Aapnu Gujarat
બ્લોગ

વિશ્વ હિંદુ પરિષદમાં ‘તોગડિયા યુગ’નો અંત આવ્યો

વિશ્વ હિંદુ પરીષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની રવાનગી હવે લગભગ નિશ્ચિત બની ચુકી છે. જો કે ઘણા લોકોને માત્ર એટલી જ ખબર છે કે વડાપ્રધાન મોદી સાથેના ડખ્ખાને કારણે પ્રવીણ તોગડિયાએ વિહીપનું શીર્ષ પદ ગુમાવવું પડશે, પરંતુ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે, પ્રવીણ તોગડિયાની રવાનગી પાછળનું અન્ય એક કારણ છે રાજકારણ. ચર્ચાતી વિગત અનુસાર પ્રવીણ તોગડિયા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપની વિરૂધ્ધ કામ કરતા હતા તેવી માહિતી આરએસએસને મળી હતી ! આ ઉપરાંત ગુજરાતના પાટીદાર નેતા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કરનાર હાર્દિક પટેલની સાથે તોગડીયા લાંબા સમયથી સંપર્કમાં હતા. તોગડીયા મોદી અને ભાજપ પર ખુલીને શાબ્દીક હુમલા કરે છે તે હવે આરએસએસને પસંદ નથી. તોગડિયાના હિન્દુત્વવાદી વિચારો અને કાર્યો થી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં એક સમયે માતા સાથે છાણા થાપનારા બાળકથી લઈ ડૉક્ટર અને બાદમાં હિન્દુ લીડર બનવા સુધીની તેમની જીવન સફર અંગે જણાવી રહ્યું છે.
તોગડિયાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા લીલીયાના સાજણટીંબા ગામમાં લેઉવા પટેલ પરિવારમાં થયો હતો.પ્રવીણ મોહન ભાઈ તોગડિયાનો જન્મ ૧૨-૧૨-૧૯૫૬ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા લીલીયાના સાજણટીંબા ગામમાં થયો હતો. આ ગામમાં લેઉવા પટેલો અને ખેડૂતોનું ગામ છે. જ્ઞાતિએ પટેલ એવા તોગડિયાના દાદા વશરામ ભાઈ પાસે સૂકી ખેતી હતી. આજની જેમ તે જમાનામાં તો મગફળી અને કપાસમાં કંઈ ઉપજતું નહીં એવી હાલત હતી. આથી તોગડિયાના પિતા મોહન ભાઈને લાગ્યું કે, આમાં આપણું પેટ ભરાવું મુશ્કેલ છે.આમ તોગડિયાના પિતા અમદાવાદ આવ્યા અને રૂસ્તમ જહાંગીર મિલમાં કામદાર તરીકે કામ કરવા લાગ્યા.જોકે સાજણટીંબાની ખેતી તોગડિયાના માતા દુધીબહેનને સોંપતા ગયા. ડૉ. પ્રવીણભાઈના મામાએ દુધીબહેનને એક ભેંસ તો માસીએ ગાય આપી. આમ મોસાળમાંથી મળેલા ઢોરથી દુઝાણું થયું. છ વર્ષના ડૉ. તોગડિયા કામમાં બાને મદદ કરતા હતા. તેમાં છાણા થાપવાનું કામ પણ કરી આપતા હતા.