દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીના કેસમાં ઉલટ તપાસ દરમ્યાન આજે દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. કેજરીવાલ અને એએપીના અન્ય કાર્યકરો સામે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા ૧૦ કરોડ રૂપિયાના બદનક્ષીના કેસમાં જેટલીના નિવેદનની નોંધણી કરી શકાઈ ન હતી કારણ કે પ્રધાને તેમની સામે ઉપયોગ કરવામાં આવેલા શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી તરફથી કેસ લડી રહેલા જાણીતા વકીલ દ્વારા તેમની સામે શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. નાણામંત્રી જોઈન્ટ રજિસ્ટ્રાર દિપાલી શર્મા સમક્ષ ઉપસ્થિત થયા હતા. કેજરીવાલ તરફથી મળેલા સૂચન મુજબ આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેવો પ્રશ્ન જેટલીએ કર્યો હતો. જેટલીએ કહ્યું હતું કે કેજરીવાલ સામે આરોપોને લઈને તેઓ સંપૂર્ણપણે મક્કમ છે. જેટલી તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ રાજુ નાયર અને સંદીપ શેટ્ટીએ કહ્યું હતું કે જેઠમલાણી બિનજરૂરી પ્રશ્નો કરી રહ્યા છે. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આ મામલો અરૂણ જેટલી અને કેજરીવાલ વચ્ચેનો છે. જેઠમલાણી અને અરૂણ જેટલી વચ્ચેનો નથી. આના જવાબમાં જેઠમલાણીએ કહ્યું હતું કે કેજરીવાલના સૂચન ઉપર આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. જેટલીએ કેજરીવાલ અને એએપીના પાંચ નેતાઓ સામે ૧૦ કરોડનો દાવો માંડ્યો હતો. કેજરીવાલ ઉપરાંત કુમાર વિશ્વાસ, આસુતોષ, સંજયસિંહનો સમાવેશ થાય છે.