વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકા જઇ રહ્યા છે. મોદી પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત પણ કરશે. ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ જૂન માસમાં વડાપ્રધાન મોદી પહેલી વખત અમેરિકા જશે.મોદી હ્યુસ્ટન પણ જશે અને અહીં તેઓ ૨૦૧૪માં મેડિસન સ્ક્વેયરની તર્જ પર એક મેગા પબ્લિક ઈવેન્ટમાં ભાષણ આપે તેવી શક્યતા છે. અમેરિકા ખાતેની ઈન્ડિયન કમ્યુનિટીએ આના માટે મોદીને વિનંતી કરી છે. ફેબ્રુઆરી માસમાં મોદીને ભારતીય મૂળના અમેરિકનોનું એક પ્રતિનિધિમંડળ મળ્યું હતું. અંગ્રેજી અખબાર દ્વારા હ્યુસ્ટન ખાતે મોદીના કાર્યક્રમ સંદર્ભે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં દિલ્હી અને વોશિંગ્ટનના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન ટેક્સાસના હ્યુસ્ટન શહેર પણ જાય તેવી શક્યતા છે.મહત્વપૂર્ણ છે કે ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા બાદ ટેક્સાસમાં પણ સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. અહીંના ઈન્ડિયન કમ્યુનિટીના આગેવાનોએ મોદીને અપીલ કરી છે કે તેઓ હ્યુસ્ટનમાં પણ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર જેવી ઈવેન્ટમાં સામેલ થાય. ન્યૂયોર્ક ખાતે મેડિસન સ્ક્વેર ખાતે ૨૦૧૪માં મોદીએ મેગા ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. ૨૦૧૫માં મોદી અમેરિકા ગયા હતા અને ત્યારે સિલિકોન વેલીમાં મેડિસન સ્ક્વેર જેવી મેગા પબ્લિક ઈવેન્ટમાં સંબંધોન કર્યું હતું. હ્યુસ્ટનની ઈન્ડિયન કમ્યુનિટીએ આ કાર્યક્રમને પણ મોદીને કરેલી વિનંતીમાં ટાંકી છે. ફેબ્રુઆરી માસમાં મોદીને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ હ્યુસ્ટન આવે અને ઈન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં ભાષણ આપે.ટેક્સાસમાં લગભગ ૨.૫ લાખ ભારતીય મૂળના અમેરિકન વસવાટ કરે છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન માર્ચ માસમાં અમેરિકા ગયા હતા. અમેરિકાના ઊર્જા સચિવ રિક પેરીએ ધર્મેન્દ્ર પ્રધાનને વિનંતી કરી હતી કે તેઓ મોદીની ટેક્સાસ મુલાકાત નક્કી કરાવે. રિક પેરી પણ ટેક્સાસમાંથી આવે છે અને ટેક્સાસ અમેરિકાની પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીનું હબ છે. રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન હ્યુસ્ટનમાં નાસાના જોનસન સ્પેસ સેન્ટરની મુલાકાતે જાય તેવી શક્યતા છે. મોદી સ્પેસ ડિપ્લોમસીમાં ખાસો રસ ધરાવે છે. ભારત અને અમેરિકા ૨૦૨૧માં જોઈન્ટ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ભાજપના એક નેતાને ટાંકીને કહ્યું છે કે મોદીની હ્યુસ્ટન મુલાકાતને લઈને ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો છે અને પીએમઓ આગામી સપ્તાહ સુધીમાં તેના પર આખરી નિર્ણય કરે તેવી શક્યતા છે.આ મુલાકાતને લઈને સમય ઓછો હોવાથી ઝડપથી નિર્ણય કરવો પડશે તેવું પણ ભાજપના નેતાએ જણાવ્યું છે. આ ઈવેન્ટના કોઓર્ડિનેશન માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની એક ટીમ આગામી સપ્તાહે અમેરિકા જાય તેવી શક્યતા છે. મોદીની અમેરિકાની મુલાકાત જૂન માસના આખારી સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે અને તેનું એલાન મે માસના આખરના થવાની શક્યતા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ કો-ઓપરેશન અને આતંકવાદ સિવાયના અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ફોસિલ ફ્યૂલ પર ભારત અને અમેરિકા સાથે મળી કામ કરે તેવી શક્યતા છે. ટ્રમ્પ નિકાસમાં વધારો કરવા ચાહે છે અને વિદેશી કંપનીઓ દ્વારા અમેરિકામાં રોકાણ થાય તેવી કોશિશો પણ કરવા માંગે છે. તેના સિવાય નોકરીઓમાં અમેરિકનોને પ્રાથમિકતા મળે તેવી નીતિને ટ્રમ્પ આગળ વધારવા માંગે છે.