મુલાયમસિંહના નિકટના અને સપાના એમએલસી બુક્કલ નવાબે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું રૂ.૧પ કરોડ આપીશ. આ ઉપરાંત મુકુટ માટે હું રૂ.૧૦ લાખ અલગથી આપીશ. તેમણે લખનૌ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ જણાવ્યું હતું. બુક્કલ નવાબે જણાવ્યું હતું કે મંદિર અયોધ્યામાં હતું અને ત્યાં જ બને એ વધુ સારું રહેશે. ભગવાન રામ અયોધ્યામાં જ જન્મ્યા હતા અને તેથી તેમનું મંદિર પણ અયોધ્યામાં જ બનવું જોઇએ. હું ભગવાન રામનું મંદિર નિર્માણ પામ્યા બાદ તેમને મુકુટ પહેરાવીશ.એમએલસી બુક્કલ નવાબે ગોમતીના કિનારે આવેલી જમીન કબજે કરવાના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે ગોમતી નદીના કિનારાની જમીન મારા પૂૂર્વજોની છે. કારણ કે અમે પહેલેથી જ ખાનદાની રઇસ હતા. મારા પિતા પાઇલટ હતા. દાદાની પાસે સેંકડો વિઘા જમીન હતી. મોટા ભાગે આ જમીન પાણીમાં ડૂબેલી રહી હતી અને તેથી તેનો કાયમી કબજો મેળવી શકાયો નહોતો. આ અંગે કોર્ટમાં દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. જે અંગે કેસ ચાલી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે બુક્કલ નવાબ પર છેતરપિંડી કરીને ગોમતી નદીના કિનારાની જમીન કબજે કરીને રૂ.આઠ કરોડનું વળતર લેવાનો આક્ષેપ છે. તેમના વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. આ રકમ પરત કરવા માટે તેમને નોટિસ પણ આપવામાં આવી છે.