રોહતકમાં નિર્ભયા જેવી જ બનેલી ગેંગરેપની ઘટના પછી પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ સમગ્ર દેશના પેરેન્ટ્સને કહ્યું છે કે, ’દરેક માતા-પિતાએ તેમના દીકરાઓ પર નજર રાખવાની જરૂર છે. દીકરાની ઈચ્છા રાખનારે વિચારવુ જોઈએ કે તેઓ સોસાયટીને શું આપી રહ્યા છે. તેમના દીકરાઓ મોટા થઈને શું કરી રહ્યા છે, તેઓ કોની સાથે બેસે-ઉઠે છે. દેશમાં દીકરીઓ અને મહિલાઓ સાથે થતા ક્રાઈમ વિશે મારુ માનવું છે કે હવે ન્યૂ ઈન્ડિયા સ્લોગન ’બેટી બચાઓ, બેટી પઢાઓ’ની જગ્યાએ ’બેટી બચાઓ, અપની અપની’ હોવુ જોઈએ.’બેદીએ આગળ કહ્યું છે કે, જો માતા-પિતા તેમની જવાબદારી સારી રીતે સમજતા હોત તો, હરિયાણામાં એક છોકરી સાથે ગેંગરેપ અને મર્ડર જેવી ઘટના બનતી જ નહીં. લોકોને દીકરો જોઈએ છે પરંતુ કેવો? જે ભવિષ્યમાં તેમનું ઘ્યાન રાખે અને સોસાયટીમાં તેમની ઈજ્જત જાળવે, કે એવો જે હિંસક થઈ જાય અને સમાજ માટે જોખમી બની જાય.સમાજના ડરના કારણે દીકરીઓ પર ખૂબ નજર રાખવામાં આવી રહી છે. આપણે દીકરાઓને તેમની બધી જ આઝાદી સાથે આગળ વધવાની છૂટ આપીએ છીએ. તે ઈચ્છે ત્યારે ઘરની બહાર જઈ શકે છે અને જ્યારે ઈચ્છા ત્યારે આવી શકે છે. તે જેમ ઈચ્છે તેમ જીવી શકે છે.આવા સંજોગોમાં છોકરાઓ ખરાબ સંગતમાં આવી જાય છે અને માતા-પિતા પણ તેમને કશું કહી શકતા નથી. તેમને ડર લાગ્યા કરે છે કે દીકરો ક્યાંક ઘર છોડીને ન જતો રહે, કારણકે તે જ તો વૃદ્ધાવસ્થાનો સહારો છે. ત્યારપછી તે જ માતા-પિતાને તેમના દીકરાઓ ધમકાવે છે.