રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત પ્રવેશ કાર્યવાહીમાં રોજ ને રોજ કંઇક ને કંઇક ફરિયાદો, ગોટાળા અને છબરડા બહાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ મંૂઝવણમાં મૂકાયા છે તો ડીઇઓ સહિતના સરકારના સત્તાવાળાઓ પણ આ વ્યાપક ફરિયાદોને લઇ માથું ખંજવાળવા મજબૂર બન્યા છે. છેલ્લા બે ચાર દિવસમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા સત્તાવાળાઓએ પ્રવેશ ફાળવણી કરી હોવાછતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો, એ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગોતાની એક શાળામાં વાલીઓ પોતાના બાળકોના આરટીએક એકટ હેઠળ ફાળવાયેલો પ્રવેશ મેળવવા ગયા ત્યારે ત્યાં તો શાળા બંધ થઇ ગઇ હોવાના પાટિયા લટકતા હતા. સ્કૂલને બંધ થયેલી જોઇ વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા. આ સમગ્ર મામલો વાલીઓ તરફથી સત્તાવાળાઓને રજૂઆત કરાઇ છે અને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સમાવવા માંગણી કરી છે. રાજય સરકાર દ્વારા આરટીઇ એકટ અંતર્ગત આ વર્ષે ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન અરજી મળ્યા બાદ તેઓને નજીકની સ્કૂલમાં પ્રવેશ ફાળવવા ગુગલ મેપનો ઉપયોગ કરાયો હતો. ગુગલ મેપના ઉપયોગ પછી પણ અનેક વિદ્યાર્થીઓને તેમના ઘરથી નજીકના અંતરે આવેલી હોય તેવી શાળામાં પ્રવેશના બદલે દૂરની શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. જેને લઇ વાલીઓમાં ઉગ્ર રોષ પણ ફેલાયો હતો. ત્યારબાદ સત્તાવાળાઓ દ્વારા પ્રવેશ ફાળવણી કરી દેવાઇ તો, કેટલીક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવાનો જ સાફ ઇનકાર કરી દીધો, જને લઇ નવો વિવાદ જાગ્યો. આ મામલે પણ વ્યાપક ફરિયાદો ડીઇઓ સત્તાવાળાઓ સમક્ષ થઇ. આ વિવાદ હજુ ચાલુ જ છે ત્યાં તો, આજે કંઇક અલગ જ છબરડો સામે આવ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને સત્તાવાળાઓ દ્વારા શહેરના ગોતા વિસ્તારમાં આવેલી આત્મન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેથી વાલીઓ આજે આત્મન સ્કૂલ ખાતે તેમના બાળકોને પ્રવેશ અપાવવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં જોયું તો, બીજી જ કોઇ સ્કૂલના બોર્ડ મારેલા હતા. વાલીઓએ શાળામાં જઇ તપાસ કરી તો, ચોંકાવનારી હકીકત સામે આવી કે, આત્મન ઇન્ટરનેશનલ સ્કૂલ તો ચાલુ શૈક્ષણિક વર્ષથી બંધ કરી દેવાઇ છે. આ હકીકત જાણી વાલીઓ કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. વાલીઓએ આ મામલે ડીઇઓ સત્તાવાળાઓને રજૂઆત કરી બાળકોને અન્ય સ્કૂલમાં પ્રવેશ ફાળવવાની માંગણી સાથેની તજવીજ હાથ ધરી છે.
આગળની પોસ્ટ