દુધીબહેને કોઈની મદદ વગર પ્રવીણ તોગડિયા અને બીજા સંતાનોનો ઉછેર કર્યો. માત્ર એટલું જ નહીં, દુધીબહેને સંઘર્ષ કરીને ૧૦ વીઘા જમીનમાંથી ૧૦૦ વીઘા કરી. ડૉ. પ્રવીણ તોગડિયાને કોલેજ શું સ્કૂલમાં ભણાવવાનું દુધીબહેનનું ગજું નહોતું, પણ તેમના બાને લગ્ન કરિયાવરમાં મળેલા ઘરેણામાંથી પ્રવીણભાઈને દરેક ધોરણમાં કે સ્કૂલથી મેડિકલ કોલેજ સુધી ભણાવવા એક-એક ઘરેણું વેચી દીધું. તો સામે તોગડિયા પણ બસના ૨પ પૈસા બચાવવા લીલિયાની સ્કૂલ સુધી પગે ચાલીને જતા હતા. તો બીજી તરફ પ્રવીણભાઈના પિતા રૂસ્તમ જહાંગીર મિલમાં નોકરી કરે અને કોઈના ઝૂંપડામાં ઉંઘી જતા હતા. ઓછું ખાઈને પૈસા બચાવી વતનમાં પત્નીને મોકલતા રહેતા હતા.તોગડિયાને તો ૪ વર્ષની ઉંમરથી જ ડૉક્ટર થવું હતું. ડૉક્ટરીનું ભણવા માટે પ્રથમ પગથિયા રૂપે અમદાવાદના શાહપુરના દરવાજાના ખાંચામાં રહેતા અમરેલીના બાબુભાઈ પટેલના ઘરે પેઇંગગેસ્ટ રહીને ભણ્યા હતા. પ્રવીણ ભાઈએ ૧પ વર્ષની ઉંમરે જય સોમનાથ, મેઘાણીની તુલસી ક્યારો, મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં છે જાણી જાણી’ વગેરે નવલકથાઓ વાંચા કાઢેલી. સાહિત્યની સાથે સાથે ગણિત પણ તેનો ફેવરિટ વિષય હતો. તેમજ એસ.એસ.સી.માં ૧૦૦ માંથી ૯૭ માર્ક્સ આવ્યા હતા, આ સમય થયું કે પીએચ.ડી. કરીને પ્રોફેસર બનવું છે.તેમનો આર.એસ.એસ. કેવી રીતે સંપર્ક થયો? આ દરમિયાન તેમનો અમદાવાદમાં રામેશ્વરપ્રસાદ પાલીવાલ નામના વિદ્વાનનો પરિચય થયો. તે આર.એસ.એસ.ના ત્યારે સંચાલક હતા. તેનો પરિચય થતાં પ્રવીણભાઈ આર.એસ.એસ. સાથે સંકળાયા. તેમજ પ્રોફેસરની નોકરી સાથે પાર્ટટાઈમ આર.એસ.એસ.નું કામ કરવાનો પણ નિર્ણય કરી લીધો હતો. આ દરમિયાન પ્રવીણભાઈને સારા માર્ક આવતા ફરીથી ડૉક્ટર બનવાની ઈચ્છા થઈ. તેને મેરિટ સ્કોલરશિપ મળી. તેથી પિતા પાસે પૈસા માગવા પડ્યા નહીં. આમ છતાં આર્થિક ભીંસ આવે તો ટ્યૂશન કરીને ખર્ચ કાઢી લેતા હતા.પ્રવીણભાઈના લગ્ન રશ્મિકાબહેન સાથે થઈ ગયા. રશ્મિકા માત્ર ૧૦ ધોરણ જ ભણ્યાં હતાં. તેમને પ્રવીણભાઈએ જોયાં જ નહોતા. ડૉ. તોગડિયાને તો બ્રહ્મચર્ય પાળવું હતું. તેમજ આર.એસ.એસ.ના ધુરંધરો તેમની નિષ્ઠા જોઈ ગયેલા. પ્રો. રામેશ્વરપ્રસાદ પાલીવાલ, પ્રો. જીતેન્દ્ર વ્યાસ અને ડૉ. દામોદર પાંચેસરાની ઈચ્છા હતી કે પ્રવીણ પરણે નહીં, પણ પછી તેણે તેમની નિષ્ઠા જોઈને પરણવામાં કોઈ વાંધો ન ઉઠાવ્યો. સમય જતા તેઓ કેન્સર સર્જન બન્યા. તેમજ ધન્વંતરી હોસ્પિટલ પણ ખોલી. તેમજ આર.આર.એસ.માંથી તેમને વીએચપીમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી.શનિવારે વિશ્વ હિન્દુ પરિષદમાંથી ઔપચારિક રીતે ’તોગડિયાયુગ’નો અંત આવ્યો. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જસ્ટિસ (રિટાયર્ડ) વિષ્ણુ સદાશીવ કોકજેએ તોગડિયાના વિશ્વાસુ જી. રાઘવ રેડ્ડીને પરાજય આપ્યો હતો.તેમણે કહ્યું, “સત્તાના મદમસ્તોએ કરોડો હિંદુઓનો અવાજ અને ધર્મને દબાવ્યા છે.”
