Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિનાશક તોફાન અને વરસાદમાં મૃતાંક ૫૭ : ખતરો હજુ અકબંધ

દેશભરમાં રવિવારના દિવસે તોફાની વાવાઝોડા, આંધી અને તોફાનના કારણે ભારે નુકસાન થયા બાદ હજુ પણ ઘાત ટળી નથી. વધુ પ્રચંડ તોફાન અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેથી તંત્ર સંપૂર્ણપણે સાવધાન છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળભરેલા તોફાન અને વરસાદના લીધે ગઇકાલે રવિવારના દિવસે મોડી સાંજે ભારે નુકસાન થયું હતું. આ આંધી તોફાનમાં મોતનો આંકડો વધીને આજે ૫૭ ઉપર પહોંચી ગયો હતો. સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન પણ થયું છે. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું છે જ્યાં ૩૯ લોકોના મોત થઇ ગયા છે. બંગાળમાં ચાર, આંધ્રમાં નવ અને દિલ્હીમાં એકનું મોત થયું છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ થયો છે. ૧૦ દિવસ પહેલા જ પ્રચંડ તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં ૧૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦ લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૮૦ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં પણ આગરામાં સૌથી વધુ નુકસાન થયું હતું. નવમી મેના દિવસે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ફરી પ્રચંડ આંધી તોફાનમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૨૭ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા બે સપ્તાહના ગાળામાં જ આંધી તોફાન અને પ્રંચડ વાવાઝોડા તેમજ વરસાદ સંબંધિત બનાવમાં ૨૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ગઇકાલે આંધી તોફાનમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં ભારે નુકસાન થયુ હતું. ઉત્તરપ્રદેશના સંભલમાં સ્થિત રાજપુરામાં વીજળી પડતા આગ લાગી ગઇ હતી. જેમાં સેંકડો મકાનો આગના સકંજામાં આવી ગયા હતા. દિલ્હી-એનસીઆરમાં તોફાનની પ્રચંડતાની ખાતરી આનાથી કરી શકાય છે કે પવનની ગતિ ૧૦૯ કિલોમીટર પ્રતિ કલાક હતી. ફ્લાઇટ, રેલ અને મેટ્રોના સંચાલનને માઠી અસર થઇ હતી. એનસીઆરમાં ચાર લોકોના મોત થયા હતા. આંધી અને તોફાનથી ઉત્તર અને દક્ષિણ ભારતમાં અસર રહી હતી. ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ સુધી ખરાબ હવામાન રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રચંડ પવનની સાથે ભારે વરસાદ પણ થઇ શકે છે. કેટલીક જગ્યાઓએ ૧૫, ૧૬ અને ૧૭મી મેના દિવસે હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા દિવસોમાં ઉત્તરાખંડની પહાડીઓ ઉપર ભારે હિમવર્ષા અને વરસાદના પરિણામ સ્વરુપે ચારધામની યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી હતી. અલબત્ત હવે ચારધામની યાત્રા ફરી શરૂ થઇ ચુકી છે.ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે વિસ્તરાની શ્રીનગર-દિલ્હીની ફ્લાઇટને અમૃતસર ડાઇવર્ટ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ૧૦ ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. નોઇડા-દ્વારકા બ્લુલાઈનની મેટ્રો ખરાબ હવામાનના કારણે રોકી દેવામાં આવી હતી. ફરિદાબાદમાં જોરદાર પવનના પરિણામ સ્વરુપે અનેક જગ્યાઓએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ફરિદાબાદના રેલવે રોડ પર માર્ગોની વચ્ચોવચ ઝાડ પડી ગયા હતા.

Related posts

વિશ્વનાં શક્તિશાળી લોકોમાં મોદી ૯માં ક્રમાંકે

aapnugujarat

લાલુ યાદવની ફરી એકવાર કલાકો સુધી લાંબી પુછપરછ

aapnugujarat

स्वतंत्रता दिवस पर पीएम मोदी के भाषण के मुरीद हुए शॉटगन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1