બુંદેલખંડના હમીરપુર જિલ્લામાં એક ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડનું માથે બંદૂક તાકીને લગ્નના મંડપથી અપહરણ કરી લીધુ છે. છોકરીએ કહ્યુ કે, ’આ છોકરો મને પ્રેમ કરે છે… મારી સાથે કપટ કરીને લગ્ન કરી રહ્યો છે.. હું તેને આ લગ્ન નહીં કરવા દઉ.’ ત્યારબાદ છોકરી સાથે આવેલા તેમના સાથી વરરાજાને ઉઠાવીને લઇ ગયા જેના કારણે લગ્નના મંડપમાં રોકકળ મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અશોક યાદવ બાંદામાં નોકરી કરે છે અને તેની સાથે કામ કરતી છોકરી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો. બંનેએ એકબીજાને લગ્ન કરવાનું વચન પણ આપ્યુ હતુ. કેટલાક લોકોનું કહેવું પણ છે કે ચોરી-છૂપે લગ્ન કર્યા બાદ તેઓ સાથે રહેવા પણ લાગ્યા હતા. પરંતુ પરિવારજનોના દબાણના કારણે અશોક બીજા લગ્ન કરવા જઇ રહ્યો હતો. તેની જાણકારી અશોકની ગર્લફ્રેન્ડને થઇ તો તેણી કેટલાક મિત્રો સાથે સ્કોર્પિયોમાં હમીરપુરના ભવાનીપુર ગામમાં સીધી લગ્ન મંડપમાં પહોંચી અને છોકરાને બંદૂક બતાવીને તેનું અપહરણ કરી લીધુ હતુ.વરરાજાનું અપહરણ થવાથી ત્યાં રોકકળ મચી ગઇ હતી. દુલ્હન ભારતી યાદવ ધ્રૂસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.
દુલ્હને કહ્યુ કે ભગવાન કોઇ બીજા સાથે આવું ન કરે. ભારતી પોતાના નસીબની સાથે સાથે ગર્લફ્રેન્ડને પણ કોસી રહી હતી. જ્યારે લગ્નમાં આવેલા મહેમાનોએ સમગ્ર ઘટના જાણી તો તે લોકો પણ બે ગ્રુપમાં વહેંચાઇ ગયા. એક ગ્રુપ કહી રહ્યુ હતુ કે કળિયુગ આવી ગયો છે કારણ કે સ્ત્રીઓ બંદૂક લઇને અપહરણ કરવા લાગી છે. ત્યારે કેટલાક લોકો બોલ્યા કે બુંદેલખંડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ધરતી છે. છોકરીએ તે કપટીને સારો પાઠ ભણાવ્યો.વરરાજા અશોક યાદવના પિતાએ કહ્યુ ’આમાં ચોક્કસ કંઇ ગડબડ હતી કારણ કે જ્યારે પણ તેઓ અશોકને મળવા બાંદા જતા તો તે બહારથી જ જમાડીને મોકલી દેતો હતો.’ વરરાજાના અપહરણ બાદ દુલ્હનના ઘરના લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે માહિતી મેળવીને તે છોકરા અને છોકરીની શોધખોળ હાથ ધરી છે.હમીરપુરના એસએસપી બ્રજેશ કુમાર મિશ્રાએ છોકરીના પરિવારજનોને ભરોસો અપાવ્યો કે તેમની દિકરી સાથે અન્યાય નહીં થાય. પરંતુ લોકોની અંદરોઅંદરની ચર્ચાથી જાણવા મળ્યુ કે પોલીસ પણ ગર્લફ્રેન્ડનો જ પક્ષ લઇ રહ્યા હતા. લોકોએ જણાવ્યુ કે પોલીસવાળાઓનું પણ માનવું છે કે છોકરીએ કર્યુ તે યોગ્ય છે કેટલીક છોકરીઓ પણ આવી બની જાય તો છોકરાઓમાં દગો કરવાની હિંમત ન આવે.