયા વરસાદ સિવાય કશું પડતું નથી ત્યારે દક્ષિણ ગુજરાત ને કાઠિયાવાડ પાણી પાણી થઈ ગયાં છે. સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં, છાપાળવી ભાષામાં કહીએ તો આભ ફાટ્યું છે ને છેલ્લા પંદર દાડાથી વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી ને વલસાડ ડૂબ્યાં છે તો કાઠિયાવાડમાં જૂનાગઢ ને ગીર સોમનાથ જિલ્લો જળતરબોળ થઈ ગયો છે. મોટા ભાગનાં ગામો પાણીમાં ડૂબી ગયાં છે ને સંપર્ક વિનાનાં થઈ ગયાં છે.
ઘણાં ગામ એવાં છે કે જ્યાં દિવસોથી દસ-દસ ફૂટ પાણી ભરાયેલાં છે ને આ પાણી ક્યારે ઓસરશે એ ખબર નથી કેમ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. હદુ પંદર દાડા પહેલાં જે ડેમ ખાલી હતા એ ડેમ છલકાઈ ગયા છે ને પાણી ગામોમાં ઘૂસીને તબાહી વેરી રહ્યું છે. ટીવી ચેનલો પર બધાં દૃશ્યો જુઓ તો જાણે કોઈ મૂવી જોતા હોય એવું જ લાગે. નજર નાંખો ત્યાં પાણી જ પાણી. હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં લોકોના હાલચાલ પૂછવા હેલિકોપ્ટર લઈને નીકળેલા પણ તેમણે એક વાર તો ડેલે હાથ દઈને પાછા આવવું પડ્યું.
મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉતારી શકાય તેવી જગા જ બચી નથી ત્યાં એ કરે પણ શું ? પહેલી વાર એ લોકોને મળ્યા વિના ઠાલા હાથે પાછા આવી ગયા. જોકે તેમની હિંમતને દાદ દેવી પડે કે, એ એરફોર્સના હેલિકોપ્ટરમાં પાછા ગયા ને લોકોને મળ્યા. જોકે વિજય રૂપાણી એકલા લડી રહ્યા છે ને બધું સરખું કરવા મથી રહ્યા છે પણ મેળ પડતો નથી. એક માણસ બધા મોરચે કઈ રીતે પહોંચી વળે ? રૂપાણીની કેબિનેટના બીજા પ્રધાનો તો ક્યાંય દેખાતા જ નથી કે નથી અધિકારીઓ ક્યાંય દેખાતા. જીવી ના શકાય એવી હાલતમાં લોકો વલખાં મારી મારીને જીવે છે ત્યારે સરકારી તંત્ર ગાંધીનગરમાં બેઠકો કરીને સંતોષ માને છે.
દક્ષિણ ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ ખરેખર તો ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન જ છે. આપણે બહુ જૂની વાત ના કરીએ ને ગયા વરસની જ વાત કરીએ તો આ બધું ગયા વરસનું રી-રન જ છે. ગયા વરસે વરસાદના પહેલા રાઉન્ડમાં કાઠિયાવાડ ઝપટે ચડેલું ને પછી ઉત્તર ગુજરાતનો વારો પડી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠાને સૌથી વધારે માર પડ્યો હતો ને મહિના લગી તો હજુય જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય એવી હાલત હતી. આ પાણીમાં કેટલાં લોકો ઉપર પહોંચી ગયાં ને કેટલાં ઢોર ડૂબી મર્યાં તેનો અંદાજ હજુ નથી મળ્યો ને માલમિલકતની તો વાત જ થાય એવી નથી કેમ કે આખેઆખાં ગામડાં ડૂબી ગયાં હતાં.
