Aapnu Gujarat
ગુજરાત

પતિનાં હત્યા કેસમાં CIDને તપાસ સોંપવા માટે રિટ થઇ

પોતાના પતિની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળ્યાને નવ-નવ મહિનાના વ્હાણાં વીતવા છતાં સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા કોઇ જ નક્કર તપાસ કરવામાં નહી આવતાં અને હજુ સુધી આ કેસમાં એકપણ આરોપીની ધરપકડ કરવામાં નહી આવતાં લાચાર પત્નીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મજબૂર પત્નીએ સમગ્ર કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા અરજીમાં દાદ માંગી છે. હાઇકોર્ટે સમગ્ર કેસની ગંભીરતા ધ્યાને લઇને આ કેસમાં રાજય સરકાર, રાજયના પોલીસ મહાનિર્દેશક, મહેસાણા એસપી, સીઆઇડી ક્રાઇમ, વસઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર અને એલસીબી પોલીસના ઇન્ચાર્જ ઓફિસર વિરૂધ્ધ નોટિસ જારી કરી છે. વધુમાં હાઇકોર્ટે કેસની આગામી મુદતે કેસના તમામ કાગળો અને દસ્તાવેજો સાથે હાજર રહેવા તપાસનીશ અધિકારીને રૂબરૂ અદાલત સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૯મી મેના રોજ રાખી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામે રહેતી એક પત્નીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજીમાં સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારના પતિ રોહિતજી ચૌહાણ ગત તા.૧૪-૮-૨૦૧૭ની રાત્રે કૈલાસબહેન ભરતજી ચૌહાણને મળવા માટે ગયા હતા અને બાદમાં તેઓ ઘરે પરત ફર્યા ન હતા. અરજદારે જયારે કૈલાસબહેનને ફોન કર્યો ત્યારે તેણીએ જણાવ્યું હતું કે, તારા પતિની લાશ મારા ઘરની નજીક આવેલા ખેતરમાં ભુંડિયા ખાઇ રહ્યા છે. આ સાંભળી અરજદાર ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા અને તરત જ તેમના પરિવારજનો સાથે તપાસ કરી તો, અરજદારના પતિની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. જે અંગે અરજદારના પતિના ભાઇ શંકરસિંહ મગનજીએ વસઇ પોલીસમથકમાં આરોપીઓ કૈલાસબહેન, તેના પતિ ભરતજી ચૌહાણ, કિશન ચૌહાણ અને જયમીન ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ ફરિયાદને આજે નવ-નવ મહિનાનો લાંબો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા સમગ્ર કેસમાં કોઇ જ નક્કર તપાસ કરવામાં આવી નથી. સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, ફરિયાદમાં નામજોગ આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમછતાં પોલીસે આજદિન સુધી હજુ એકપણ આરોપીની ધરપકડ સુધ્ધાં કરી નથી. સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી અને આરોપીઓની છાવરવાની નીતિરીતિથી કંટાળી અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. નવેમ્બર-૨૦૧૭માં કેસની તપાસ એલસીબીને સોંપાઇ હતી પરંતુ એલસીબી પોલીસે પણ કેસની તપાસમાં કોઇ જ પ્રગતિ બતાવી નથી કે હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ સુધ્ધાં કરી નથી. મરનાર પતિના આરોપણ બાઇ કૈલાસબહેન સાથે અનૈતિક સંબંધો હોવાથી તેના પરિવારજનો દ્વારા ભેગામળી અરજદારની હત્યા કરી દેવાઇ હોવાનો ગંભીર આક્ષેપ પણ અરજીમાં કરાયો હતો. આરોપણ કૈલાસબહેન સમગ્ર ઘટનાક્રમ અને હકીકત જાણે છે એટલે તો તેણે તેના પતિની લાશ કયાં પડી છે, તેની જાણ ફોનમાં કરી હતી. આમ, નક્કર પુરાવા અને પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાછતાં પોલીસે આ કેસમાં કોઇ જ તપાસ કરી નથી, તેથી અરજદારને ન્યાય અપાવવા હાઇકોર્ટે સમગ્ર કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવી જોઇએ.

Related posts

બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે રોજગારી મુદ્દે આપી આંદોલન કરવાની ચિમકી

aapnugujarat

गांधीनगर अक्षरधाम मंदिर 30 नवंबर तक बंद

editor

ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા અપાવવાનું મોટું કૌભાંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1