Aapnu Gujarat
બ્લોગ

અજાત શત્રુ રાજકારણી અટલ બિહારી વાજપેયી

ઘણી વ્યક્તિમાં નેતૃત્વ પૂરું પાડવાનો ગુણ જન્મજાત હોય છે. આવી વ્યક્તિ જનસમૂહ પર એક અજબનો પ્રભાવ પાથરે છે. લોકોમાં તેઓ પ્રિય હોય છે. તેમને સાંભળવા – સમજવા લોકો આવે છે. તેમના વિચારમાં તાજગી હોય છે. શબ્દોમાં જાદુ હોય છે. તેઓ પ્રજાની મનોવૈજ્ઞાનિકતા સમજતા હોય છે.વિશ્ર્‌વના શ્રેષ્ઠ નેતાઓના ગુણનું જો વિશ્ર્‌લેષણ કરવામાં આવે તો વ્યક્તિત્વ, ભાષા – દેખાવ – હાવભાવ – બોલવાની છટા અને શબ્દો પરની પક્કડ સાથે જનમાનસને ઓળખવાની તેમની પરખ શક્તિ એ શ્રેષ્ઠ નેતૃત્વના ગુણ છે. આવા ગુણસભર નેતા પૈકી એક એટલે અટલ બિહારી વાજપેયી. તેમના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા.હમણા જ તેમનો જન્મદિવસ ઉજવાયો અને ખુદ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમને પુષ્પગુચ્છ આપવા ગયા હતા જે ચીલાચાલુ રાજકીય પ્રસંગથી અલગ પડે તેવી ઘટના હતી, પરંતુ ભારતમાં આ બાબતે એક નવો ચીલો પાડયો તેટલું કહી શકાય. વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ એકંદરે સ્થિરતા સાથે કાર્ય કર્યું અને યશસ્વી પણ રહ્યા.તેમના શાસનમાં રાજકીય સ્થિરતા – આર્થિક મોરચે શાંતિ – પ્રગતિ અને પડોશી રાષ્ટ્રો સાથે સુમેળ વધારવાના નોંધપાત્ર પ્રયાસ થયા. અલબત્ત સફળતા ન મળી તે જુદી બાબત છે. ૧૯૫૭માં પહેલીવાર લોકસભામાં ચૂંટાયા ત્યારબાદ એકમાત્ર ૧૯૮૪ના અપવાદ સિવાય તેઓ લાગલગાટ સાંસદ રહ્યા.૧૯૮૪માં ગ્વાલિયર ખાતે લોકસભાની ચૂંટણી તેઓ માધવરાવ સિંધિયા સામે હારી ગયા હતા. તે વખતે ઈંદિરાજીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં મતદારોની સહાનુભૂતિ રાજીવ ગાંધી પ્રતિ વધુ પ્રમાણમાં હતી. આથી વાજપેયી જેવા સમર્થ નેતા પણ હારી ગયા હતા. તે વખતે ભાજપની લોકસભામાં માત્ર બે બેઠકો રહી હતી.જયારે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી તે વખતે “પાંચજન્ય કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાપ્તાહિક છે તેના સંપાદક તરીકે અટલ બિહારી વાજપેયી હતા અને તેઓ ઘણા યુવાન હતા. તેમણે તે વખતે ખૂબ જ સમતોલપણું જાળવીને કાર્ય કર્યું હતું. તેમ જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા હતા. મુંબઈની પાસપોર્ટ ઓફિસમાં તે વખતે કામકાજ ઘણું રહેતું હતું. પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હતો. આથી મળેલી ફરિયાદને આધારે જાતમાહિતી મેળવવા તેઓ રૂબરૂ આવ્યા હતા. પાસપોર્ટ ઓફિસની વરલી ખાતે મુલાકાત લીધી હતી અને ઉપાય સૂચવ્યા હતા.અટલ બિહારી વાજપેયીને કવિતા સાંભળવી અને રચવી તેનો વ્યક્તિગત શોખ છે. તેમના ખુદના લખેલાં કાવ્યો ઘણાં જ સુંદર છે. ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુનેહ પ્રશંસનીય છે. તેમને સંગીત સાંભળવાનો પણ તેટલો જ શોખ છે. રવિન્દ્ર સંગીતના તેઓ પ્રશંસક છે. તે વાત તેમણે ઘણી વખત નજીકના મિત્રો – શુભેચ્છકોને જણાવી છે.જયારે તેઓ વડા પ્રધાન હતા તે વખતે તેમણે લીધેલા એક-બે બાબતના નિર્ણયોની ખૂબ જ દૂરગામી અસર થાય તેવી બાબતો તેમાં છે. તેમાં બર્મા (મ્યાનમાર) સાથે ઈશાન ભારતને જોડતી સરહદ સાથે રસ્તો બનાવવાનું કાર્ય સૌથી મહત્ત્વનું છે. આ વિસ્તાર પહેલા ભારત સાથે ભૌગોલિક રીતે જોડાયેલો હતો.