Aapnu Gujarat
ગુજરાત

જળસંચય અભિયાનને વેગીલું બનાવી ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની મુખ્યમંત્રીની નેમને સાર્થક કરવા “ટીમ નર્મદા” કટિબધ્ધ

ગુજરાતના ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં અગ્ર સચિવશ્રી અને નર્મદા જિલ્લાનાં પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે ગઇકાલે સાંજે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં મોટા સુકાઆંબા, બેસણા અને ચિકદા ગામોની મુલાકાત લઇ આ ગામોએ ચાલી રહેલા જળસંચયનાં કામોનું નિરીક્ષણ કરી તે અંગેની જાત માહિતી મેળવી હતી. શ્રી હૈદરની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. કે. શશીકુમાર, જિલ્લાનાં અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ, દેડીયાપાડાનાં પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી વગેરે પણ સાથે જોડાયા હતાં.

જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે દેડીયાપાડાનાં છેવાડાનાં મોટા સુકાઆંબા તથા બેસણા ગામનાં જંગલ વિસ્તારમાં પ્રસ્થાપિત વન તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તળાવ ઉંડા થવાથી ગ્રામજનોને પીવાનાં પાણી  પશુધનને જરૂરી પાણી તેમજ સિંચાઇ માટેની પાણીની સુવિધા પણ ઉપલબ્ધ થઇ શકશે. આ અભિયાન દરમિયાન ગ્રામજનો દ્વારા વન તળાવની સફાઇ કામગીરીની સાથોસાથ બિનજરૂરી અને નકામી ઉગી નિકળેલી વનસ્પતિના નિકાલની કામગીરી થકી શ્રમિકો રોજગારી સાથે જળસંચયના આ મહાયજ્ઞમાં તેમનું શ્રમદાન પણ આપી રહ્યાં છે.

મોટા સુકાઆંબા ગામ તળાવની પાળ ઉંચી થવાથી પાણીનો જથ્થો વધવાથી આજુબાજુનાં  ખેડૂતોની ૫૦ થી ૧૦૦ હેક્ટરની જમીનને સિંચાઇનો લાભ મળી રહેશે. જલપ્લાવિત વિસ્તાર વધવાથી પક્ષીઓ પણ વધશે અને આજુબાજુનાં વિસ્તારમાં ભૂગર્ભ પાણીનું સ્તર પણ ઉંચુ આવશે અને તેથી મત્સ્યોદ્યોગનો વ્યાપ વિસ્તરશે. તેવી જ રીતે બેસણા ગામના વન તળાવમાં પણ ઉક્ત કામગીરીને લીધે ખેડૂતોની ૧૦૦ હેક્ટર જમીનને પિયત મળશે અને તેના પરિણામે આ ગામોના વનવિસ્તાર તથા ખેડૂતોને ફાયદો થશે. આમ, ગ્રામજનો માટે લાભદાયી આ જળસંચયની કામગીરીથી માનવ-પશુધન માટે જળ એ જ જીવન” ની બાબત સાચા અર્થમાં સાર્થક થઇ રહી છે, ત્યારે ચાલુ માસમાં આ કામગીરી સતત આગળ ધપાવી નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તેવા આદેશો સાથે જિલ્લા પ્રસાશન કટિબધ્ધ બન્યું છે.

અત્રે એ નોંધવુ જરૂરી છે કે, બેસણા ગામે મનરેગા હેઠળ ખેત તલાવડીનાં કુલ- ૨૧ જેટલા જળસંચયના કામોનો ગઇકાલથી પ્રારંભ કરાયો છે. જેમાં ૭૫૨ જેટલા શ્રમિકો તેમના શ્રમદાન થકી દૈનિક રૂા. ૧.૪૫ લાખની રોજગારી મેળવી રહ્યાં છે. આ કામો આગામી એક પખવાડીયામાં પૂર્ણ થવાનો અંદાજ છે. આ કામો પૂર્ણ થયેથી ૧૦ હજાર માનવદિન રોજગારી ઉત્પન્ન કરવાની સાથે રૂા.૧૮ લાખની રોજગારી શ્રમિકોને પુરી પડાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ઉક્ત યોજના હેઠળ જળસંચય અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા સહિત રાજ્યનાં ૬ જિલ્લામાં ચેકડેમ ડિસીલ્ટીંગ, તળાવ ઉંડા કરવા, વનતળાવ વગેરે જેવા જળસંચયનાં કામોની સમીક્ષા કરીને આગામી ૩ વર્ષ સુધી જળ સંચયનાં અભિયાન થકી ભાવિ પેઢીને જળસમૃધ્ધિનો વારસો આપવાની વ્યક્ત કરેલી નેમને સાર્થક કરવા નર્મદા જિલ્લા પ્રસાશન તરફથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા “ટીમ નર્મદા કટિબધ્ધ બની છે.                           ૦ ૦ ૦ ૦

Related posts

વડોદરા ખાતે સૌ પ્રથમવાર એજ્યુકેટર્સ એવાર્ડ વિતરણ સમારંભ યોજાયો

aapnugujarat

अहमदाबाद में भीमा कोरेगांव मुद्दे पर दलितों की रैली

aapnugujarat

ગાંધીનગર મનપા ચૂંટણી : ૪૪ બેઠકો માટે ૪૦૦થી વધુ દાવેદારો

editor

Leave a Comment

UA-96247877-1