મતદાન બાદ તોગડિયાએ વિહિપ છોડી દીધું હતું. તેમણે ખેડૂતો, યુવાનો તથા મહિલાઓ માટે મંગળવારથી અનિશ્ચિતકાલીન અનશન હાથ ધરવાની જાહેરાત કરી હતી.તોગડિયા ૩૨ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હતા.વિશ્વ હિન્દુ પરિષદની બેઠક હરિયાણાના ગુરુગ્રામ ખાતે મળી હતી. જેમાં કુલ ૧૯૨ પદાધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે.જોકે, સાડા ત્રણ દાયકા પહેલાં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શાખામાં સંઘના યૂનિફૉર્મમાં એક સાથે કતારમાં ઊભા રહી ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ’ની પ્રાર્થના કરનાર નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાની દોસ્તીમાં દરાર કેવી રીતે પડી?આ અંગે ભાજપ કાર્યાલયના પૂર્વ મંત્રી જનક પુરોહિતે જુના દિવસો યાદ કરતા જણાવ્યુ હતું કે ૧૯૭૮નાં વર્ષમાં પ્રવીણ તોગડિયા પોતાના વતન ગારીયાધારથી મેડિકલનો અભ્યાસ કરવા માટે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં આવ્યા હતા.મેડિકલના વિદ્યાર્થી પ્રવીણ તોગડિયાને પહેલાંથી જ હિંદુત્વનું ગૌરવ અને આકર્ષણ હતું.તેમની સંઘી વિચારધારાને કારણે તેઓ સંઘમાં જવા લાગ્યા હતા. ત્યાં તેમની પહેલી મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી.૧૯૮૦ના દાયકાની શરૂઆતથી તેઓ મિત્ર બની ગયા હતા. મોદી અને તોગડિયા એક જ વિચારધારા ધરાવતા હોવાને કારણે તેમની મિત્રતા ગાઢ બની હતી.મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી તોગડિયાએ ડૉકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી પણ તેમની સંઘમાં અવરજવર ચાલુ રહી.વર્ષ ૧૯૮૫માં અમદાવાદમાં કોમી તોફાન શરૂ થયાં ત્યારે પ્રવીણ તોગડિયાને વિશ્વ હિંદુ પરિષદની જવાબદારી સોંપવામાં આવી હતી.
કોમી તોફાન દરમિયાન હિંદુ અસરગ્રસ્તોને મદદ કરવા ઉપરાંત અનેક જવાબદારી ડૉ. પ્રવીણ તોગડિયાએ ઉપાડી લીધી હતી.તોગડિયા પરિષદમાં અને મોદી સંઘમાં હતા પણ તેમનાં દરેક પગલાં એક સાથે એક જ દિશામાં ઉપડતાં હતાં.કોમી તોફાનોને કારણે પરિષદની ભૂમિકા મહત્ત્વની બનવા લાગી અને હિંદુઓને વિશ્વ હિંદુ પરિષદમાં સામેલ કરવાનું મહત્ત્વનું કામ તોગડિયાએ ઉપાડી લીધું હતું.તોગડિયાના કામથી સંઘ અને પરિષદ બંન્ને પ્રભાવિત હતાં. જેના કારણે મંત્રીમાંથી ગુજરાતના પ્રમુખ અને ત્યાર બાદ રાષ્ટ્રીયસ્તરે તેઓ અત્યંત ઝડપથી પહોંચી ગયા હતા.વર્ષ ૧૯૯૦ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઈ અને ચારે તરફ પ્રવીણ તોગડિયાનો જય જયકાર થવા લાગ્યો.જોકે, તે પહેલાં એટલે કે ૧૯૮૭માં નરેન્દ્ર મોદી પણ સંઘમાંથી ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે આવી ગયા હતા.આમ નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનું એક જ લક્ષ્ય હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.ગુજરાતના વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપને ૧૯૯૦ અને ૧૯૯૫-૧૯૯૮માં સત્તા મળી.તેમાં નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાની મહત્ત્વની ભૂમિકા હતી.ત્યાં સુધી તેમના વચ્ચે કોઈ અંતર નહોતું પડ્યું.૧૯૯૫માં પહેલી વખત ભાજપની સરકાર રચાઈ તેમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા પણ નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનો દરેક નાના મોટા નિર્ણયોમાં અભિપ્રાય લેવાતો.તોગડિયાના અમદાવાદના સોલા ખાતે આવેલા બંગલા બહાર લાલ લાઇટવાળી કારની કતાર લાગી રહેતી હતી.આમ મોદી અને તોગડિયા સરકારનો ભાગ નહીં હોવા છતાં સત્તાનાં સૂત્રો તેમની પાસે હતાં તે ગુજરાતના અધિકારીઓને ખબર હતી.
