રાંચીમાં નક્સલીઓના સૌથી મોટા કમાન્ડરોમાં જેની ગણતરી થતી હતી તેમાના એક કુંદન પાહને સરન્ડર કર્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શું નેપાળના હાલના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ અન્ય માઓવાદી સાથીઓ સાથે ઝારખંડના જંગલોમાં હથિયારો ચલાવવાથી માંડીને સમગ્ર નક્સલી નેટવર્ક બનાવવાની ટ્રેનિંગ લીધી હતી? એક અહેવાલ મુજબ કુંદને પોલીસને જણાવ્યું છે કે તેણે વર્ષ ૨૦૦૦માં નક્સલી ટ્રેનિંગ લીધી હતી જેમાં તેની સાથે પ્રચંડ પણ સામેલ હતાં. તેનો દાવો છે કે ઝારખંડના બોકારો સાથેના જંગલોમાં તેમણે દરેક પ્રકારની ટ્રેનિંગ લીધી હતી. તેમના કેમ્પમાં દુનિયાના સૌથી આધુનિક હથિયારો આવતા હતાં. તેમને ટ્રેનિંગ આપવા માટે પશ્ચિમ બંગાળથી એક ટીમ આવતી હતી.
કુંદનનો આ ખુલાસો ખરેખર ચોંકાવનારો છે.કારણ કે પહેલા એવું માનવામાં આવતું હતું કે નેપાળના ટોચના માઓવાદીઓને ચીનમાં ટ્રેનિંગ મળે છે. ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કુંદનના દાવા પર જણાવ્યું કે તે જે સમયની વાત કરે છે તેને જોતા આ દાવાને ફગાવી શકાય નહીં. ૨૦૦૬માં નેપાળની મુખ્યધારાની રાજનીતિમાં આવતા પહેલા પ્રચંડ નેપાળની બહાર માઓવાદ સાથે જોડાયેલા હતાં અને ભારતમાં રહેતા હતાં. ૨૦૦૦ની આસપાસ પ્રચંડ અને તેમની ટીમ ભારતમાં જ હતી. દિલ્હી, નોઈડા, અને વારાણસીમાં તેમના રહેવાની વાત સામે આવી હતી પરંતુ ઝારખંડના જંગલમાં ટ્રેનિંગની વાત નવી છે. કુંદન પાહન ત્યારે માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં ટ્રેનિંગ મેળવીને ખતરનાક નક્સલી નેતા બન્યો હતો અને આજે તેના પર બે ડઝનથી વધુ પોલીસકર્મીઓની હત્યા ઉપરાંત કરોડો રૂપિયાની બેંકલૂંટનો કેસ નોંધાયેલો છે.કુંદન પાહન ભલે નક્સલ અને ગરીબોની લડાઈની વાત કરતો હોય પરંતુ તેની પુત્રીને તેણે સૌથી મોંઘી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેની પુત્રી રાંચીની એક જાણીતી શાળામાં ભણે છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર કુંદનના સરન્ડર પાછળ પણ તેની પુત્રી પ્રત્યેનો તેનો લગાવ કારણભૂત હતો. તે પુત્રીને ખુબ સારી લાઈફ આપવા માંગે છે. આ ઉપરાંત તેણે સરન્ડર કર્યા બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેલમાંથી બહાર આવ્યાં બાદ તે જેએમએમ સાથે જોડાઈ શકે છે.નોંધનીય છે કે કુંદને શનિવારે ઝારખંડમાં સરન્ડર કર્યુ હતું અને તે જ દિવસે છત્તીસગઢમાં એક એન્કાઉન્ટર દરમિયાન નક્સલ કમાન્ડર કૈલાશ ઉર્ફે વિલાશ માર્યો ગયો હતો. કૈલાશ પર ૧૬ લાખ રૂપિયાનું ઈનામ હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ કૈલાશનો અંત મહત્વનો હતો કારણ કે છત્તીસગઢમાં નક્સલ વિસ્તાર અને પોલીસ પર હુમલો કરવાની રણનીતિ પાછળ તેનું જ દિમાગ હતું.