આઇપીએલ-૧૦માં વિરાટ કોહલી સહિતના ભારતીય અને વિદેશી ખેલાડીઓ નોંધપાત્ર દેખાવ કરી શક્યા નથી ત્યારે આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા ઝડપી બોલર ઇશાંત શર્માનો દેખાવ પણ ઘણો નિરાશાજનક રહ્યો છે.કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી રમતો ઝડપી બોલર ઇશાંત શર્મા આ આઇપીએલમાં એક પણ વિકેટ લઇ શક્યો ન હતો. આ આઇપીએલમાં ઇશાંત શર્માએ ૬ મેચ રમી હતી. જેમાં તેણે ૧૮ ઓવર ફેંકી હતી.
આ દરમિયાન તેણે ૯.૯૪ની એવરેજથી ૧૭૯ રન આપ્યા હતા પરંતુ, એક પણ વિકેટ હાંસલ કરી શક્યો ન હતો. જ્યારે કુલદીપ યાદવ, સંદીપ શર્મા, સિદ્વાર્થ કૌલ અને ભુવનેશ્વર કુમારે પોતાના દેખાવથી લોકોને પ્રભાવિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં થયેલી આઇપીએલ ૨૦૧૭ની નીલામાં ઇશાંત શર્માને કોઇ ટીમે લીધો ન હતો. તેની બેસ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતા. કોઇ ફ્રેન્ચાઇઝીએ તેના પર બોલી લગાવી ન હતી. જો કે, આઇપીએલ શરૂ થવાના એક દિવસ પહેલા ઇશાંત શર્માને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ખરીધો હતો. ત્યાર બાદ કોચ સહેવાગે તેનું સ્વાગત કરતા ટિ્વટર પર એક મેસેજ પણ લખ્યો હતો. જો કે, ઇશાંત શર્માને કોઇ ખરીદનાર ન મળતા ગૌતમ ગંભીરે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ૨૪ બોલ ફેંકનાર એક બોલરને બે કરોડ રૂપિયા કેમ મળવા જોઇએ.