પ્રવિણ તોગડિયાનું કદ વધવા લાગ્યુ હતું, તેમને સેન્ટ્રલ ફોર્સની ઝેડ પ્લસ સિક્યૉરિટી ફાળવવામાં આવી હતી.જેમ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાફલાા સાથે હોય તેમ પોલીસના ચાર-પાંચ વાહનો, ઍમ્બ્યુલન્સ કાર અને ફાયર બ્રિગેડ તેમની સાથે રહેતી હતી.૧૯૯૮માં ફરી વખત ભાજપની સરકાર આવી ત્યારે પણ તેમનો દબદબો તેવો જ રહ્યો હતો.ડિસેમ્બર ૨૦૦૨માં તોગડિયાએ ભાજપ માટે ૧૦૦થી વધુ જનસભાઓ કરી હતી.વર્ષ ૨૦૦૨માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા પ્રવીણ તોગડિયા પાસે રહેલી તમામ સત્તાઓ આંચકી લેવાઈ હતી.વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માના શબ્દોમાં કહીએ તો ભાજપની (નરેન્દ્ર મોદીની) સરકારમાં ’મને કોઈ પૂછતું નથી’ તેવા ભાવને કારણે પ્રવીણ તોગડિયા નારાજ થયા હતા.આમ તેમના સંબંધોમાં ૨૦૦૨નાં વર્ષથી તિરાડ પડવાની શરૂઆત થઈ હતી.તેમના વચ્ચે અંતર તો ત્યારે વધ્યું જયારે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. ત્યારે પ્રવીણ તોગડિયાને મળતી ઝેડ પ્લસ સિક્યૉરિટી હટાવી લેવામાં આવી હતી.પણ ગુજરાતના સિનિયર પત્રકાર અને ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના અખબારના પૂર્વ તંત્રી ડૉ. હરી દેસાઈએ જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા બન્ને હોદ્દા માટે અત્યંત મહત્ત્વકાંક્ષી મિત્રો હતા.તેમનું બન્નેનું લક્ષ્ય વડાપ્રધાન થવાનું હતું, જેમાં નરેન્દ્ર મોદી તે ખુરશી સુધી પહોંચી ગયા અને તોગડિયા રહી ગયા તે સત્તા તેમની દુશ્મનીનું કારણ બની છે.એંસીના દાયકામાં જેઓ એક જ સ્કૂટર પર બેસીને અમદાવાદની પોળો અને ગલીઓ ખૂંદતા એ નરેન્દ્ર મોદી અને ડૉ. તોગડિયાની દોસ્તી કટ્ટર દુશ્મનીમાં પલટાઈ જવાની કલ્પના પણ ત્યારે કોઈએ કરી હશે ખરી? મોદીની રાજકીય કારકિર્દીની આકાશને આંબતી ઈમારતના પાયામાં જેમના લોહી, પરસેવો સિંચાયા હોય એ જ વ્યક્તિ મોદી પોતાના રક્તપીપાસું હોવાનો આક્ષેપ કરે એને સમયની બલિહારી નહીં તો બીજું શું કહેવાય?રાજકારણમાં જેમ કોઈ કાયમી શત્રુ હોતા નથી તેમ કોઈ કાયમી મિત્ર પણ હોતા નથી તેની પ્રતીતિ ઉપરોક્ત હકીકત કરાવે છે. રાજનીતિ બહુ બૂરી ચીજ છે તેની સામે એટલી જ રસપ્રદ પણ છે. એ દ્રષ્ટીએ ડૉ. પ્રવીણ તોગડિયા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે સર્જાયેલી દુશ્મનાવટના સંદર્ભમાં, આગામી લોકસભા ચૂંટણીઓનો જંગ કઈ રીતે ખેલાશે તે જોવાનું વધુ રસપ્રદ બની રહેશે.