Aapnu Gujarat
શિક્ષણ

આરટીઇ હેઠળ પ્રવેશનો ઇન્કાર કરનારી ઉદ્‌ગમ સ્કૂલ ખાતે હાર્દિક અને અલ્પેશ વાલીઓ સાથે દેખાયા

રાઇટ ટુુ એજયુકેશન એકટ (આરટીઇ) હેઠળ બાળકોને એડમિશન આપવા થલતેજની ઉદ્દગમ સ્કૂલના સંચાલકો દ્વારા નનૈયો ભણી દેવાતાં વાલીઓએ શાળાના કમ્પાઉન્ડમાં હોબાળો મચાવ્યો હતો. ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે હવે યુવા નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે મેદાનમાં ઉતરતાં ભારે હવે શૈક્ષણિક રાજકારણ ગરમાયુ હતું. આજે અમદાવાદની ઉદગમ સ્કૂલની મનમાની સામે યુવા નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે હલ્લાબોલ કરતાં અંતે શાળા સંચાલકો ઝૂકી ગયા હતા. ઉદ્‌ગમ શહેરની અન્ય શાળાઓ પણ આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ધાંધિયા અને ઇન્કાર કરતી હોવાના મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી આપી હતી અને તે મુજબ તાળાબંધીનો કાર્યક્રમ યોજવાની તૈયારી પણ કરી કે, તરત જ પોલીસે આવી બંને યુવા નેતાઓ સહિતના તેમના સમર્થકોની અટકાયત કરી કાર્યક્રમ અટકાવ્યો હતો. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવાયા બાદ ઉદ્‌ગમ સ્કૂલના શાળા સંચાલકોએ ૩ર બાળકોને પ્રવેશ આપવા ઉંમરનું ટેકનિકલ કારણ આગળ ધરીને હાથ ઊંચા કરી દીધા હતા. જેને પગલે રોષે ભરાયેલા વાલીઓ આજે સવારથી તેમના બાળકો સાથે શાળામાં એકઠા થયા હતા. તેમના સમર્થનમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા અને બાળકોને પ્રવેશ આપવાની માંગણી કરી હતી. વાલીઓના સખત વિરોધ અને રજૂઆત બાદ શાળા સંચાલકો ઝૂકયા હતા અને પ્રવેશથી વંચિત રહેલા ૩ર બાળકોને સિનિયર કેજીમાં આરટીઇ અંતર્ગત એડમિશન આપવાની લેખિતમાં ખાતરી આપવી પડી હતી. જો કે, અમુક બાળકોને ધોરણ-૧માં આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો ઇન્કાર કરાતાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને વાલીઓ ત્યાંથી સીધા ડીઇઓ કચેરી,વસ્ત્રાપુર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જોરદાર હલ્લો મચાવ્યો હતો. ડીઇઓ કચેરીએ લૂલો બચાવ કર્યો હતો કે, શિક્ષણ વિભાગ અને ખાનગી શાળાઓ તેમજ લઘુમતી શાળાઓ આરટીઇ એડમિશનના મુદ્દે સામસામે આવી છે અને સમગ્ર મામલો હાલમાં હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. બીજીબાજુ ઉદ્‌ગમ સ્કૂલના સંચાલકોએ કોર્ટના મામલાને ઢાલ બનાવી બચવાનો પ્રયાસ કરતાં જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ બાદ તેઓ ચોક્કસ સહકાર આપશે. ઉલ્લેખનીય છે કે સરકારે બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવાની જાહેરાત કર્યા બાદ ૪પ,૦૦૦ બાળકો આરટીઇ પ્રવેશ માટે રાહ જોઇ રહ્યા છે. હવે ગઇ કાલે સરકારે હાઇકોર્ટમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી છે જેના કારણે હવે સમગ્ર મામલો હવે વધારે ગુંચવાયો છે. બીજીબાજુ આ તમામ વિવાદો વચ્ચે ખુદ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપી સ્પષ્ટ કર્યું હતું કે આરટીઇ અંતર્ગત ૯૦ ટકા બાળકોને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. કોઇ ટેકનિકલ કારણોસર જે ૧૦ ટકા બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે તેમના માટે ટૂંક સમયમાં જ ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણ તેમણે આપી છે. અમદાવાદ શહેરમાં જ હજુ ૬,૦૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. તા.૧૧ જૂનથી શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તે પહેલાં આરટીઇ પ્રવેશ કાર્યવાહી પૂરી કરવાની જાહેરાતના શિક્ષણ વિભાગના દાવા પોકળ સાબિત થયા છે. પ્રવેશ કાર્યવાહી અત્યારે વિલંબમાં પડી છે અને સમગ્ર મામલો હાઇકોર્ટમાં હોવાથી તંત્રએ બાળકો માટે વૈકલ્પિક આયોજન કરવાની માંગણી ઉઠવા પામી છે.

Related posts

વધારાની ફી ઉઘરાવનાર તમામ એન્જિ. કોલેજને નોટિસ મળશે

aapnugujarat

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

aapnugujarat

પીજી મેડિકલ અરજદારોના પ્રવેશફોર્મ સ્વીકારવા હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1