ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક રીપોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે, પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. તે સાથે જ અમેરિકાએ ભારત સાથે સંબંધો બગડવા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકાનું માનવું છે કે, જો ભારતીય સરહદો પર પાકિસ્તાન દ્વારા વધારે આતંકી હુમલા કરવામાં આવશે તો બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં વધારે તણાવ ઉત્પન્ન થઈ શકે છે.
અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ડેનિયલ કોટ્સે અમેરિકન સંસદને સંબોધન કરતા જણાવ્યું કે, પાકિસ્તાન આતંકીઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. હવે ભારતની સહનશક્તિ પણ ઘટી રહી છે. વર્ષ ૨૦૧૬માં પઠાણકોટ હુમલાની તપાસ કરવામાં પણ પાકિસ્તાનનું વલણ નરમ રહ્યું છે. આ બધા વિવાદોના કારણે બંને દેશોના સંબંધો વધુ બગડ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિનું મુખ્ય કારણ વર્ષ ૨૦૧૬માં ભારતીય સરહદ પર કરવામાં આવેલા બે મોટા આતંકી હુમલા છે.ઉલ્લેખનીય છે કે, ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઉરીમાં આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. કોટ્સનું એવું પણ કહેવું છે કે, ૨૦૧૭માં જો ભારત પર કોઈ હાઈપ્રોફાઈલ આતંકી હુમલો થશે તો બંને દેશોના સંબંધો વધારે ખરાબ થશે. ભારત પહેલેથી જ જણાવી રહ્યું છે કે, પાકિસ્તાન જ આતંકવાદીને સપોર્ટ કરી રહ્યું છે.કોટ્સના જણાવ્યા પ્રમાણે, ભારત પાકિસ્તાન સાથે ત્યારે જ શાંતિવાર્તા કરવાનું પસંદ કરશે જ્યારે પાકિસ્તાન કોર્સ બોર્ડર ટેરરીઝમનને સપોર્ટ કરવાનું બંધ કરશે. પાકિસ્તાન દ્વારા લાઈન ઓફ કંટ્રોલ પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હવે તો પાકિસ્તાન મોર્ટારથી હેવી ફાયરિંગ કરી રહ્યું છે. આવી ઘટનાઓ બન્ને દેશો વચ્ચે શાંતિ પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન કરી રહી છે.ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ત્યારે જ દૂર થશે જ્યારે નવેસરથી ચર્ચાની શરુઆત કરવામાં આવે. જેના માટે પાકિસ્તાને સીમા પારના આતંકવાદને સમર્થન કરવાનું બંધ કરવું પડશે. અને પઠાણકોટ હુમલાની તપાસમાં ભારતને સહયોગ કરવો પડશે. પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં ભારતના ૭ જવાન શહીદ થયા હતા.
આગળની પોસ્ટ