અલ્હાબાદ હાઈકોર્ટે સવાલ કર્યો છે કે યોગી આદિત્યનાથ એકસાથે મુખ્યપ્રધાન અને સાંસદના પદો પર કેવી રીતે રહી શકે ? અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આના સંદર્ભે એટોર્ની જનરલ મુકુલ રોહતગીને સમન્સ પણ મોકલ્યું છે.સામાજિક કાર્યકર્તા સંજય શર્માએ સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેરહિતની અજી દાખલ કરી છે. અરજીમાં હેવામાં આવ્યું છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય સાંસદ તરીકેનું વેતન અને બાકીની સુવિધાઓ લઈ રહ્યા છે. તેથી તેઓ ઉત્તર પ્રદેશમાં સત્તા પર આસિન થઈ શકે નહીં. સંજય શર્માએ પોતાની દલીલના ટેકામાં સાંસદ અયોગ્યતા નિવારણ અધિનિયમ-૧૯૫૯ની જોગવાઈને ટાંકી છે.અરજદાર તરફથી હાઈકોર્ટ સમક્ષ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યની નિયુક્તિને રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે. બંને નેતાઓએ ૧૯ માર્ચે શપથગ્રહણ કર્યા હતા. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ભાજપના સાંસદ છે અને કેશવપ્રસાદ મૌર્ય અલ્હાબાદની ફૂલપૂર બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે. જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ વિરેન્દ્રકુમારની ખંડપીઠે અરજીનો સ્વીકાર કર્યો છે. ઉત્તરપ્રદેશના એડવોકેટ જનરલ રાઘવેન્દ્ર સિંહની દલીલો સાંભળ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટની ખંડપીઠે આના સંદર્ભે એટોર્ની જનરલ મુકુલ રોહતગીનો અભિપ્રાય પણ માંગ્યો છે. કોર્ટે માન્યું છે કે આ મામલામાં કોઈ ભૂતકાળનું ઉદાહરણ અસ્તિત્વમાં નથી. આ મામલે આગામી સુનાવણી ૨૪ મેના રોજ હાથ ધરવામાં આવશે.