Aapnu Gujarat
Uncategorizedગુજરાતતાજા સમાચાર

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૯ ઇંચ સુધી વરસાદ

અમદાવાદ,તા. ૧૨
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તેની વાત કરવામાં આવે તો સુરતમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે જ્યારે તાપી જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અહીં વ્યારામાં આઠ ઇંચથી વધુ વરસાદ, વાલોડમાં સાત ઇંચથી વધુ વરસાદ, સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. વલસાડની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. અવિરત વરસાદ જારી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ જોરદાર ધડબડાટી બોલાવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને પંથકોને મેઘરાજાએ જાણે બારે મેઘ ખાંગા કરી ઘમરોળી નાંખ્યા છે. અમરેલી,રાજકોટ, જાફરાબાદ સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેને પગલે આ પંથકોમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. રાજકોટ જિલ્લામા શાપર વેરાવળ, રિબડા, ગોંડલ તાલુકાના અમુક વિસ્તારમા માત્ર એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. રાજકોટ ઉપરાંત જસદણ, આટકોટ, કોટડાસાંગાણી પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ ધોધમાર વરસાદ પડતા એકથી દોઢ ઇંચ નોંધાયો હતો.
જાફરાબાદ તાલુકાના હેમાવ છેલાણ સહિતના ગામોમાં મૂશળધાર ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ઉભરાયા હતા. ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા જિલ્લામાં પણ સરેરાશ નવ ઇંચથી વધુ વરસાદ નોંધાતા કેટલાક પંથકોમાં ભારે તારાજી સર્જાઇ હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરના સંખેડા તાલુકાનું કાંટેશ્વર ગામ બેટમાં ફેરવાતાં સંપર્કવિહોણું બન્યું હતું. વડોદરા સિવાય પાદરા, કરજણ, ડભોઇ, વાઘોડિયા સહિતના પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં વધુ પડતી મહેર વરસાવતાં અહીંના લોકો હવે ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે.
સુરતમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર ૪ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગરનાળાઓમાં કેડસમા પાણી ભરાઈ જતા તે બંધ કરવાની ફરજ પડી હતી. અગમચેતીના પગલારૂપે સુરતના કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને ખાનગી શાળાઓને પણ રજા રાખવા સુચન કરવામાં આવ્યું હતું. સુરતના નાના વરાછા વિસ્તારમાં એક સોસાયટી પાસે ભરાયેલા પાણીના પ્રવાહમાં એક મોટી દિવાલ ગણતરીની સેકન્ડોમાં ધરાશયી થઇ જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમ્યાન વાપીથી શમલાજી જતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર મલોઠા ગામ પાસેનો એપ્રોચ ધરાશાયી થયો હતો.
ઝાંખરી નદીના બ્રિજ પર પણ દુર્ઘટના સર્જાઈ હતી. વ્યારાથી ઉનાઈ જતા નેશનલ હાઇવે નંબર ૫૬ના મલોઠા ગામે ઝાંખરી નદીનો એપ્રોચનો એક ભાગ ધરાશયી થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તો, નેશનલ હાઇવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદમાં આ રૂટનો તમામ વાહનવ્યવહાર વ્યારા વાલોડથી બેડચિત તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. ભારે વરસાદના કારણે મોતનો આંકડો વધીને ૧૯ ઉપર પહોંચી ગયો છે. દક્ષિણ, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ચારેબાજુ ભારે વરસાદ નોંધાયો છે.

૧૯૫ રસ્તાઓ બંધ કરવાની ફરજ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહેવાના પરિણામ સ્વરુપે આજે વલસાડની ઓરંગા અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવી ગયા છે જેથી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. વલસાડમાં એનડીઆએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ૧૯૫ રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્રણ સ્ટેટ અને એક નેશનલ હાઈવેનો આમા સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અતિ ભારે વરસાદ અને ઉપરવાસના નવા નીરના કારણે ઓરંગા નદી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિત સર્જાતા રસ્તાઓ બંધ થઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અલગ-અલગ રસ્તાઓ પર પાણી ફરી વળતા સુરતમાં ૨૬, તાપીમાં નેશનલ હાઈવે સહિત ૫૨, નવસારીમાં સ્ટેટ હાઈ વે સહિત ૭૭, વલસાડના ૨૧ અને ડાંગના બે સ્ટેટ હાઈવે સહિત ૧૯ રસ્તાઓ મળી કુલ ૨૦૦થી વધુ રોડ-રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેને લઇ આ માર્ગો પરનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે, તો સ્થાનિક જનજીવન પણ ઠપ્પ થઇ ગયું છે. દસથી વધુ ગામોમાં તો વીજપુરવઠો પણ નથી. આ જ પ્રકારે નવસારીના ઉપરવાસમાં છેલ્લા ૨૪ કલાકથી વરસતા વરસાદને લઈને ગણદેવી તાલુકાની અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્રએ તમામ અધિકારીઓને પણ એલર્ટ કરી દીધા હતા. તો સાથે સાથે એનડીઆરએફની ૩ ટીમો સ્ટેન્ડ બાય તરીકે ઉતારી દીધી હતી. ગુજરાતમાં વરસાદ સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધીને ૧૯ ઉપર પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા લોકો પણ આવી ગયા છે.

હજુય ભારે વરસાદની ચેતવણી
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામં આવી છે જેથી તંત્રને હજુ તમામ સાવધાની રાખવી પડશે. અનેક જગ્યાએ ઘુંટણ સમાન પાણી છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્‌ ગુજરાત અને ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવતરીતે રહી શકે છે. ગોંડલ પંથકમાં આજે જોરદાર વરસાદ થયો હતો જેથી ગોંડલના નેશનલ હાઈવે પર સ્થિત ભુનાવા, ભરુડી સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. વલસાડ, નવસારી, ગીરસોમનાથ, જુગનાઢ, કચ્છના જુદા જુદા ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. હળવા વરસાદી ઝાપટા ગુજરાતના અન્ય ભાગોમાં પણ જારી રહી શકે છે. આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે.

Related posts

साल अस्पताल को केन्टीन बंद करने म्युनि नोटिस देने की तैयारी में हैं

aapnugujarat

जेपी नड्डा को बनाया गया बीजेपी कार्यकारी अध्यक्ष

aapnugujarat

શિહોરી – દિયોદર હાઈ-વે પર અકસ્માત : યુવાનનું મોત નિપજ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1