ડૉ. તોગડિયા અને મોદી વચ્ચેની મૈત્રીનો ઈતિહાસ જૂનો છે તો એમની વચ્ચેની કડવાશ પણ નવી નથી. ઓગણીસો એંસીના દાયકામાં બંને વચ્ચે શરૂ થયેલી મૈત્રી નેવુંના દાયકાના અંત પૂર્વે સોળે કળાએ ખીલી હતી. ૨૦૦૧માં મોદીના જીવનમાં સત્તા નામની સુંદરીનું આગમન થયું ત્યાં સુધી બધું બરાબર હતું પરંતુ, ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ મોદી નવા હિન્દુ હૃદયસમ્રાટ તરીકે ઉભરી આવ્યા ત્યાર પછી બંને વચ્ચેની ભાઈબંધીમાં કડવાશના બીજ રોપાયા. મોદીનો સૂર્ય તપતો ગયો અને તોગડિયા કિનારે થતા ગયા.
ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદીની ઝળહળતી રાજકીય સફળતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ‘આરએસએસ’ અને તેની જુદી જુદી પાંખરૂપ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મઝદુર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરેનો ફાળો નાનોસૂનો નથી. મોદીએ હિન્દુત્વના સ્થાને વિકાસનો એજન્ડા અજમાવ્યો તે પૂર્વે ભાજપની તમામ સફળતાઓના પાયામાં આ બધા હિન્દુવાદી સંગઠનોની સખત મહેનત હતી એ હકીકત કોઈ નકારી શકે તેમ નથી.સત્તા મળી ન હતી ત્યાં સુધી સહુ સંપીને રહેતા હતા પરંતુ, જેવી સત્તા પ્રાપ્ત થઇ કે, સહુને મહત્તાનો મોહ લાગી ગયો. સહુ પોતપોતાનો હિસ્સો માગવા લાગ્યા એટલે મોદીને જ્ઞાન લાધી ગયું કે, એક વખતના આ બધા સાથીઓ હવે હરીફ બની રહ્યા છે અને ઝડપભેર પોતાની મહત્વાકાંક્ષાના રાજમાર્ગમાં કંટક બનીને ખડા થઇ જશે.હવે મોદીએ ચાણક્ય નીતિ અમલમાં મૂકી અને જેમના ખભે બેસીને સત્તાની સીડીઓ ચડ્યા હતાં તેવા ઘણા બધા સાથીઓને પોતાના માર્ગમાંથી હટાવવાનું શરૂ કરી દીધું. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, હરેન પંડ્યા, પ્રવીણભાઈ મણિયાર, લાલકૃષ્ણ અડવાણી, રાજેન્દ્રસિંહ રાણા, ગોરધન ઝડફિયા, ડૉ. પ્રવીણ તોગડિયા સહિત ઘણા આગેવાનો મોદીની ચાણક્ય નીતિનો ભોગ બની ગયા. સંખ્યાબંધ સંનિષ્ઠ કાર્યકર્તાઓ મોદીની નીતિ-રીતિ સહન નહીં થતાં આપમેળે ખસી ગયા, નિષ્ક્રિય થઇ ગયા. પરંતુ, મોદીએ સાબિત કરી દીધું કે, આ બધા નેતાઓની સહાય વિના પણ પોતે ખુદના બળે સત્તાના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે અને ભાજપને ચૂંટણીઓ જીતાડી શકે છે.