થરા પાસેના ખારિયા ગામમાં એક જ પરિવારનાં ૧૭ લોકો ડૂબીને મરી ગયાં હતાં. એ લોકો ત્રણ દાડાથી મદદ માગતાં હતાં છતાં તેમને સમયસર મદદ ના મળી. એ લોકો રહેતાં હતાં એ વિસ્તાર વીસ ફૂટ પાણીમાં ડૂબી ગયેલો ને ત્રણ દાડાથી એ લોકો મેસેજ મોકલીને પોતાને બચાવવા માટે કહ્યા કરતાં હતાં પણ બહેરા કાને અથડાઈને વાત પાણીમાં જતી રહેતી. આ પ્રકારની સ્થિતિ સંખ્યાબંધ ગામોમાં સર્જાઈ હતી ને વરસાદ બંધ થયો તેના અઠવાડિયા પછી પણ આપણને લશ્કર ક્યાં લડે છે તેની ખબર નહોતી પડી. બનાસકાંઠાના ધાનેરા ને થરા વિસ્તારોમાં તો આખેઆખા બબ્બે હાથી ડૂબી જાય એટલાં પાણીમાં ગામેગામ ડૂબી ગયાં હતાં ને પાણી ઓસર્યાં પછી આ ગામોમાં ધરબાયેલી લાશોના ઢગ જોઈને કમકમાટી થઈ જતી હતી. મહિનાઓ લગી આ ગામોમાં પાણી ભરાયેલાં હતાં ને લોકો નર્કથી બદતર જિંદગી જીવતાં હતાં. ધાનેરા વેપાર-ધંધાથી ધમધમતું ગામ હતું ને ત્યાં બધું ચોપટ થઈ ગયું હતું. માર્કેટ યાર્ડમાં હજારો ટન અનાજ સડી ગયું ને ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયેલું. બીજાં ગામોમાં પણ આ જ હાલત હતી. હજારો લોકો બેઘર બની ગયેલાં. નીચે ધરતી, ઉપર આસમાન ને બાકી ભગવાનનો ભરોસો, આ હાલમાં લોકો જીવતાં હતાં. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે મક્કમતા બતાવેલી ને પોતે બનાસકાંઠામાં ઊતરી પડેલા પણ બાકીનું તંત્ર સાવ પાણી વિનાનું સાબિત થયેલું. આ અનુભવ તાજો જ છે ને ગયા વરસનો જ છે છતાં આ વખતે એવી જ હાલત છે.
આ હાલત જોઈને ચિંતા થાય છે કે, અત્યારે આ હાલત છે તો ચોમાસું બરાબર જામશે ત્યારે શું થશે ? હજુ તો ચોમાસું જોઈએ એવું જામ્યું નથી, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત સાવ કોરાંધાકોર છે છતાં સરકારી તંત્રની પોલ ખૂલી ગઈ છે. આ સંજોગોમાં આવતા વરસની જેમ ઉત્તર ગુજરાતમાં પણ દેમાર વરસાદ થાય કે બે વરસ પહેલાં મધ્ય ગુજરાતમાં પડેલો એવો વરસાદ પડે તો શું હાલત થાય ? વધારે આઘાત તો એ જોઈને લાગે કે હજુ બે મહિના પહેલાં તો ગુજરાત સરકારે વરસાદી આફતને પહોંચી વળાય ને વરસાદી પાણી વેડફાઈ ના જાય એટલે મોટા ઉપાડે જળસંચય અભિયાન હાથ ધરેલું. ગુજરાતમાં ઉનાળો શરૂ થયો એ પહેલાંથી પાણીનો કકળાટ શરૂ થઈ ગયેલો. એ વખતે હવામાન વિભાગે આગાહી કરેલી કે, આ વખતનો ઉનાળો બહુ આકરો હશે તેથી ગુજરાતમાં ઉનાળો કઈ રીતે પાર પડશે એ સવાલ પુછાવા લાગેલો.
