કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેના ભાગરૂપે દેશમાં ન્યુક્લિયર પાવર જનરેશનને વધારવાના હેતુસર કેન્દ્રિય કેબિનેટે ૧૦ સ્વદેશી પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએકટરોના નિર્માણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી હતી. દરેક રીએકટરની ક્ષમતા ૭૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની રહેશે. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આ અંગેની માહિતી આપતા આજે કહ્યું હતું કે કુલ ૭૦૦૦ મેગાવોટની ક્ષમતા ઉમેરવામાં આવશે. આનાથી ક્લીન એનર્જીનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે. બીજી બાજુ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં થર્મલ પાવર સેકટરમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે કેન્દ્રિય કેબિનેટે આજે નવી કોલ લીન્કેજ પોલિસી (શક્તિ)ને મંજુરી આપી હતી. નવી પોલિસીનો હેતુ પાવર કંપનીઓને લાંબા ગાળે કોલસા લીન્કેજની હરાજીનો રહેલો છે. આ પોલિસીથી દેશમાં ૩૦,૦૦૦ મેગાવોટના પાવર પ્લાન્ટને પુનઃ સજીવન કરવામાં મદદ મળશે. ફ્યુઅલ સપ્લાયની રાહ હાલમાં જોવામાં આવી રહી છે. પ્રાઈવેટ સેકટરમાં મોટા લાભ પણ દેખાઈ રહ્યા છે. જેમાં રિલાયન્સ પાવર, અદાણી પાવર, બજાજ હિન્દુસ્તાન, જિન્દાલ પાવરનો સમાવેશ થાય છે. નવી પોલિસી હેઠળ કોલ લીન્કેજ નિયુક્ત સરકારી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને આપી દેવામાં આવશે. આનાથી જોરદાર ફાયદો થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી આના ઉપર ચર્ચા ચાલી રહી હતી. બીજી બાજુ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. કેબિનેટે મેટરનિટી લાભ સાથે સંબંધિત કાર્યક્રમને મંજુરી આપી દીધી છે. સગર્ભા મહિલાઓને ૬૦૦૦ રૂપિયા ઉપલબ્ધ કરાવવાનો હેતુ રહેલો છે. કેબિનેટની બેઠક બાદ આ અંગેની માહિતી આપતા વીજળી મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતંું કે સગર્ભા મહિલાને ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જે મહિલા પ્રથમ વખત બાળકને જન્મ આપવા જઈ રહી છે તે મહિલાને આ લાભ આપવામાં આવશે. આ ૬૦૦૦ રૂપિયા પૈકી ૫૦૦૦ રૂપિયા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવનાર છે. ગોયલે કહ્યું હતું કે પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહેલી મહિલાઓ માટે આ સ્કીમ રાખવામાં આવી છે. પાયલોટ સ્કીમ પ્રથમ બે બાળકોના જન્મ માટે લાગુ થશે. સગર્ભા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાંથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ત્રણ તબક્કામાં રૂપિયા ૫૦૦૦ની રોકડ સહાયતા મેળવી શકશે. માતાને પહેલા સગર્ભાવસ્થાની નોંધણી બાદ ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે બે હજાર રૂપિયા સગર્ભાવસ્થાના છ મહિના બાદ ચેકઅપ દરમિયાન આપવામાં આવશે. જ્યારે બીજા બે હજાર રૂપિયા બાળકના જન્મની નોંધણી કરવામાં આવ્યા બાદ આપવામાં આવશે.
બીસીજી, ઓપીવી, ડીપીટી અને અન્ય રસી બાળકને અપાવતી વેળા સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ તમામ લાભ મહિલાઓ માટે જારી રહેશે. સંસ્થાકીય ડિલિવરી બાદ પ્રવર્તમાન કાર્યક્રમ હેઠળ આ લાભ આપવામાં આવશે. ગયા વર્ષે ૩૧મી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રને નામ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવર્તમાન ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાના પાન ઈન્ડિયા વિસ્તરણની જાહેરાત કરી હતી. પ્રવર્તમાન ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના વર્ષ ૨૦૧૦ બાદથી પાયલોટ આધાર ઉપર ૫૬ જિલ્લાઓમાં અમલી કરવામાં આવી ચુકી છે.