ડૉ. પ્રવીણ તોગડિયાએ ‘દિલ્હીમાં બેઠેલા બોસના ઇશારે’ ગુજરાત અને રાજસ્થાનની પોલીસ મારા લોહીની તરસી બની છે એવું નિવેદન કરીને એક રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સામે રીતસરનો જંગ છેડી દીધો છે. ડૉ. તોગડિયા મોદી અને હાલની ભાજપ સરકાર અયોધ્યામાં રામ મંદિર સહિત હિન્દુત્વના એજન્ડાનો અમલ નહીં કરી રહ્યા હોવાના નામે મોદી પર પ્રહારો કરી રહ્યા છે. વાસ્તવમાં, તેમનો બળાપો મોદીએ તેમને સંપૂર્ણપણે ‘સાઇડલાઈન’ કરી દીધા હોવા વિરુદ્ધનો છે. ડૉ. તોગડિયાની અકળામણ તદ્દન સ્વાભાવિક છે પરંતુ, મોદી હવે તેમને ભાવ આપે એ વાતમાં કોઈ માલ નથી.અત્યાર સુધી સંઘના મોવડીઓની સમજાવટથી તોગડિયા નિયંત્રણમાં હતા, હવે તેઓ ખુલ્લેઆમ મોદી વિરુદ્ધ મેદાનમાં આવી ગયા છે. સંઘ અને ભાજપની અંદરના ઘણા અસંતુષ્ટ નેતાઓ માટે આ ગમતી વાત છે પરંતુ, હાલ મોદી-શાહની સફળ જોડી સામે તેઓ મોટું જોર કરી શકે તેમ નથી.ગુજરાતની ચૂંટણીઓમાં વિહિપ, બજરંગ દળ વગેરેનો કોઈ સક્રિય ટેકો ભાજપને મળ્યો નહોતો. આમ છતાં, ભાજપ ગુજરાતમાં ફરી સત્તા કબજે કરવામાં સફળ થયો. હવે તો, ડૉ. તોગડિયાએ જ અંદરખાનેથી હાર્દિક પટેલને અને કોંગ્રેસને બળ આપ્યું હોવાની વાતો બહાર આવી રહી છે. અમદાવાદની હોસ્પિટલમાં તોગડિયાની ખબર કાઢવા હાર્દિક અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા દોડી ગયા તે હકીકત આ બાબતને સમર્થન આપે છે. લોકસભાની આગામી ચૂંટણીઓ પહેલાં ડૉ. તોગડિયાનું પતું સંપૂર્ણ કાપી નાખવાની વ્યૂહરચના મોદીકેમ્પમાં ઘડાઈ ગઈ છે. આમાં, સંઘની નેતાગીરી પણ મોદીની સાથે છે.ડૉ. તોગડિયા પોતાના રાજકીય અસ્તિત્વનો જંગ ખેલી રહ્યા છે. ગત ડિસેમ્બરમાં, ભુવનેશ્વર ખાતે મળેલા વિહિપના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જ ડૉ. તોગડિયાનું પત્તું કાપી નાખવાનો તખ્તો ઘડાઈ ગયો હતો. ૩૧ ડિસેમ્બરે પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને કાર્યકારી અધ્યક્ષ ડૉ. તોગડિયાનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હતો, મોદી અને સંઘ પ્રમુખ એવું ઈચ્છતા હતાં કે, આ બંને ફરીથી ચૂંટાય નહીં. સંઘ તરફથી સત્તાવાર રીતે શ્રી વી. કોકજેનું નામ આગળ કરાયું પરંતુ, ડૉ. તોગડિયાએ સંઘની ચાલને નિષ્ફળ બનાવી. હવે તોગડિયા આ લડાઈ આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ, તેમનો રાહ સરળ નથી.છેલ્લા અહેવાલો મુજબ ડૉ. તોગડિયાને લઈને પરિષદમાં પણ ફાટફૂટ નજરે ચડી રહી છે. વિહિપના ‘માર્ગદર્શક મંડળ’ના એક વરિષ્ઠ સદસ્ય સ્વામી ચિન્મયાનંદે એવું કહ્યું છે કે, મોદી સરકાર અને રાજસ્થાન સરકારની તીખી આલોચના કરનાર ડૉ. તોગડિયાને બહુ જલ્દી તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. તોગડિયાએ શિસ્તભંગ કર્યો છે, પરિષદમાં તેઓએ પોતાનું સ્થાન ગુમાવી દીધું છે અને બહુ જલ્દી તેમને દરવાજો દેખાડી દેવામાં આવશે. બીજીતરફ, વીએચપીના મહાસચિવ શ્રી ચંપત રાયે કહ્યું કે, “કોણ કહે છે કે, તોગડિયાજીને સંગઠનમાંથી સાઈડલાઈન કરી દેવાયા છે? તેઓ હંમેશા અમારા અને સમાજના પ્રિય રહેશે.”