Aapnu Gujarat
ગુજરાત

ડામર ખરીદી સંબંધિત બોગસ બિલ કૌભાંડ મામલે બે કોન્ટ્રાકટરો સામે અમ્યુકો દ્વારા ફરિયાદ દાખલ કરાઈ

આઇઓસીના ડામર ખરીદીનાં બોગસ બિલ કૌભાંડ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આખરે જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રકચર્સ પ્રા. લિ.ના કોન્ટ્રાકટર ગણેશ ચૌૈધરી અને આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ના કોન્ટ્રાકટર યોગિન પટેલ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોમાં જોરદાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી પણ શકયતા છે. બીજીબાજુ, બે દિવસ અગાઉ માત્ર અરજી આપનાર અમ્યુકો સત્તાધીશોએ બે કોન્ટ્રાકટર વિરુદ્ધ કરાયેલી એફઆઇઆરમાં નવ જેટલાં ઇનવોઇસ બિલ સાથેની વિગત રજૂ કરાઇ હોઇ આ બિલને ઇજનેર વિભાગના જે અધિકારીઓએ મંજૂર કર્યાં હતાં તો સત્તાધીશો આ અધિકારીઓ સામે કેમ એફઆઇઆર દાખલ કરતા નથી કે તેમને સસ્પેન્ડ કરતા નથી તેવો ગંભીર પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. જો કે, આ મામલે અમ્યુકો તંત્રના સત્તાધીશોએ સૂચકમ મૌન સેવી લીધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટના વહીવટી વિભાગના આસિસ્ટન્ટ મેનેજરે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ટેન્ડર પ્રક્રિયા મારફતે આકાશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના કોન્ટ્રાકટર યોગિન હરિભાઈ પટેલ (રહે. સેક્ટર-૧૧, ગાંધીનગર) દ્વારા વાસણા જી.બી. શાહ કોલેજથી કેનાલ સુધી, નિર્ણયનગર અંડરપાસથી રાણીપ સ્વિમિંગપૂલ સુધી અને ફોરેન્સિક ચાર રસ્તાથી રત્નસાગર ચાર સુધીનો રસ્તો રોડ રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીનું પેમેન્ટ મેળવવા માટે યોગિન પટેલે રૂ.પ૦.૩૬ લાખનાં નવ બિલ રજૂ કર્યાં હતાં. આ બિલો જૂનથી જુલાઈ-ર૦૧૭ દરમ્યાન અલગ અલગ તારીખોએ ઈજનેર વિભાગ શાખાના જવાબદાર અધિકારીઓ દ્વારા ચકાસી વિવિધ પ્રોજેક્ટના વહીવટી વિભાગની ઓફિસે મોકલી આપવામાં આવ્યાં હતાં. જેમાંથી ત્રણ બિલની રકમ રૂ.રર.૧૯ લાખની રકમ ચૂકવી દેવામાં આવી હતી જયારે છ બિલની રકમ રૂ.ર૮.૧૭ લાખ ચૂકવવાના બાકી હતા. દરમ્યાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની પાસેથી ડામર ખરીદવામાં આવ્યો હતો, તેનાં બોગસ બિલો રજૂ કરવામાં આવ્યાં હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર સાથે મળી તપાસ કરતાં આઈઓસીએ આવાં કોઈ બિલ ઇસ્યુ ન કર્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. કોન્ટ્રાકટર યોગિન પટેલે રૂ.પ૦.૩૬ લાખનાં નવ બોગસ બિલો કોર્પોરેશનની કચેરીમાં રજૂ કરી ત્રણ બિલનું પેમેન્ટ મેળવી છેતરપિંડી આચરતા યોગિન પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત જી.પી.સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટર ગણેશ પારથીભાઈ ચૌધરી (રહે. પાલનપુર) દ્વારા ટેન્ડર મારફતે અંતર્ગત ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વોટર પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાએ નાખવામાં આવેલી પાઈપલાઈનની રિએસ્ટેટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનું પેમેન્ટ મેળવવા માટે ગણેશ ચૌધરીએ રૂ. પ.૫૦ લાખનું બિલ રજૂ કર્યું હતું. જે બિલ ઈજનેર વિભાગ શાખાના જવાબદાર અધિકારીઓ દ્વારા ચકાસી વિવિધ પ્રોજેક્ટના વહીવટી વિભાગની ઓફિસે મોકલી આપવામાં આવ્યાં હતાં. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની પાસેથી ડામર ખરીદવામાં આવ્યો હતો તેના બોગસ બિલ રજૂ કર્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કોર્પોરેશને બે કોન્ટ્રાકટરો સામે ફરિયાદ નોંધાવી છે પરંતુ ખોટા બિલોમાં સહી કરી ગુનામાં મદદગારી કરનારા ઇજનેર વિભાગના ત્રણ એડિ.સીટી ઇજનેર સહિત ૨૦ ઇજનેરોને માત્ર નોટિસ ફટકારી સંતોષ માની લીધો છે તેથી અમ્યુકો સત્તાધીશોનું આ પ્રકારનું વલણ પણ ચર્ચામાં છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

बिना मास्क घूमने वालों पर कड़ी कार्रवाई

editor

ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ ૮ મહિના લંબાવાયો

aapnugujarat

રીક્ષાચાલક આપઘાત કેસમાં આરોપી વ્યાજખોર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1