એક સમયે ઈશાન ભારતના વિસ્તાર અને બર્મા એક જ હતા. તેમની વચ્ચે વ્યાપાર થતો હતો. બર્માથી લાકડુ – ચોખા આવતા હતા અને અરૂણાચલ – નાગભૂમિથી ફળો જતાં હતાં. એટલું જ નહીં સાંસ્કૃતિક આદાન – પ્રદાન પણ થતું હતું, પરંતુ ત્યારબાદ રસ્તાને તકલીફને કારણે તેમ જ કાયદો – વ્યવસ્થાના પ્રશ્ર્‌નોથી વેપાર સાવ બંધ જેવો થઈ ગયો હતો.બર્માથી દૂર પૂર્વના અગ્નિ એશિયાના અનેક રાષ્ટ્રો સુધી ભારત પોતાના સંપર્ક જીવિત કરી શકે તેમ છે. એક સમયે આ તમામ રાષ્ટ્ર ભારત સાથે ધર્મ – શિક્ષણ – વ્યાપાર – રાજનીતિ અને સાંસ્કૃતિક સંબંધો હતા. બૌદ્ધ ધર્મ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સુધી ઈશાન ભારતના માર્ગથી પહોંચ્યો હતો. આ માર્ગને પુનઃનિર્માણ કરવાનો નિર્ણય ખુદ અટલ બિહારી વાજપેયી દ્વારા લેવામાં આવ્યો હતો.કારણ કે તેમણે ભૂગોળ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે. તેમને એ વાતમાં રસ હતો કે ભારતનું પ્રભુત્વ કેમ ઘટી ગયું. અન્યથા અયોધ્યાની રાજકુમારીના લગ્ન કોરિયાના તે વખતના રાજકુમાર સાથે થયા હતા. આ બાબતે આદાનપ્રદાન થતું હતું તેના ઘણા પ્રમાણ છે. જે માત્ર વાજપેયી જેવા દૃષ્ટિ સંપન્ન અભ્યાસુ રાજનેતા દ્વારા જ સમજી શકાયું હતું.જયારે વાજપેયી વિદેશમંત્રી હતા તે વખતે તેમણે સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી હતી. તેઓ ૧૯૭૮માં અફઘાનિસ્તાન ગયા હતા. તે વખતે કાબુલના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી વખતે તેમનું ધ્યાન ગયું કે ત્યાં એક પૂતળું હતું જે રાજા કનિષ્કનું હતું. વાજપેયીને ઘણું આશ્ર્‌ચર્ય થયું કે કનિષ્કનું પૂતળું અહીં કયાંથી હોય શકે?તેમણે આ બાબતે તેમની સાથે મોટરમાં રહેલા અફઘાન વિદેશમંત્રીને પૂછયું તે વખતે ખુદ અટલ બિહારી વાજપેયીને આશ્ર્‌ચર્ય થાય તેવો જવાબ આપ્યો કે, ‘અમે ધર્મ બદલ્યો છે, સંસ્કૃતિ બદલી નથી.’ મતલબ કે રાજા કનિષ્કનું સામ્રાજય અહીં અફઘાનિસ્તાન સુધી એક સમયે હતું આ બાબતે કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.અટલ બિહારી વાજપેયીએ ભૂગોળનો તેમ જ ઈતિહાસનો ખૂબ જ અભ્યાસ કર્યો છે. ભારત અને ચીન સાથે સરહદી વિવાદ હતો તે બાબતે ઘણી વખત તેમણે પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના જક્કી વલણને કારણે તેમાં કોઈ નોંધપાત્ર સફળતા મળી નહોતી. ચીને જૂનો ઈતિહાસ ભૂલી જઈ નવો ઈતિહાસ બનાવવા નિર્દેશ આપ્યો હતો જે ડિપ્લોમેટ ભાષામાં વાત કહી હતી.પરંતુ અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિત હૈયામાં હોવાથી એવો મુત્સદ્દીભર્યો જવાબ આપ્યો કે ‘ઈતિહાસ બદલવો સરળ છે, પરંતુ ભૂગોળ બદલવી મુશ્કેલ છે.’ અર્થ એવો છે કે જે જમીન અમારી હતી તે તમારા કબજમાં છે તે ભૂગોળ બદલવી આજે મુશ્કેલ છે. ઈતિહાસ તો હજુ બદલી શકાય કે બે દેશ વચ્ચે યુદ્ધ થયા હતા – પરંતુ આજે હવે સારું છે. ઈતિહાસ પરિવર્તનશીલ છે જયારે ભૂગોળ શાશ્ર્‌વત છે.