Aapnu Gujarat
શિક્ષણ

વાલીઓ જે કોઇ પ્રશ્ન હોય તો ફી સમિતિ સમક્ષ રજૂ કરે : શિક્ષણમંત્રી

ફી નિયમન કાયદાને લઇ અવારનવાર ગુજરાતભરના વિદ્યાર્થીઓ વાલીઓને ઠાલા વચનો આપી સાંત્વના આપનાર અને વાલીઓની પડખે ભાજપ સરકાર હોવાના બણગાં ફુંકનાર રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી ના મામલે અનેક વખત વિવાદીત નિવેદનો કરી ચર્ચામાં રહ્યા છે આજે ફરી એકવાર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવું જ ભોપાળું વાળતા તેમણે એવું નિવેદન કર્યું હતું કે, ફી મુદ્દે હવે સરકારની કોઈ જવાબદારી રહેતી નથી અને વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો તેમણે સરકાર પાસે નહીં ફી સમિતિ પાસે જઈને રજૂઆત કરી શકે છે. ખુદ શિક્ષણમંત્રીએ ફી ના મુદ્દે હાથ ઉંચા કરી દેતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણપ્રધાનના આ નિવેદનને લઇ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. વાલીઓએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કે, ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમનો કાયદો બનાવ્યા બાદ તેનું પાલન કરાવવાની સમગ્ર જવાબદારી ગુજરાત સરકારની છે અને ત્યારે ખુદ શિક્ષણમંત્રી તેમની કાયદેસર અને નૈતિક જવાબદારીમાંથી હાથ ઊંચા કરી આ પ્રકારે છટકી શકે નહી. શિક્ષણમંત્રીનું આ પ્રકારનું બેજવાબદારીભર્યુ નિવેદન એ બીજું કંઇ નહી પરંતુ ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપીંડી છે. વાલીઓએ એવો પણ આક્રોશ ઠાલવ્યો હતો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફી નિર્ધારણ અંગેનો કાયદો લાવી મોટાં મોટાં હોર્ડિંગ્સ મુકીને ભાજપના નેતાઓએ વાલીઓને લલચાવી-ફોસલાવી મત મેળવી લીધા હતાં અને હવે ખરા ટાણે આ કાયદાનો અમલ કરવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે. વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, સરકાર સંચાલકો સાથે સાંઠગાંઠ કરીને વાલીઓને રઝળતા મુકી દીધા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આજદિન સુધી વાલીઓને તરફેણ કરવાને બદલે માત્ર સંચાલકોની તરફેણ કરીને વાલીઓને ઊંચી ફી ભરવા માટે ફરજ પાડી રહ્યા હોય એવુ વર્તન દાખવી કરી રહ્યા છે, જે આઘાતજનક અને શરમજનક છે. દરમ્યાન શિક્ષણમંત્રીના આ પ્રકારના વિવાદીત નિવેદનને પગલે ભાજપના પણ કેટલાક નેતાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા પ્રબુધ્ધ વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, ગુજરાત સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિ પણ કુલડીમાં ગોળ ભાંગી રહી હોય તેમ વાલીઓના બદલે માત્ર શાળા સંચાલકોને સાથે બેસીને ઊંચી ફી નક્કી કરે છે તેમાં પણ ફી સમિતિની બેઠકમાં શાળાઓની ફી નક્કી થયા બાદ તેની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં સરકાર છુપાવી રહી છે.
ફી સમિતિ બે દિવસ અગાઉ અમદાવાદની ૨૦૦થી વધુ શાળાઓની ફી નક્કી કરી દીધી હોવાનું ખુદ શિક્ષણ મંત્રીએ નિવેદન કર્યું હતું. પરંતુ ફી સમિતિ કે શિક્ષણ મંત્રીએ આજદિન સુધી ફી નિર્ધારીત થયેલી શાળાઓની યાદી જાહેર કરી નથી તેને લઇને પણ વાલીઓમાં ભારે નારાજગી અને રોષ પ્રવર્તી રહ્યા છે.

Related posts

કર્ણાવતી યુનિ. યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018નુ આયોજન કરશે

aapnugujarat

૧૮મીથી ધો.૧૧-૧૨ સાયન્સનાં ગેરહાજર વિદ્યાર્થીની પરીક્ષા લેવા માટે નિર્ણય કરાયો

aapnugujarat

ધા. ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1