Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ૩ ઈંચ વરસાદથી પાણી પાણી

ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઇ છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયા બાદ વડોદરામાં પણ આજે એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વડોદરાના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં તો વરસાદી પાણી સોસાયટીઓ, ઘરો-દુકાનોમાં ફરી વળ્યા હતા. વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લાના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભરુચમાં ધોધમાર વરસાદ વચ્ચે ઝઘડિયામાં ટ્રેક્ટર પલટી જતાં અફડાતફડી મચી ગઈ હતી. બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદના પગલે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જુદા જુદા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં એનડીઆરએફની ટીમોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં ચાર, સુરતમાં એક, અમરેલીમાં ૧, ગાંધીનગરમાં ત્રણ, હિંમતનગરમાં એક ટીમ ગોઠવી દેવામાં આવી છે. વલસાડમાં સતત વરસાદ થઇ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી ૪૮ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી મુજબ, વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને બપોરે દોઢેક વાગ્યાની આસપાસ તો ઠંડો પવન ફુંકાવાની સાથે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદ શરૂ થતાં જ શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા પરંતુ વરસાદની તીવ્રતા જોરદાર હતી અને માત્ર એક કલાકમાં જ વડોદરામાં ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. મેઘરાજાએ જાણે એક જ કલાકમાં તોફાની વરસાદથી વડોદરાને ઘમરોળી નાંખ્યું હતું. ત્રણ ઇંચ વરસાદને પગલે વડોદરાના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો, ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો પણ ભારે હાલાકીમાં મૂકાયા હતા. ભારે વરસાદને પગલે વડોદરા શહેરના માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, આજવા રોડ, હરણી રોડ, મુક્તાનંદ ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ચોમાસાની ઋતુના પ્રથમ ધોધમાર વરસાદે વડોદરા મહાનગર સેવા સદનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. તોફાની વરસાદના કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અને ઇલેક્ટ્રીક પોલ તૂટી પડયાની પણ સંખ્યાબંધ ફરિયાદો સામે આવી હતી. જો કે, ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદને શહેરીજનોએ મનમૂકીને માણ્યો હતો. નાના બાળકોથી લઇ મોટા લોકો વરસાદને માણવા માટે માર્ગો ઉપર નીકળી ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં સામાન્ય જનજીવન અને વેપાર ધંધા ઉપર પણ તેની અસર જોવા મળી હતી. જોકે, ચ્હા. ભજીયા અને સેવ ઉસળ સહિત ગરમ નાસ્તાની લારીઓ ઉપર તડાકો જોવા મળ્યો હતો. ઓટો ગેરેજવાળાઓને પણ તડાકો થઇ ગયો હતો. વડોદરા શહેરની સાથે જિલ્લાના ડભોઇ, વાઘોડિયા, સાવલી, પાદરા સહિત તમામ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળ્યા હતા. ગ્રામ્યમાં પણ શરૂ થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાની ધમાકેદાર પ્રથમ પધરામણીના વધામણા કર્યા હતા. કોર્પોરેશન દ્વારા ચોમાસામાં લોકો વરસાદી પાણીથી હેરાન ન થાય તે માટે પ્રી-મોન્સૂન એકશન પ્લાન અમલમાં મુકાયો છે.

Related posts

પબજી ગેમ રમતો યુવાન રખિયાલમાંથી પકડાયો

aapnugujarat

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યપદેથી આર.જી. શાહને દૂર કરાયા

aapnugujarat

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1