તિહાર જેલમાં બંધ હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાએ ૮૨ વર્ષની ઉંમરે ૧૨મા ઘોરણની પરીક્ષા ફર્સ્ટ ક્લાસથી પાસ કરી. હવે તેઓ ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહ્યા છે. ચૌટાલાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગથી ૧૨મા ધોરણનું શિક્ષણ લીધું. ઉલ્લેખનીય છે કે ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના દીકરા અજયને ૧૬ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ જેબીટી શિક્ષક ભરતી મામલે ૧૦ વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી.ગત દિવસોમાં જામીન પર બહાર આવેલા ચૌટાલાએ જણાવ્યું હતું કે તિહારમાં તેમની સવાર છાપાના સમાચારો પર ચર્ચાથી શરૂ થતી હતી. તે પછી વાંચવા-લખવાનું અને ટીવી જોવું રૂટિનમાં સામેલ છે.ઓમપ્રકાશ ચૌટાલાના પૌત્ર દિગ્વિજય સિંહે જણાવ્યું કે દાદાએ ગ્રેજ્યુએશન માટે પુસ્તકો પણ મંગાવી લીધાં છે.હરિયાણામાં પંચાયતની ચૂંટણી માટે એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન (શૈક્ષણિક લાયકાત) નક્કી કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ નિયમ લાગુ થઇ શકે છે. તે જોતાં ચૂંટણી લડવા માટે ચૌટાલા જેલમાં ભણી રહ્યા છે.દેવીલાલ ચૌટાલાના દીકરા ઓમપ્રકાશ ચૌટાલા ૫ વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. તેમના દીકરાઓ અજય ચૌટાલા અને અભય ચૌટાલા છે. ઓમપ્રકાશના પૌત્ર દુષ્યંત ચૌટાલા સાંસદ છે. દુષ્યંતની માતા નૈના ચૌટાલા એમએલએ છે.