શહેરની આનંદનિકેતન સ્કૂલ દ્વારા તેમની ફી અંગેની ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજૂ કરવાની દરખાસ્ત અરજીની મુદત લંબાવી આપવા માટે દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. હાઇકોર્ટે અરજદાર શાળાને તેમની દરખાસ્ત અરજી તા.૧૫મી જૂન સુધીમાં રજૂ કરવા મુદત આપી છે. આનંદ નિકેતન સ્કૂૂલ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અન્ય સીબીએસઇ સ્કૂલને જે પ્રકારે તેમના ફી સ્ટ્રકચરની પ્રપોઝલ માટેની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે તે પ્રકારે તેમને પણ પ્રપોઝલ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજૂ કરવાની મુદતમાં વધારો કરી આપવો જોઇએ. અરજદાર શાળા રાજય સરકારના ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદાને પડકારવાની પોતાની તક અને અધિકાર અબાધિત રાખવા માંગે છે પરંતુ ત્યાં સુધી તેઓને ફી દરખાસ્ત રજૂ કરવાની મુદત વધારી આપવી જોઇએ. આ રજૂઆત ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ રાહત આપી હતી.