આવી દીર્ઘદૃષ્ટિ માત્ર અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વમાં જોવા મળે છે. તેમનું ઘડતર કેટલા શિસ્ત અને દેશપ્રેમના વાતાવરણ વચ્ચે થયું હશે તે સમજી શકાય તેવું છે. અટલ બિહારીએ કાનપુર ખાતે શિક્ષણ લીધું હતું અને તેઓ આગ્રા યુનિવર્સિટીના ગ્રેજયુએટ છે. હિન્દી ભાષા પરની તેમની પક્કડ અદ્દભુત રીતે તેમના વકતવ્યમાં જોવા મળે છે.કમનસીબે તેઓ શાસનમાં બહુ લાંબો સમય રહ્યા નહીં અન્યથા ભારતને લાંબેગાળે લાભ કરાવે તેવી ઘણી બાબતોએ આકાર લીધો હોત. જો અગ્નિ એશિયા સાથે રસ્તા દ્વારા અનેક સારી બાબતોને સ્થાપી શકાય તો પછી આવા બીજા ૫-૧૦ મહત્ત્વના નીતિવિષયક નિર્ણયોએ કેટલી બધી સારી વાતને આગળ વધારી હોત.
જો કે અટલ બિહારી વાજપેયીને રાજનીતિનો કડવો અનુભવ પણ થયો હતો. તેમને કટોકટી દરમિયાન જેલમાં જવું પડયું હતું. પરંતુ તે પૂર્વે ૧૯૭૧માં તેમણે બંગલાદેશ પરના ભારતના ભવ્ય વિજય બાદ વડા પ્રધાન ઈંદિરાજીને ‘મા-દુર્ગા’ તરીકે બીરદાવ્યાં હતાં. જેવી રીતે દુર્ગાએ અસુરોનો નાશ કર્યો હતો તેવી જ રીતે ઈંદિરાજીએ બંગલાદેશમાં પાકિસ્તાની લશ્કરના અસુરોનો સફાયો કર્યો હતો. તેવો તેમનો સંદર્ભ હતો.હાલમાં તેઓ રાજકારણમાંથી નિવૃત્ત છે. વર્ષ ૨૦૦૪ પછી તેઓ કયાંય જાહેરમાં આવ્યા નથી. ઘૂંટણના ઓપરેશન બાદ તેઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. હવે બહુ કોઈને મળતા નથી છતાં તેઓ હજુ અનેકને માટે પ્રેરણાપાત્ર છે.છેક ૧૯૫૭થી લઈને આજ લગી રાજકારણમાં જ નહીં, સમાજકારણ અને સાહિત્ય સર્જનકારણમાં પણ અટલજી કે કવિ કૈદીરાયનું નામ પોતાનો આગવો પ્રભાવ પાડનારું રહ્યું છે. આજે એ લોકનજરથી ઓઝલ થવા જેવી નાજુક આરોગ્યથી સ્થિતિમાં હોવા છતાં સત્તા પક્ષ કે વિપક્ષ, દેશની પ્રજામાં કે વિદેશના લોકોમાં ભાવ સાથે, આદર સાથે, હૃદયના ઉમળકાથી જેમનું નામ લેવાય એવા અટલ બિહાર વાજપેયી ૧૯૫૭માં લોકસભે આવ્યા ત્યારથી સંસદનાં બેઉ ગૃહોમાં પોતાની અમીટ છાપ મૂકી ગયા છે.ભાષાની ગરિમા અને સંયમ, વિપક્ષ ભણીનો આદર અને અંગત સંબંધોના ઉદ્યાન ખીલવતા રહેલા અટલજી, કાશ્મીર કોકડાંની વાત હોય કે ઈશાન ભારતની સમસ્યાઓની, વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુથી લઈને પી. વી. નરસિંહ રાવ સહિતના હોય, અટલજી કાયમ સૌને યાદ આવે જ આવે. થવું હતું તો અધ્યાપક, પણ થઈ ગયા રાજનેતા. રાજનેતા કરતાં રાજપુરુષ વધુ ગણાય. રાજનેતા ચૂંટણીઓ જીતીને સત્તા સુધી પહોંચવાની ટૂંકી દૃષ્ટિ ધરાવતો હોય છે. રાજપુરુષ (સ્ટેટ્‌સમેન) તો ભાવિ પેઢીઓના ભવિષ્યને ઊજ્જવળ બનાવવાના ધખારા ધરાવતો હોય છે. સ્વના સ્વાર્થ વિનાનો.અટલજીનું વ્યાખ્યાન સંસદમાં કે જાહેર સભામાં સાંભળવું એ લહાવો લેખાતો. અસ્ખલિત કાવ્યમય શૈલીમાં એ શ્રોતાગણને ડોલાવે એવું રસિક વ્યાખ્યાન આપતા રહેતા. પદ્યશૈલી પણ સાવ સરળ, ગાંધીજીના પેલા કોશિયાને ય સમજાય એવી અને સાથે જ રાષ્ટ્રજતન અને સમર્પણનો સંદેશ આપનારી. અન્ય રાજકીય પક્ષના નેતાઓ માટે ય અવિવેકી ભાષા વાપરી હોય એવું ઉદાહરણ અડધી સદી કરતાં પણ લાંબી ચાલેલી એમની રાજકીય યાત્રામાં ભાગ્યે જ મળે છે.

Related posts

ट्रंप हैं, अमेरिकी कलंक

editor

“બકાના ગતકડાં”

editor

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1