ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ રેટના માળખાના કારણે ચીજવસ્તુઓના ભાવ પણ એકસરખા રહેશે. સિગારેટ ડીલરોનું માનવું છે કે નવી કર વ્યવસ્થાથી હાલ જે દાણચોરી માર્ગે સિગારેટને દેશમાં ઘુસાડવામાં આવી રહી છે તે બંધ થઇ જશે.
વેપારીઓનું માનવું છે કે દેશભરમાં સિગારેટનો જેટલો કુલ વપરાશ છે તેનો પાંચમો હિસ્સો દાણચોરીના માર્ગે દેશમાં આવી રહ્યો છે.ટોબેકો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે દેશમાં ટેક્સનું ચુકવણું કરતા ૯૮ ટકા સિગારેટ મેન્યુફેક્ચરર્સનું પ્રતિનિધિત્વ કરે છે.
તેઓનું માનવું છે કે દુનિયામાં ગેરકાયદે સિગારેટના કારોબારમાં ભારત ચોથા નંબરનું સૌથી મોટું બજાર છે. અહીં ઊંચા ટેક્સના કારણે દાણચોરી દ્વારા મોટા પ્રમાણમાં સિગારેટ ઘુસાડવામાં આવે છે.ટોબેકો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે દેશમાં દાણચોરી માર્ગે આવતી ગેરકાયદે સિગારેટનો કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે તો બીજી બાજુ કાયદેસર ઉદ્યોગનો કારોબાર ઘટી રહ્યો છે. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં સતત વધારો કરી રહી છે તેના કારણે કાયદેસરનો કારોબાર સતત ઘટી રહ્યો છે.રાજ્યમાં ૨૫ ટકાથી વધુ સિગારેટ ઉપર વેટ લાદવામાં આવે છે અને તેના કારણે ડીલર્સ દ્વારા મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવી રહી છે. પાછલાં મહિનાઓમાં રાજ્યના વેટ ડિપાર્ટમેન્ટે પણ રૂ. બે હજાર કરોડથી વધુનું સિગારેટમાં બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં બેનામી બિલિંગ બનાવીને રાજ્ય સરકારને ટેક્સમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ જીએસટીમાં એકસરખો ટેક્સ લાદવાના કારણે આ કરચોરી હવે અટકશે તેવો મત ટેક્સ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.