ડૉ. તોગડિયા, રાઘવ રેડ્ડી તેમજ ભારતીય મઝદુર સંઘના મહાસચિવ શ્રી વૃજેશ ઉપાધ્યાયના વાણી-વર્તનથી મોદી સરકારને ક્ષોભની સ્થિતિમાં મુકાવું પડ્યું છે તેમ આરએસએસનું વરિષ્ઠ નેતૃત્વ માને છે. તેથી જ આ બંને સંગઠનોના કાર્યકરોના વિશાળ નેટવર્કનો ઉપયોગ સંઘની વિચારધારાના પ્રસાર માટે પણ કરવામાં આવી રહ્યો નથી. અંદરખાને હિલચાલ એવી છે કે, આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં વીએચપીની કાર્યકારી બેઠક બોલાવવી અને તેમાં ઉપરોક્ત ત્રણેય આગેવાનોનો ઘડોલાડવો કરી નાખવો. સંઘનું નેતૃત્વ સંપૂર્ણપણે મોદી-શાહની તરફેણ કરવાના મૂડમાં દેખાય છે. આવું થાય તો વિહિપના ઊભા ફાડિયા થઇ શકે છે. આ સ્થિતિ ભાજપના આંતરિક માળખાને પણ અસર કર્યા વિના રહે નહીં.હોસ્પિટલમાં તોગડિયાની ભાળ કાઢવા સંઘ, ભાજપ કે પરિષદના પણ કોઈ આગેવાન ગયા નથી એ શું સૂચવે છે? ડૉ. તોગડિયા એકલા પડી ગયા છે. સંઘનું નેતૃત્વ પોતાની તરફેણમાં નથી તેવું પામી ગયેલા ડૉ. તોગડિયા સંઘ સાથે છેડો ફાડી નાખવાની નોબત આવે તો કોંગ્રેસની ચાળ પકડીને પણ મોદીને મહત્તમ નુકસાન પહોંચાડવાની વેતરણમાં હોય એ બનવાજોગ છે. આવું બને તો પ્રશ્ન એ થાય કે, જિંદગી આખી હિન્દુત્વની, હિન્દુ રાષ્ટ્રની વાતો કરી એ ક્યાં સૂકાઈ ગઈ? પરંતુ, રાજકારણ સિદ્ધાંતો પર નહીં, અંગત સ્વાર્થ મુજબ ખેલાતું હોય છે.સ્વાતંત્ર્યના સાત સાત દાયકા સુધી કોંગ્રેસે લઘુમતીની આળપંપાળ અને તુષ્ટિકરણની નીતિ અપનાવી હતી. હિન્દુ શબ્દને રીતસર અળખામણો ચિતરી નાખનાર કોંગ્રેસને દેશ આખામાં સત્તા ગુમાવી દીધા પછી હવે હિંદુ સમાજને ખુશ કરવાની ચળ ઉપડી છે એટલે ડૉ. તોગડિયા જેવા કટ્ટર હિન્દુવાદી નેતાને પણ પોતાની પાંખમાં લેવાના પ્રયાસો કરે તો કોઈને નવાઈ નહીં લાગે.આગામી સવા વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ અને તે પૂર્વે આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે દેશનું રાજકારણ જે વળાંક લઇ રહ્યું છે એ જોતાં એક પછી એક આંચકારૂપ ઘટનાઓ આકાર લેતી રહેશે તે નિશ્ચિત છે.

Related posts

किसान-आंदोलन : आशा बंधी

editor

મન અપ્રતિરથ

editor

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1