સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને હરાવી પોતાની કરિયરનો પાંચમો મૈડ્રિડ ઓપન ખિતાબ જીત્યો હતો. આ જીતની સાથે નડાલ વિશ્વ રેન્કિંગમાં ટોપ ચાર ખેલાડીઓમાં સામેલ થઇ જશે.ટૂર્નામેન્ટની પુરુષ સિંગલ્સ મેચમાં ૭૮ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં નડાલે થીમને ૭-૬ (૧૦-૮), ૬-૪થી હરાવી ખિતાબ હાંસલ કર્યો હતો. આ સાથે તેણે સતત ત્રીજી વખત ખિતાબ પર કબ્જો મેળવ્યો છે. આ પહેલા તેણે બાર્સિલના ઓપન અને મોન્ટે કાર્લો માસ્ટર્સ પર કબ્જો કર્યો હતો. નડાલે કહ્યું કે, સાચું એ છે કે હું એક એવા પ્રતિસ્પર્ધીની સામે ઉભો હતો, જે આગામી પાંચ કે દસ વર્ષમાં ઘણાં જ મહત્વપૂર્ણ ખિતાબો માટે દાવેદારી રજૂ કરશે. હું આ ખિતાબને જીતીને ઘણો ખુશ છું. ઉલ્લેખનીય છે કે, નડાલે આ પહેલા ૨૦૦૫, ૨૦૧૦, ૨૦૧૨ અને ૨૦૧૪માં આ ટૂર્નામેન્ટ જીતી હતી.