Aapnu Gujarat
ગુજરાત

નવસારીમાં ૯ ઇંચ વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. ગુજરાત ક્ષેત્રમાં મોનસુન હવે જોરદારરીતે સક્રિય થઇ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. હજુ અપરએર સાયક્લોનની સ્થિતિ પ્રવર્તી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીમાં ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. ગણદેવીમાં છ, ચિખલીમાં છ, જલાલપોરમાં ૯.૫ ઇંચ વરસાદ પડ્યો છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. મુંબઈ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં મેઘરાજાની છેલ્લા બે દિવસથી ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. જેનો પ્રભાવ નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. રાજયમાં આજે સૌથી વધુ નવ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નવસારી નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. બીજીબાજુ, સારા વરસાદને પગલે નવસારી, બિલીમોરા, ગણદેવી, વિજલપોર સહિતના પંથકોના ધરતીપુત્રોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. છે. તો, ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના શહેરી વિસ્તારોમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રોજીંદા કામે નીકળતા નોકરીયાતવર્ગ અને વિદ્યાર્થીઓ પાણીના ભરાવાના કારણે હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા. નવસારી બાદ વડોદરામાં પણ ત્રણથી ચાર ઇંચ અને સુરત-વલસાડમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સ્થાનિક વિસ્તારોમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડયું હતું. તો, રાજયમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, સાબરકાંઠા, દાહોદ, લીમખેડા, દેવગઢબારિયા, ભરૂચ, નડિયાદ, બોરસદ,આણંદ, માંગરોળ, પંચમહાલ, હાલોલ-કાલોલ સહિતના અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ગુજરાતમાં તા.૭મી જૂલાઇ સુધી રાજયમાં સારા અને ભારે વરસાદની શકયતા દર્શાવતી નવી સીસ્ટમ સક્રિય થતાં હવામાન ખાતાએ તેને લઇને આગામી દિવસોમાં રાજયના વિવિધ ક્ષેત્રો અને ભાગોમાં સારા અને ભારે વરસાદની આગાહી પણ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સરકયુલેશન અને દક્ષિણ પાકિસ્તાનથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન સુધી સાયકલોનિક સરકયુલેશન સીસ્ટમ સક્રિય થઇ છે, જેને પગલે સારા વરસાદના એંધાણ મળ્યા છે. હવામાનખાતાએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સીસ્ટમના કારણે ૪૫થી ૫૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી પણ કરાઇ છે અને તેથી માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના અપાઇ છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર રાજયમાં વરસાદનું આગમન થતા ચોમાસાનો આરંભની સાથે નવસારી જિલ્લામાં સરેરાશ ૯ ઈંચથી વધુ વરસાદ ખાબકતા નવસારી શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં મોટાભાગના વિસ્તારો ઠંડા પાણીમાં ગરકાવ બન્યા હતા. વરસાદી પાણીને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે વરસાદને પગલે નવસારી વહીવટીતંત્રએ તમામ સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ જારી કરી દીધી હતી. સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરીઓ થાય એવા આદેશો આપ્યા હતા. નવસારી જિલ્લાના ૫૨ કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ જારી કરવામાં આવી હતી. દરમ્યાન વડોદરા શહેરમાં ગત રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો હતો. વડોદરા શહેરમાં ૩થી ૪ ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે વડોદરા જિલ્લાના ડભોઇ અને કરજણમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. તો, સાવલી, ડભોઇ, કરજણ, વાઘોડિયા, શિનોર અને પાદરામાં સહિતના તાલુકાઓમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં વરસાદને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં અને ઘેર પરત ફરવામાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સિવાય રાજયમાં આજે સુરત, તાપી, ભરૂચ, દાહોદ, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, સહિતના જિલ્લાઓ અને ત્યાંના પંથકોમાં સારો વરસાદ નોંધાયો હતો.

Related posts

સીનીયર સિટીઝન્સ પ્રવાસી જુથો બનાવીને શ્રવણ તીર્થ યોજના હેઠળ યાત્રા કરવાનો ધર્મ લાભ મેળવે : ખેલ રાજ્યમંત્રી

aapnugujarat

સુરતમાં સાઢુએ સાઢુને પતાવી દીધો

aapnugujarat

૫૦૦થી વધુ લોકોએ જમનાબાઇ હોસ્પિટલ ખાતે રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા વિતરણનો લાભ લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1