Aapnu Gujarat
ગુજરાત

જીંદગી તણાવયુક્ત બની છે ત્યારે નિયમિત યોગ સાધના  તણાવમુક્તિમાં મદદરૂપ બને છે – યોગ પ્રશિક્ષક અમર મહેતા

આર્ટ ઓફ લીવીંગના સાધકશ્રી અમર મહેતા છેલ્લા ૧૪ વર્ષથી યોગ સાધના અને યોગ પ્રશિક્ષણ સાથે સંકળાયેલા છે. તેમનું કહેવું છે કે, વર્તમાન જીવન અનેક પ્રકારના સંઘર્ષોથી ભરેલું છે જેને લઈને નાના મોટા સહુ કોઇ શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવોનો અનુભવ કરે છે. જેના પરિણામે મનો શારીરિક રોગોનું પ્રમાણ વધ્યું છે. તબીબી ઉપચારની સાથે યોગ, પ્રાણાયમ અને ધ્યાન એ મનોશારીરિક રોગોના અસરકારક અને સોંઘા ઉપચારની ગરજ સારે છે. હકિકતમાં યોગ ખૂબ જ સહજ અને સરળ છે અને દૈનિક જીવનનો તેને ભાગ બનાવવાથી જીવનમાં સ્વસ્થતા, સમતુલા અને મનોશાંતિનો અનુભવ થાય છે. જીંદગી તણાવયુક્ત બની છે ત્યારે નિયમિત યોગ સાધના તણાવમુક્તિમાં મદદરૂપ બને છે.

તાજેતરમાં જી.એસ.એફ.સી. ખાતે યોજાઇ ગયેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં અમર મહેતાએ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીમંડળના સદસ્યો અને ટોચના ઉચ્ચાધિકારીઓને યોગ સાધના કરાવી હતી. યોગ પ્રત્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો લગાવ અને નિષ્ઠાને તેઓ પ્રેરક ગણાવે છે. તેઓ જિલ્લા કક્ષાની ચિંતન શિબિરોમાં સરકારી અધિકારીઓને યોગ કરાવી ચૂક્યા છે અને કોર્પોરેટ/ ઔદ્યોગિક એકમોમાં યોગ દ્વારા તણાવમુક્તિ અને તંદુરસ્તીના સત્રો ચલાવે છે. તેઓ છેલ્લા ૪ વર્ષથી વિશ્વ યોગ દિવસે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવોને યોગ કરાવે છે. તેમની આર્ટ ઓફ લીવીંગ સંસ્થા માસ્ટર ટ્રેનર તરીકે હાલમાં વિશ્વ યોગ દિવસ માટે પ્રશિક્ષકોને તાલીમ આપી રહી છે.

૨૧મી જૂનના રોજ ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. શ્રી મહેતા આ દિવસે સહુને યોગ સાધનામાં જોડાવા અપીલ કરે છે. તેઓ જણાવે છે કે, આયુષ મંત્રાલયે વિશ્વ યોગ દિવસે કરવા માટે યોગ, પ્રાણાયમ, ધ્યાન અને પ્રાર્થનાનો જે પ્રોટોકોલ નિર્ધારીત કર્યો છે તે માત્ર ૪૫ મીનીટસમાં પૂરો થઇ જાય છે, પ્રમાણમાં ખૂબ સરળ છે, અનેકવિધ શારીરિક અને માનસિક લાભો આપનારો છે. બાળ, કિશોરો, યુવાનો અને વડીલો બધાં, તેને ખૂબ સારી રીતે સમજીને કરી શકે છે. આ પ્રોટોકોલમાં કુલ ૪૨ યોગાસનો સમાવી લેવામાં આવ્યા છે જે ગાગરમાં સાગરની ગરજ સારે છે.

યોગની શરૂઆત સારા અને સચોટ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઇએ એવું મંતવ્ય વ્યક્ત કરતાં શ્રી મહેતા જણાવે છે કે પ્રત્યેક યોગાસનના આગવા લાભો છે. એક યા બીજું યોગાસન એક યા બીજા રોગના ઉપચારની ગરજ સારે છે એટલે પોતાના શરીરની પરિસ્થિતિ, કોઇ રોગ હોય તો તેને ધ્યાનમાં રાખીને ઉચિત યોગાસનો કરવા જોઇએ. દાખલા તરીકે ડાયાબીટીસ પીડિતોએ તેનું પ્રમાણ ધટાડે એવા આસનો ખાસ કરવા જોઇએ. જે રોગમાં જે આસનોથી વિપરીત અસર થવાની ધાસ્તી હોય, એ ન કરવા જોઇએ. આ યોગ વિવેક સારા પ્રશિક્ષક પાસેથી શીખી શકાય છે.

સામાન્યતઃ યોગ સાધનાથી શરીરને હળવાશનો, થાકમુક્તિનો, સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે. તેનાથી પાચનક્રિયા સતેજ બને છે અને ઉંઘ સારી આવે છે. વિચારો સકારાત્મક બનતા આત્મવિશ્વાસ અને પડકારો ઝીલવાની ક્ષમતા વધે છે. યોગથી ટીમવર્કની ફાવટ વધે છે.

સવારે ખાલી પેટે યોગ કરવો એ ઉત્તમ ગણાય. જમતા પહેલા અને ભોજન લીધાના સાડા ત્રણ કલાક પછી યોગ કરી શકાય. રાત્રિના ૧૧ થી ૩ વાગ્યા સુધી યોગ કરવાનું ટાળવું જોઇએ. મહિલાઓ માટે યોગ સાધના પુરૂષો જેટલી જ અનુકૂળ છે. હા સગર્ભા અવસ્થામાં તબીબ અને સારા પ્રશિક્ષક સાથે પરામર્શ હેઠળ જ યોગ કરવા જોઇએ. યોગ આરોગ્યનો સુયોગ કરાવે છે. આ સુયોગને સંયોગ બનાવવા સહુ વિશ્વ યોગ દિવસે અને પછી દરરોજ યોગ સાધક બનવા તત્પર બને.

Related posts

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

aapnugujarat

પાવીજેતપુર એમ.જી.વી.સી.એલ. ની કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન હજુ સુધી ન મળતા વકીલ દ્વારા નોટિસ.

editor

લુણાજામાં હેન્ડપંપો રિપેર કરવામાં સરકારી અધિકારીઓ દ્વારા અપાતી લોલીપોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1