Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી જેલમાં ફરીવખત મોબાઇલ કબજે

શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સંવેદનશીલ એવા છોટા ચક્કર યાર્ડની બેરેકમાંથી પાકા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ હિલચાલ જણાતાં જેલ સ્ક્વોડે તપાસ કરતા આ કેદીના પેન્ટમાં મોબાઈલ છુપાવેલો મળી આવ્યો હતો. આ અંગે કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજીબાજુ, છાશવારે જેલમાંથી મોબાઇલ પકડાવાની ઘટનાઓને લઇ હવે જેલ તંત્રની સુરક્ષા અને મોનીટરીંગને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી સેન્ટ્રલ જેલ વિભાગ-૧માં છોટા ચક્કર યાર્ડમાં બોમ્બ બ્લાસ્ટના આતંકી અને સંવેદનશીલ ગુનાના માથાભારે આરોપીઓને રાખવામાં આવે છે. જેલમાં સુરંગકાંડ બાદ આતંકીઓ પર નજર રાખવા બેરેકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગઈકાલે સવારે જેલમાં સીસીટીવી કંટ્રોલ રૂમમાં અલગ અલગ બેરેક યાર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરા પર જેલ સહાયક મહેન્દ્રસિંહ અને અન્ય કર્મચારીઓ નજર રાખી રહ્યા હતા. દરમ્યાનમાં છોટા ચક્કર યાર્ડમાં બેરેક નંબર ૩/૧ની લોબીમાં એક કેદીની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી જેથી તાત્કાલિક બેરેકમાં જઈ કેદીની પૂછપરછ કરતાં તેનું નામ રશીદખાન શરીફખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. કેદીની અંગજડતી કરતાં તેના પેન્ટના પાછળના ભાગેથી પ્લાસ્ટિકની થેલી વાળું પાર્સલ મળી આવ્યું હતું. પાર્સલ ખોલીને જોતાં તેમાંથી એક મોબાઈલ ફોન, સીમકાર્ડ, એસેમ્બલ ચાર્જર, એક્સ્ટ્રા બેટરી મળી આવી હતી. જે બાબતે પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જેલમાં પાકા કામના કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતાં જેલરે આ અંગે કેદી રશીદખાન વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. રાણીપ પોલીસે સમગ્ર મામલા અંગે જરૂરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, જેલમાંથી મોબાઇલ પકડાવાની ઘટનાને પગલે ફરી એકવાર જેલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

વડોદરા જિલ્લા સ્તરના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાઘોડીયાની પસંદગી

aapnugujarat

सूरत में महिला की हत्या

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन पर आने वाले यात्रियों को कोरोना टेस्ट के बाद शहर में मिलेगी एंट्री

editor

Leave a Comment

UA-96247877-1