ગુજરાતની ભાજપ સરકારને પહેલાં પાણી પતી જવામાં છે એ વાતનું ભાન નહોતું પણ પાણીનો કકળાટ વધ્યો પછી પોતે સાવ હાથ પર હાથ મૂકીને બેસી નથી રહ્યા એ બતાવવા તેમણે જળસંચય અભિયાનનું નાટક શરૂ કરેલું. જળસંયચ અભિયાન હેઠળ વિજય રૂપાણી સરકારે આખા ગુજરાતમાં જળાશયો ઊંડાં કરવાનાં કામ શરૂ કરાવ્યાં હતાં. એ વખતે એવો દાવો કરાયેલો કે, જળાશયો ઊંડાં કરાશે તો તેના કારણે ભવિષ્યમાં ફાયદો થશે ને વરસાદી પાણી સચવાશે. આ વાત એક તુક્કાથી વધારે કંઈ નહોતી પણ આપણે ત્યાં પ્રચારનો મારો ચલાવીને તમે ગમે તેવી ફાલતુ વાતને પણ મોટી કરી શકો. રૂપાણી સરકારે પણ એ જ કર્યું ને હઈસો હઈસો કરીને બધા મચી પડેલા. ભાજપના નેતાઓ તો તેમાં જોડાય જ પણ જેમને સરકારમાં બેઠેલા લોકોની ચાપલૂસી કરવામાં રસ છે એ બધા પણ મચી પડેલા. તેના કારણે એવો માહોલ પેદા કરી દેવાયેલો કે આ વખતે ચોમાસામાં કંઈ વાંધો નહીં આવે ને વરસાદી પાણી બધું જળાશયોમાં સચવાશે. હવે વરસાદ શરૂ થયો છે ત્યારે શું હાલત છે એ કહેવાની જરૂર નથી. ગુજરાતમાં હજુ તો સીઝનનો અડધો વરસાદ પણ પડ્યો નથી ત્યાં તો સરકારી તંત્ર હાંફી ગયું છે ને લોકો ભગવાન ભરોસે જીવતાં થઈ ગયાં છે. જળસંચય અભિયાનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુજરાત ઠેરનું ઠેર છે ને લોકોની હાલતમાં એક ટકો પણ ફરક પડ્યો નથી.
આ ફરક કેમ પડ્યો નથી એ કહેવાની જરૂર નથી. આપણે ત્યાં સરકાર જે કામ હાથ ધરે એ બધાં સરકારી રાહે જ ચાલતાં હોય છે ને તેમાં પૈસા ચવાઈ જવા સિવાય કશું થતું નથી. કાગળ પર બધું રૂડુંરૂપાળું બતાવી દેવાનું ને આંકડાની માયાજાળ રચી દેવાની, બાકી રામ રામ. જળસંચય અભિયાનમાં પણ એવું જ થયું છે. રૂપાણીએ પોતે આ અભિયાનમાં લાલિયાવાડી ચલાવવા બદલ સરકારી અધિકારીઓને તતડાવી નાંખેલા ને તેના પરથી જ કેવું કામ થયું હશે એ સમજી જાઓ.
ખેર, જે ગયું એ ગયું પણ આ મામલે સરકારે ગંભીર બનવાની જરૂર છે. આ રીતે સરકારી તંત્રના ભરોસે અભિયાનો ચલાવવાના બદલે આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તેવાં પગલાં લેવાં જોઈએ. એ કામ ગાંધીનગરમાં બેઠેલા લોકોથી થવાનું નથી. એ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ ધંધે લગાડવી પડે. એ થાય તો આવતા ચોમાસે ફરી આ કકળાટ ના થાય ને ગમે તેટલો વરસાદ પડે તોય નિરાંતે જીવી શકે. રૂપાણી બીજું કશું ના કરે ને તેમના મુખ્યમંત્રીકાળમાં આટલું કરી જાય તોય લોકો તેમને યાદ કરશે.(જી.એન.એસ)

Related posts

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

સંસદમાં બેમાંથી બહુમતિ સુધીની ભાજપની વિશિષ્ટ સફર

aapnugujarat

સત્ય વચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1